અમદાવાદની આજકાલ : જેકેટનો જુલમ વેઠતા સફાઈ કર્મચારીઓ

ધોળે દિવસે જેકેટનો જુલમ

સફાઈ કર્મચારી બહેને સાડી પર પહેરેલું ગ્લો સાઇન જેકેટ ચાર મહિના અગાઉ પહેલી વાર જોયું ત્યારે શિયાળાની સવાર હતી. તેને પહેરનારા સફાઈ કર્મચારી ભાઈએ વહેલી સવારની કડકડતી ઠંડીનો સામનો કરવા સ્વેટરની અવેજીમાં શર્ટ પર ચઢાવ્યું હશે એમ માની એક સવારે તેમની સાથે વાતોએ વળગ્યો. સમજાવ્યું કે આ જેકેટ તો રાત્રે કામ કરતા હો તો પહેરવાનું હોય છે જેથી રસ્તા પર વાહન ચલાવનાર તમારી હાજરીની નોંધ લઈ સલામત અંતર રાખીને વાહન ચલાવે. ઉદાહરણ આપતા એમ પણ કહ્યું કે સાંજ પડ્યે અમદાવાદની ટ્રાફિક પોલીસ પણ ચાર રસ્તે આ રીતે ગ્લો સાઇન જેકેટ પહેરીને જ ફરજ બજાવે છે.

રસ્તાની સફાઈનો તેમનો અને સ્કુટર સફાઈનો મારો રોજિંદો સમય એક જ. રોજ અમારી ચાર આંખો મળે એટલી ઓળખાણે જ કદાચ એ ભાઈએ મારી આટલી પણ વાત સાંભળી. પછી પોતે વાત માંડી. મને કહે
, તમે માનો છો એમ આ જેકેટ સ્વેટરની અવેજીમાં તો બિલકુલ નથી પહેર્યું. એ રીતે ચાલે તેમ પણ નથી એમ કહી એ કેટલું પાતળું છે તે બતાવ્યું. આ જેકેટ રાત્રે જ પહેરવાનું હોય છે તેની તેને પણ ખબર હતી જ. પછી કહે, મને ને તમને ખબર છે પણ અમારા જડભરતસાહેબોને આના ઉપયોગની ગતાગમ નથી એટલે ધોળે દિવસે આ જેકેટ પહેરવાનું ઠઠાડી દીધું છે – એ ય લેખિતમાં. ઠંડી ભાગવી તો દૂર રહી, આને કારણે ખુદના ગરમ કપડાં પણ પહેરી શકાતા નથી. એ પહેરીએ તો જેકેટ શરીર પર ના ચઢે, ટૂંકું પડે. આ દુ:ખ કોને કહીએ?

તેમનો સુપરવાઇઝર સાહેબ અઠવાડિયે એક-બે વાર મોટર સાઇકલ પર ફરતો-ફરતો સફાઈ કામ થઈ રહ્યાની દેખરેખ રાખે. એક વાર તેને મોંઢે આ વાત કરી તો કહે ઉપરથી સાહેબોનો હુકમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગથી લઈ મેયર ઓફિસ સુધીના કેટલાક ફોન ખખડાવી જોયા. પરિણામ – શૂન્ય. એમ કરતા શિયાળો અને સમય બન્ને વીતી ગયા. ઉનાળો આવ્યો.

ફરીથી એ જ સીન. અમદાવાદની ગરમી કે ઉનાળા વિશે હું અહીં કંઈ લખું તો જ તેની તીવ્રતા અનુભવાય એવું તો છે નહીં. પણ શનિવારની સવારે (
14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ) ઉપરના ફોટામાં છે એ સફાઈ કામદાર બહેનને / Street Sweeper સાડી પર જેકેટ સાથે જોયા ત્યારે ફરીથી ડાયલૉગ કર્યો. એ જ જવાબ – સાહેબો આ પહેરવાની ફરજ પાડે છે. મને દયા આવી ગઈ. એ બહેનની નહીં, તેમના જડસુ સાહેબોની અને તેમના બુદ્ધિઆંકની – જો હોય તો. કે જેઓ ઉનાળાના દિવસોમાં પણ આ જેકેટ પહેરવા સંબંધે નવેસરથી વિચાર કરીને નિર્ણય પર આવી શકતા નથી.
મુંબઈમાં પણ કોઈ જુદી કહાણી નથી

ગુજરાતના અન્ય શહેરોની તો ખબર નથી પણ અમદાવાદમાં સફાઈનું કામ કર્મચારીઓ દ્વારા દિવસે જ થાય છે. રાતના સમયે વાહનોની અવર-જવર ઓછી થયા પછી રસ્તા સફાઈ માટે ઑટોમેટીક સાધનોને કામે લગાવવામાં આવે ત્યારે મદદમાં રહેતા કર્મચારીને ગ્લો સાઇન જેકેટ પહેરાવાય છે. અન્ય વાહનોથી તેની સલામતી માટે એ જરૂરી છે. પણ દિવસે એ જેકેટ પહેરાવવામાં સાહેબોનો કયો અભરખો પૂરો થાય છે તેનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના / Ahmedabad Municipal Coporation ખર્ચે અને જોખમે જ સંશોધન કરવું રહ્યું. શક્ય છે એ માટે પરદેશનો પ્રવાસ પણ ખેડવો પડે.

અમદાવાદમાં / Ahmedabad કોઈ ટ્રાફિક કોન્સ્ટેબલને કે તેના સાહેબને દિવસે આ રીતે ગ્લો સાઇન જેકેટ પહેરીને ફરજ બજાવતો જોયો નથી કારણ કે તે પોલીસ છે, તેની પાસે સત્તા તો છે જ છે – બુદ્ધિ પણ છે. જ્યારે આ સફાઈ કર્મચારીઓ બાપડા-બિચારાની વ્યાખ્યામાં આવે છે. તેમને માત્ર ફરજ જ નિભાવવાની છે. અને સત્તા? એ તો આપણે તેમને આપી જ નથી. આપીએ તો આ નહીં તો આવતા ઉનાળા સુધીમાં તો તેને જેકેટ પહેરવામાંથી મુક્તિ મળે – ધોળે દિવસે.


પહેલી તસવીર (અમદાવાદની) : બિનીત મોદી
બીજી તસવીર (મુંબઈની) : નેટ પરથી