મારો પણ એક બ્લોગ હોય…..


ગુજરાતી ટાઈપ કરતાં આવડતું હોય એવા મોટા ભાગનાઓને આવી ઈચ્છા થતી હોય તો લેખનના ક્ષેત્રમાં હોય એવા કયા જણને એ ન હોય? અને છતાંય કોઈ એમ કહે કે ‘ના, આવી ઇચ્છા નથી.’ તો? તો સમજવું કે એ જૂઠ્ઠું બોલે છે. પણ કેમ ખબર પડે કે એ જુઠ્ઠું બોલે છે? એની ખરાઈ શી રીતે કરવી? જૂઠાણું પકડી પાડતા લાઈ ડિટેક્ટર મશીનો/ lie detector machines ખૂબ જ મોંઘા આવે છે.

લાઈ ડિટેક્ટર? બહુ મોંઘા પડે! 

મારા – તમારા જેવા સામાન્ય માણસ માટે વસાવવા તો પહોંચ બહારના. અને વસાવ્યા પછીય કોને ખબર કે સતત વપરાશને કારણે એ બગડી ન જાય? એટલે અમુક પ્રકારના જૂઠ્ઠાણાં પકડી પાડવા માટે તો આપણી દેશી યુક્તિઓ જ કામ આવે. 
જેમ કે –એક આડવાતથી શરૂઆત કરું. જેમના હાથે મારું જીવન ઘડતર થયું તે રજનીકુમાર પંડ્યા/ Rajnikumar Pandya ને અમેરિકાના વિઝીટર વિઝા પ્રથમ પ્રયત્ને નહોતા મળી શક્યા. એ ઘટનાથી તે નાસીપાસ જરૂર થયા હતા, પણ સાથે જ બીજી વારના પ્રયત્ન તેમણે શરૂ કરી દીધા હતા.  1993-1994 આસપાસની આ વાત છે. પોતાનો આ અનુભવ તે કોઈ પરિચિત વ્યક્તિ આગળ વર્ણવી રહ્યા હતા. હું હાજર હતો. વાતવાતમાં એ બોલ્યા – ‘અમેરિકા જવાની ઇચ્છા કોને ન હોય? કોઈ ના પાડે તો સમજવું કે એ જૂઠ્ઠું બોલે છે.’ આ વાતને ત્યાર પછી મેં મારી બનતી કલ્પનાશક્તિ કામે વળગાડીને વ્યવહારમાં આગળ વધારી છે અને જૂઠાણું પકડવાનાં લગભગ સાચાં પરિણામ મેળવ્યાં છે. 

જેમ કે – લારી પર ભજીયાં કે સમોસાં ઝાપટનારો એમ કહે કે એને હોટેલમાં જમવા જવાનું પસંદ નથી, મોબાઈલના સ્ક્રીન પર ઈન્ટરનેટ સર્ફ કર્યા કરતો ‘ટેકી’ કહે કે મને લેપટોપ વાપરવું ના ગમે, આખો દિવસ બુકાની બાંધીને સ્કૂટર કે બાઈક પર આંટાફેરા માર્યા કરતો કોઈ ‘લડવૈયો’ કહે કે મને એરકન્ડીશન્ડ કારમાં બેસવું ના ફાવે, અક્ષય ખન્નાનો કોઈ આશિક એમ જણાવે કે મને અમિતાભ બચ્ચનનું પિક્ચર જોવું ના ગમે…..વગેરે. આ યાદી ઘણી લાંબી થઈ શકે, પણ અહીં જ અટકું. મોંઘા ભાવનું લાઈ ડિટેક્ટર મશીન ખરીદીને આપણે ક્યાં વસાવવાના? એટલે વિકલ્પે જૂઠ્ઠાણા પકડી પાડવાની આ સહેલી અને એક કરતાં વધુ ચાવીઓ છે.
આડવાતથી પાછો મૂળ વાત પર આવું.

“જોશીજી, આપ કહાં હો? મૈં ઈસ્તિફા દે રહા હૂં.” 
બ્લોગ એટલે કમ્યુનિકેશનનું બળુકું માધ્યમ. કમ સે કમ બ્લોગરો તો આમ માનતા  હશે. ઘણા વખતથી મારા મનમાં એવી વાત રમતી હતી કે નજીક કે દૂર, દેશમાં કે દેશાવર બેઠેલા મિત્રો સાથે બ્લોગના માધ્યમથી ડાયલોગનો પ્રારંભ કરવો છે. આના માટે કમ્યુનિકેશન આધારિત કોઈ વિષય મળે તો વાત આગળ વધારું. અને થોડા સમયમાં એવો વિષય મળી પણ ગયો. એની વાત આગળ કરું જ છું, જે આજની પહેલી પોસ્ટનો મુખ્ય વિષય છે. 
લો મૈં આ ગયા! 

પણ એ પહેલાં એક એકરાર કરી લઉં. મને જાતજાતની હકીકતો, સમાચારો કે ચીજવસ્તુઓ વચ્ચે તાલમેલ બેસાડવાની જબરી મઝા આવે છે. આનું એક ઉદાહરણ. એક સમયના આપણા શિક્ષણપ્રધાન ડૉ. મુરલી મનોહર જોશી/ Dr. Murli Manohar Joshi ની રાજકીય કારકિર્દીના પાયામાં બીજું કોઈ નહીં, પણ ‘કુખ્યાત’ (કે ખ્યાતનામ) બોફોર્સ/ Bofors તોપ છે. દેખીતી રીતે આ વાત અસંબદ્ધ લાગી શકે, પણ હવે જુઓ તાલમેલની કમાલ. આઠમી લોકસભામાં અમિતાભ બચ્ચન/ Amitabh Bachchan ઉત્તર પ્રદેશની અલાહાબાદ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તત્કાલીન વડાપ્રધાન અને મિત્ર રાજીવ ગાંધી/ Rajiv Gandhi ની સાથોસાથ બચ્ચનનું નામ પણ બોફોર્સ તોપના સોદામાં ખરડાયું. આ કારણે તેમણે પોતાની મુદત પૂરી થાય એ પહેલાં જ સંસદસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું. સ્વાભાવિકપણે જ એ બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં ડૉ. જોશીએ ઉમેદવારી નોંધાવી. તેમનો વિજય થયો અને લોકસભામાં એ પહોંચી ગયા. થેન્ક્સ ટુ બીગ બી. બેઠો હવે તાલમેલ?

         ઉપરોક્ત એકરાર સંદર્ભે વધુ એક એકરાર કરી લઉં કે આગળ જણાવેલી કમ્યુનિકેશનનો વિષય મળવાવાળી વાત પણ આવી જ છે. તાલમેલથી ભરપૂર. ‘તાલ’ સાથેનો ‘મેલ’ આ મુજબ છે.
વરસોથી જેને આપણે જોતા આવ્યા છીએ એવી આપણી ટપાલપેટીની ડિઝાઇન હવે બદલાઈ ગઈ છે. નાના ગામમાં કે ઓછી વસ્તીવાળા વિસ્તારમાં નાની તેમજ મોટી નળાકાર ટપાલપેટી/ letter box આપણે જોઈ છે. એ પછી તેની સુધારેલી આવૃત્તિ જેવા લંબચોરસ પોસ્ટબોક્ષ આવ્યા. આ પ્રકારની ટપાલપેટી ઘણે ભાગે કોઈ પોસ્ટ ઑફિસની બહાર વધુ જોવા મળે છે. એ સિવાય પણ તે જોવા મળે છે ખરી. બન્ને પ્રકારની ટપાલ પેટી લોખંડ (એમ.એસ.) ના પતરાંમાંથી બનાવેલી હોય છે. પણ તેના ગેજમાં, બનાવટમાં દેખીતો ફરક છે, જે તસવીરમાં જોઈ શકાય છે. હા, તેના કદમાં, ક્ષમતામાં કદાચ કોઈ દેખીતો ફરક નથી.

 હરતાં ફરતાં હમણાં અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ/ Indian Institute Of Management ના નવા કેમ્પસ સામે આવેલી અંતરિક્ષ વિભાગના કર્મચારીઓ માટેની ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ કોલોની/ Department of Space Colony ની બહાર એક નવી, આધુનિક, ‘રંગે રૂડી, રૂપે પૂરી’ ટપાલપેટી જોવા મળી. ટપાલપેટીની આ અદ્યતન આવૃત્તિની બનાવટમાં મટીરિયલ સમૂળગું બદલાઈ ગયું છે. તે પરંપરાગત રીતે પતરાંની નહીં, પણ સ્ટેનલેસ સ્ટીલની બનાવેલી હતી. નવા જમાનાના ‘કેલરી કોન્શ્યસ’ ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખીને તેને ‘સ્લીમ એન્ડ ટ્રીમ’ રાખવામાં આવી છે અને તેના કદમાં ખાસ્સો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આનું કારણ કદાચ એ હશે કે હવે ટપાલ પોસ્ટકાર્ડ, અંતર્દેશીય કે કાગળ પર પેન વડે નહીં, પણ મોનીટર પર કી-બોર્ડની મદદથી લખાય છે અને ટપાલપેટીને બદલે પોસ્ટ થાય છે ઈનબોક્ષમાં.

આ નવી ડિઝાઇન કેવી રીતે આવી, તેના કોઈ ચોક્કસ માપ-નકશા કે ધારા-ધોરણ છે કે કેમ તે જાણવાનું મને કૂતુહલ થયું. પોસ્ટ વિભાગના એક ઉચ્ચ અધિકારીને ફોન કર્યો અને વિગત પૂછી. નવાઈની વાત એ હતી કે આ હકીકતની જાણ એમને પણ ત્યારે જ થઈ. આના વિશે સત્તાવાર હોય તેવી કોઈ માહિતી તેમની પાસેથી મળી ન શકી. ફોન વાતચીતમાં એક તર્ક એમણે એવો રજૂ કર્યો કે કોઈએ ખાનગી ધોરણે (અહીં અંતરિક્ષ વિભાગે) ટપાલપેટી બનાવડાવીને મૂકી હોય. ‘ભારતીય ટપાલ વિભાગમાં ખાનગી ધોરણે ટપાલપેટી બનાવડાવીને મૂકી શકાય એવી કોઈ જોગવાઈ છે?’ એવા મારા પ્રશ્નનો તેમની પાસે જવાબ નહોતો. આમ, પોસ્ટ વિભાગમાં ‘આસ નિરાસ ભઈ’ એટલે ગૂગલદેવનું શરણ શોધ્યું. 

ખાંખાખોળા કરતાં જાણ થઈ કે મુંબઈની પવઈ સ્થિત આઈ.આઈ.ટી./ I.I.T; Powai ના ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન સેન્ટર/ Industrial Design Centre ના એક વિદ્યાર્થી એસ. પાટીલ અને પ્રો. બી.કે. ચક્રવર્તીએ રીસર્ચ પ્રોજેક્ટના ભાગરૂપે એ તૈયાર કરી છે. કટાઈ જતા પતરાંને બદલે કાટપ્રતિરોધક સ્ટેનલેસ સ્ટીલ, તાળું પણ એનું જ, વીસેક વરસ સુધી મેન્ટેનન્સ ફ્રી આ ટપાલપેટીની ટોચે કાગળ નાંખવા માટેની બારી. ટોચે મૂકેલા પ્લાસ્ટિકના બોક્સની રચના એવી કે વરસાદનું પાણી ટપાલપેટીની અંદર રહેલા કાગળમાં ઊતરીને તેને પલાળે નહીં, બલ્કે પેટીની બહાર જ ટપકે. ટોચ પણ ઢાળવાળી હોવાથી ત્યાં પાણી ભરાઈ ન રહે અને વહી જાય. એક જ વિસ્તારની ટપાલપેટીઓ ખોલવા માટે અલગઅલગ નહીં, પણ એક જ પ્રકારની કોમન ચાવી.
આ ટપાલપેટીની ડિઝાઈન સપ્ટેમ્બર – 2005માં રજિસ્ટર કરવામાં આવી હતી અને 18 ઓક્ટોબર, 2005ના દિવસે નવી દિલ્હીમાં તેને લૉન્ચ કરવામાં આવી હતી.

તમામ પ્રકારની ટપાલપેટીમાં સામાન્ય હોય તેવી બાબત એ છે કે એ બધી સિમેન્ટ-કોંક્રિટના બેઝ પર જ ગોઠવાઈ છે. બોક્ષમાં ટપાલ નાખનારની સામાન્ય ઊંચાઈનો ખ્યાલ રખાયો છે, તેમ વાહન પર બેઠા-બેઠા પણ ટપાલ નાખી શકાય એવી અનુકૂળ ઊંચાઈ છે. દિલ્હીથી આ ટપાલપેટીને અમદાવાદનું અંતર કાપતાં સાતેક વરસ લાગ્યા છે, પણ બહુ ઝડપથી આપણને એ ઠેર ઠેર જોવા મળે એ શક્યતા દૂર હોય એમ લાગતું નથી. પછી જેવી મરજી ઉપરવાળાની.
* * * * * * * * * *
આ બ્લોગના નામકરણ અંગે કોઠારીભાઈઓ (બીરેન-ઉર્વીશ) સાથે ચર્ચા કરતાં પહેલી જ વારમાં આ નામ સૂઝ્યું, અને સર્વાનુમતે એ મંજૂર થઈ ગયું. કેમ કે, મારી નોકરી કે કામકાજના સ્થળ, પ્રકાર ભલે વરસોવરસ બદલાતા હોય, પણ એક બાબત સદાય એમની એમ રહી છે. અને તે એ કે અમદાવાદમાં હું હરતો-ફરતો રહ્યો છું. જરાય અતિશયોક્તિ વગર એમ કહી શકું કે ચારેકોર ફેલાયેલું આજનું 2012નું અમદાવાદ/ Ahmedabad મેં 1995માં જ જોઈ લીધું હતું – રજનીકુમાર પંડ્યાના ખર્ચે. કેવી રીતે? એની તાલમેલવાળી વાત ફરી ક્યારેક.
અમદાવાદ શહેરમાં કે અન્ય કોઈ પણ જગાએ હું મારા રસનું જે કંઈ જોઈશ, જાણીશ કે માણીશ તેમાં સૌને સહભાગી બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ બ્લોગ શરૂ કરવા પાછળનો છે.

(નોંધ: ટપાલપેટીની તમામ તસવીરો: બિનીત મોદી. એ સિવાયની પ્રથમ ચાર તસવીરો નેટ પરથી લીધી છે, જેની પર ક્લીક કરવાથી તેની યૂ આર એલ પર જઈ શકાશે.)