અશ્વિની ભટ્ટ : વિરામ વગરનું વ્યાખ્યાન ‘અલ્પવિરામ’

        વેપાર જગતમાં માર્ચ મહિનો યર એન્ડિંગ મન્થ રૂપે ખ્યાત છે. વર્ષભરના હિસાબ-કિતાબ સરભર કરવાની દિમાગી કસરત આ મહિનામાં થાય. છેલ્લાં બે વર્ષથી મુંબઈમાં એક વ્યાખ્યાન શ્રેણી ચાલે છે જેનું શિર્ષક છે જો આ હોય મારું અંતિમ પ્રવચન. આ વ્યાખ્યાન શ્રેણીમાં આમંત્રિત વક્તાએ પોતાના જીવનનું યર એન્ડિંગ નહીં પણ એરા એન્ડિંગ વક્તવ્ય આપવું એવો સામાન્ય ઉપક્રમ છે. પ્રારંભથી દર મહિનાના પહેલા રવિવારની સવારે યોજાતી આ વ્યાખ્યાન શ્રેણીનું ચોવીસમું અને સેકન્ડ લાસ્ટ કહેવાય તેવું વ્યાખ્યાન રવિવાર, 4 માર્ચ 2012ના દિવસે નવલકથાકાર અશ્વિની ભટ્ટે / Ashwinee Bhatt આપ્યું.
        ભલે નિયમિતપણે યોજાતું હોય તોય અમદાવાદ રહ્યે આ પ્રકારના વ્યાખ્યાનના શ્રોતા થવાનો લહાવો લેવો અશક્ય નહીં તો ય અઘરું તો છે જ. છતાં અશ્વિનીભાઈના વ્યાખ્યાનનો લહાવો લઈ શક્યો તેની પાછળ નાની કથા છે. કોફી મેટ્સ, વિકલ્પ અને અંધેરી સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર જેવી ત્રણ સંસ્થાઓના ઉપક્રમે યોજાતી આ વ્યાખ્યાન શ્રેણીના આયોજકો પૈકીમાંના એક અવિનાશભાઈ પારેખે ગત વર્ષે ડિસેમ્બરના પ્રારંભે ઉર્વીશ કોઠારીને બે વાત કરી. એક તો શ્રેણીનું ચોવીસમું વ્યાખ્યાન અશ્વિની ભટ્ટ આપશે અને બીજું તે અશ્વિનીભાઈનો પરિચય ઉર્વીશ કોઠારી આપશે. અમેરિકા રહેતા અશ્વિનીભાઈની અનિશ્ચિતતાઓ અને શારીરિક તંદુરસ્તીથી પૂરેપુરો વાકેફ ઉર્વીશ તેમના આગમન બાબતે આશંક હતો તો અવિનાશભાઈએ વ્યાખ્યાનની તારીખ સાથે તેમના અમદાવાદ આગમનની તારીખ પણ જણાવી દીધી.
        રોજિંદા જીવનની ઘણી બધી બાબતોનું શેરીંગ કરતા ઉર્વીશે જ્યારે આ વાત જણાવી ત્યારે જ નક્કી કરી લીધું કે અશ્વિનીભાઈને સાંભળવા મુંબઈ જવાનું. જરૂરી રેલવે બુકીંગ પણ એ સાથે જ મેળવી લીધા. વક્તા લેખે અશ્વિનીભાઈના નામ ઉપરાંત બીજો ધક્કો મળ્યો તે એ કે મુંબઈ સ્થિત મિત્ર દંપતી હેતલ દેસાઈ અને દીપક સોલિયાને કારણે અગાઉ આ શ્રેણી અંતર્ગત ચિત્રકાર અતુલ ડોડિયાએ / Atul Dodiya આપેલું વ્યાખ્યાન સાંભળ્યું હતું.
        ઓવર-ટુ-મુંબઈ…..
        રવિવારની સવારે વાયા હેતલ – દીપકના ઘરે થઈ અંધેરી સ્થિત ભવન્સ કેમ્પસ પર પહોંચી ગયા. અશ્વિનીભાઈને બે દિવસ અગાઉ અમદાવાદમાં મળ્યો ત્યારે વ્યાખ્યાનની તૈયારી કરવાની છૂપી ચિંતા તેમની વાતચીતમાં ડોકાતી હતી. તેમની તબિયત જોતાં લેપટોપની મદદથી હું કંઈ ખપમાં આવી શકું કે કેમ તેવી શક્યતા પૂછી તો કહે કે,પૂરું વ્યાખ્યાન લેખિતમાં તૈયાર કરીને જ મુંબઈ પહોંચવાનો પાકો ઇરાદો છે. જો એમ નહીં થઈ શકે તો છેવટે વક્તવ્યના મુદ્દા પણ ટપકાવી લઈશ.
(ડાબેથી) મહેન્દ્ર શાહ, ડૉ. તુષાર શાહ અને અશ્વિની ભટ્ટ 
ભવન્સ / Bhartiya Vidya Bhavan પર પહોંચી તેમને મળવા એસ.પી. જૈન ઓડિટોરીયમના ગ્રીન રૂમમાં હું અને ઉર્વીશ પહોંચ્યા તો અશ્વિનીભાઈ સાથે પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર વાળા મહેન્દ્ર શાહ, કાર્ડિઓલોજિસ્ટ ડૉ. તુષાર શાહ અને તૃપ્તિ સોની હતાં. ભટ્ટ પરિવારમાંથી પત્ની નીતિબહેને દીકરા નીલ સાથે અને અશ્વિનીભાઈના બે બહેનોએ સભાગૃહમાં સ્થાન લઈ પરિચિતોને મળવાનું ચાલુ રાખ્યું હતું. અમે પણ કેટલાક પરિચિતો –મિત્રો સાથે હાય-હેલોનો વ્યવહાર શરૂ કર્યો.

દીપક કાંટાવાલા, અશ્વિની ભટ્ટ અને પૂર્ણિમા કાંટાવાલા : 
પચાસ વર્ષે મળવાનો સંયોગ – અમદાવાદથી અંધેરી
વ્યાખ્યાનનો સાડા દસનો નિર્ધારિત સમય નજીક હતો અને ગ્રીન રૂમમાં એક દંપતીનો પ્રવેશ થયો પૂર્ણિમા અને દીપક કાંટાવાલા. પૂર્ણિમાબહેન એટલે એક સમયના આગેવાન શ્રેષ્ઠી હીરાલાલ ભગવતીના દીકરી. પિતાની જેમ તેઓ પણ નાટકના ક્ષેત્રે અમદાવાદના રંગમંડળમાં સક્રિય રહી ચુકેલા અને એ નાતે નાટકના બળિયા ટંકાયેલા અશ્વિનીભાઈના પણ પરિચિત. હાલ મુંબઈમાં રહેતાં પૂર્ણિમાબહેન લગભગ પચાસ વર્ષના અંતરાલ પછી અશ્વિનીભાઈને મળી રહ્યા હતાં. સમયગાળો એટલો લાંબો કે બન્નેમાંથી કોઈ એકબીજાને કશું ય પૂછવાની કે વ્યક્ત કરવાની સ્થિતિમાં ન હતા. કદાચ સમય પણ નહોતો. કારણ વ્યાખ્યાનનો સમય નજીક આવતો હતો સાડા દસ. મુંબઈમાં રવિવારની સવારે હોવી જોઈએ તેવી જ સંતોષકારક હાજરી વચ્ચે ઓડિટોરીયમના દરવાજા બંધ થયા અને…..
અશ્વિની ભટ્ટને આવકાર : અવિનાશ પારેખ 
        શ્રોતાઓએ સ્ટેન્ડીંગ અવેશન આપી અશ્વિનીભાઈને આવકાર્યા, જે નિયમિત આવનારાના કહેવા પ્રમાણે પહેલી વાર બન્યું. આયોજક સંસ્થાઓ વતી કાર્યક્રમના સંયોજક અવિનાશ પારેખે સાત મિનિટમાં વ્યાખ્યાન શ્રેણીની ભૂમિકા બાંધવા સાથે પૂર્વે થયેલા વક્તવ્યો – વક્તાઓના નામની નોંધ લઈ અશ્વિની ભટ્ટને આવકાર્યા અને વક્તાનો પરિચય આપવા ઉર્વીશ કોઠારીને માઇક સોંપ્યું.

વક્તાનો પરિચય : ઉર્વીશ કોઠારી દ્વારા 

ફાળવાયેલી દસ મિનિટમાં ઉર્વીશે અશ્વિનીભાઈ એટલે કોણ એમ નહીં, પણ તેઓ શું – શું નથીની તરાહ પર પરિચય આપ્યો.(‘નવનીત સમર્પણ’ના આગામી અંકમાં એ પરિચય પ્રગટ થવાનો હોવાથી એ લખવાની લાલચ ટાળી છે.) સાથે એમ પણ કહ્યું કે આ પરિચયની કેટલીક વાતોનો પડઘો મુખ્ય વક્તવ્યમાં પડશે – ધ્યાનથી  સાંભળજો.

        એમ જ થયું. શ્રોતાઓએ ધ્યાનથી સાંભળ્યું અને વક્તા પણ દિલ ખોલીને બોલ્યા. કેટલી મિનિટ? અશ્વિની હરપ્રસાદ ભટ્ટ બરાબર ત્રાણું મિનિટ ઉર્ફે દોઢ કલાક બોલ્યા. અટક્યા વગર અને પાણી પીવાનો અલ્પવિરામ મુક્યા વગર.
છેલ્લા ઉલ્લેખમાં તેમનું આખું નામ સકારણ લખ્યું છે. અશ્વિનીભાઈએ શિક્ષક પિતા હરપ્રસાદ ભટ્ટથી લઈને પૌત્ર અર્જુન સુધીના સૌ પરિવારજનોને વ્યાખ્યાનના કોઈ ને કોઈ તબક્કે યાદ કર્યા. એમ યાદ કરતાં મૂળ વાતનો તંતુ સદાય જોડેલો રાખ્યો. બાળપણ – ભણતર – કારકિર્દી – લગ્નકથા અને લગ્નજીવન – સર્જન યાત્રા – નાટક અને નાગરિક જીવનની સક્રિયતા જેવા કંઈક વિષયો આવરી લીધા. સ્વહસ્તે લખેલા બાવીસ – પચીસ પાનાંના વક્તવ્યના પ્રારંભના આઠ-નવ પાનાં જ તેઓ વાંચીને કે રેફરન્સ લઈને બોલી શક્યા. એ પછીની તમામ વાતો પાનાંને કોરાણે મૂકીને જ કરી.
પંચોતેરનો પડાવ પાર કરી ગયેલા તેમના જીવનમાં બાળપણ – યુવાનીના સમયના તોફાનો છવાયેલા તેમજ નવલકથા લેખન કરતા નાટક પ્રત્યેનો પ્રેમ ચઢે એટલે એ તોફાનોની વાત પાંચ-છ દાયકા અગાઉ તોફાનો કરતી વખતે દાખવી હોય એટલી સહજતાથી જ કરી. એટલી સહજતાથી કે મરઘાંપાલનના વ્યવસાયમાં આવી પડેલી ખોટ થોડી ઘણી પણ સરભર થાય તે હેતુથી ગુજરી બજારમાં જઈને મરઘાં-બતકાંને બે હાથમાં પકડી કેવી રીતે વેચવા માટે ઉભા રહેતા તેનો અભિનય ઑફ્ફ-પોડિયમ થઈને કરી બતાવ્યો.

‘જુઓ, બામણભઈનો છોકરો મરઘા-બતકાં 
વેચવા ગુજરીબજાર વચ્ચે આમ ઉભો રહ્યો”  
માતા – પિતાને યાદ કરી ગળગળા થયેલા અશ્વિનીભાઈ ઇચ્છા છતાં એક પણ દિવગંત મિત્રને યાદ ન કરી શક્યા. એટલા માટે કે એ પછી વક્તવ્યને આગળ વધારવું તેમના માટે મુશ્કેલ બની જાત તેવો એકરાર પણ તેમણે કાર્યક્રમ સમાપ્તિ પછી અંગત સ્વજનો આગળ કર્યો. હા, તેમના એક મિત્ર પરિમલભાઈ પરીખ શ્રોતાઓ વચ્ચે ઉપસ્થિત હતા, તેમને સાંભળવા માટે જ ખાસ અમદાવાદથી આવ્યા હતા.

વાચકો – શ્રોતાઓ, પૂછો – પૂછવું હોય એ….. 

“આટલું બોલવાનું બાકી રહી ગયું “ અશ્વિની ભટ્ટની પાછળ
 (ડાબેથી) ઉર્વીશ કોઠારી, કેતન મિસ્ત્રી, મનસુખ ઘાડીયા,
 સિદ્ધાર્થ પારેખ, અવિનાશ પારેખ 
“અશ્વીનીભાઈ, હવે જમવાનો વખત થઈ ગયો.”  
પાછળ ઉભેલા મિત્ર પરિમલ પરીખ, 
પુત્ર નીલ ભટ્ટ , શ્રીમતી નીતિ અશ્વિની ભટ્ટ
 સાથે અવિનાશ પારેખ   
વક્તવ્ય પૂરું થયા પછી કેમ્પસના જ એક હોલમાં શ્રોતા મહેમાનો સાથે જમતાં પહેલાં, જમતી વખતે અને એ પછી પણ અશ્વિનીભાઈની થોડીક વાતોનો લહાવો મળ્યો. ભોજન એર-કન્ડીશન્ડ હોલમાં ઠંડું થતું જતું હતું પણ તેની કદાચ કોઈને પરવા નહોતી. વાતો – ખૂટે નહીં એટલી વાતો. સાપ્તાહિક અભિયાનની વાત કર્યા વિના અવિનાશ પારેખ કે અશ્વિની ભટ્ટ વિષેની કોઈ વાત આગળ વધી ન શકે. અહીં તો અભિયાનમાં કામ કરી ચુકેલા સાથી મિત્રોમાંના કેટલાક હાજર હતા. તેમની સાથે ગ્રૂપ ફોટોસેશન થયું.

ટીમ અભિયાન : ઉભેલા (ડાબેથી) મનસુખ ઘાડીયા, 

કેતન મિસ્ત્રી, અશ્વિની ભટ્ટ, કેતન સંઘવી, અવિનાશ પારેખ,

દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી અને શિશિર રામાવત 
બેઠેલા (ડાબેથી) હેતલ દેસાઈ, તૃપ્તિ સોની અને દિવ્યાશા દોશી
ભવન્સની ભૂમિ પર : (ડાબેથી) અસલમ પરવેઝ, 
અજિંક્ય સંપટ, ઉર્વીશ કોઠારી અને તેજસ વૈદ્ય 

બ્લુ એટલે જીન્સ : (ડાબેથી) બિનીત મોદી, સંજય છેલ, 
ઉર્વીશ કોઠારી,રાજુ પટેલ અને અસલમ પરવેઝ

ગુજરાતી વાર્તાકાર અશ્વિની ભટ્ટ સાથે સવારથી બપોર ભવન્સ કેમ્પસમાં ગાળ્યા પછી ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મન્ટોને મળવાનું હતું – વર્ચ્યુઅલી. મુંબઈના કેટલાક મિત્રો મે મહિનામાં આવનારા તેમના જન્મદિવસે પ્રિય વાર્તાકારને યાદ કરતો બહુભાષી કાર્યક્રમ કરવા ઇચ્છે છે. તેમાંના બે મિત્રો રાજુ પટેલ અને અસલમ પરવેઝ કેટલીક બાબતે ઉર્વીશની સાથે વાતચીત કરવા આવ્યા હતા. એ વાતો થાય તે પહેલા ભવન્સમાં જ નવા નાટકના રિહર્સલમાં વ્યસ્ત મિત્ર અજિંક્ય સંપટ ઘડી-બે-ઘડી માટે આવીને મળ્યો. હાલમાં મુંબઈ ખાતે ‘અભિયાન’માં કાર્યરત પત્રકાર મિત્ર તેજસ વૈદ્ય પહેલા ભોજનમાં અને ત્યાર પછીની ચર્ચામાં સાથે હતા. 
કોલમ લેખન અને ફિલ્મ લેખન ક્ષેત્રે વ્યસ્ત એવા સંજય છેલ સાથે ગુજરાત – ગુજરાતકારણ – ગુજરાતી પત્રકારત્વની આજકાલ અને પુસ્તક પ્રકાશન જગતની કેટલીક વાસ્તવિકતાઓ વિશે (ટૂંકમાં, ફેસબુક સિવાયની બધી) વાતો ચા પીતા-પીતા વિસ્તારથી થઈ. એટલી વિસ્તારથી કે તેનું સ્ક્રીપ્ટીંગ કરવું અશક્ય. અને હા, તેનું કોઈ રેકોર્ડીંગ નથી થયું. ભવન્સનાં ઝાડવાંને કાન હશે તો ભવિષ્યમાં કોઇ તેમાંથી એક્સ્ટ્રેક્ટ કરી શકશે.
અશ્વિનીભાઇના પ્રવચનવાળા આખા કાર્યક્રમનું મલ્ટીપલ કેમેરાથી રેકોર્ડીંગ થયું છે. અગાઉ થયેલા વ્યાખ્યાનોની ડીવીડીની જેમ જ આયોજક સંસ્થાઓ તેને ડીવીડી ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે. વ્યાખ્યાન સ્થળે જેમની ઉપસ્થિતિ નહોતી તેવા અશ્વિની ભટ્ટના સંખ્યાબંધ વાચકો-ચાહકોને આ ડીવીડી કેવી રીતે મળી શકે તેની માહિતી બ્લોગના આ માધ્યમથી જ આપીશ.

         ભલે જૂનું થયું તોય સીડી – ડીવીડીના પૂર્વસૂરિ લેખે આપણે વી.સી.આર.થી અને એ રીતે વિડીઓ શબ્દથી પરિચિત છીએ. તો તો પછી આપને ફલાણા – ઢીંકણા મહારાજ-સાધુ-બાવા-ચેલા-ચેલીનો વિડીઓ સત્સંગ એવો શબ્દસમૂહ પણ યાદ હશે જ એમ માની લઈને એટલું કહું કે ડીવીડી ઉપલબ્ધ થયે અશ્વિની ભટ્ટ સાથે ડીવીડી સત્સંગ એવા કાર્યક્રમનો પ્રારંભ કરવા જેવો ખરો. કેમ કે તમે આ વાંચતા હશો ત્યારે આપના પ્રિય લેખક – નવલકથાકાર અમેરિકા પરત થવાની તૈયારીઓમાં વ્યસ્ત હશે. તેમની સાથે ડાયલોગ કરવાનો એક જ રસ્તો છે – ડીવીડી સત્સંગ.


(તમામ તસવીરો : બિનીત મોદી)
(છેલ્લી તસવીર : તેજસ વૈદ્ય)