ગીતાંજલિ મધુસૂદન ઢાંકી : વિદ્યાવ્યાસંગીના જીવનસંગિનીની વિદાય

કવિ – લેખક – સાહિત્યકાર– કલાકાર આ જગતમાંથી વિદાય લે ત્યારે માધ્યમોમાં એ બાબતની નોંધ લેવાય છે. સારું છે. જો કે એ લાભ એમના પરિવારજનોને મળતો નથી. એ બાબતમાં સંતાનો સુધી લીટી લાંબી ન કરીએ તોય એ લાભ દિવંગતના પતિ કે પત્નીને મળે, મળવો જોઈએ એવી લાગણી થયા કરે. હવે લાગણીનું તો એવું છે ને કે તેને કાબુમાં – સીમિત રાખવી પડે. જો કે આજે આવી નોંધ લેવી પડે તેવું એક કારણ મળ્યું છે.

        ભારતીય દેવાલય સ્થાપત્યના અભ્યાસી પ્રોફેસર મધુસૂદન ઢાંકીના પત્ની ગીતાંજલિબહેનનું બુધવાર
23 મે 2012ના રોજ અમદાવાદમાં અવસાન થયું. તેમની સાથે કોઈ અંગત પરિચય તો નહોતો કે કદી મળવાનું પણ નહોતું થયું. મને લાગે છે અહીં કે આગળ ઉપર લખવા માટે એ કંઈ જરૂરી પણ નથી. વ્યક્તિ સાથે અંગત પરિચય હોવો એ કંઈ લખવા માટેની લાયકાત થોડી છે? હા, લાયકાત તો ગીતાંજલિબહેને મેળવી હતી – તેમની, તેમના જવાની નોંધ લેવી પડે તેવી.

        ચોરાસી વર્ષના મધુસૂદન ઢાંકીને / Madhusoodan Dhanki (જન્મતારીખ
: 31 જુલાઈ 1927) ગયા વર્ષે 2010નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ત્યારે પ્રકટ થયેલા તેમના પરિચયમાં ગીતાંજલિબહેનના પ્રદાનની પણ નોંધ લેવાઈ છે.
ચંદ્રક અર્પણ સમારંભમાં ડાબેથી હેમન્ત દવે, કુમારપાળ દેસાઈ,
ભોળાભાઈ પટેલ, મધુસૂદન ઢાંકી, પ્રદીપ મહેંદીરત્તા અને ગીતાંજલિબહેન ઢાંકી


        નડિયાદ – વલ્લભ વિદ્યાનગરના પ્રાધ્યાપક હેમન્ત દવેએ લખેલા એ પરિચયનો શબ્દશઃ – અંશતઃ પાઠ આ રહ્યો…..

ઢાંકીસાહેબની આ વિદ્યાયાત્રા તેમનાં જીવનસંગિની ગીતાંજલિબહેન વિના સંભવિત નહોતી એમ બેહિચક કહી શકાય. કપરામાં કપરા સમયે પણ તેઓ સાહેબના પડખે ઊભાં રહ્યા છે, તેમને હિમ્મત બંધાવી છે, સંશોધન માટે પ્રોત્સાહન આપ્યું છે. સાહેબના પુસ્તકો, લેખોની સ્વચ્છ – સુવાચ્ય પ્રતો તૈયાર કરવી, સંશોધનમાં ઉપયોગી પુસ્તકાદિ હાથવગાં રાખવાં, ઢાંકીસાહેબની તમામ નાનીનાની બાબતોનું ધ્યાન રાખવું,બલકે એક નાના બાળકની રખાય તેવી કાળજી તેમણે ઢાંકીસાહેબની રાખી છે. ઢાંકીસાહેબ છેલ્લી માંદગીમાંથી જો ઊઠી શક્યા તો તે ગીતાંજલિબહેનના નિઃસ્વાર્થ, નિર્વ્યાજ પ્રેમથી જ, અને એ આખા સમયનો આ લખનાર સાક્ષી છે. આ સન્માન એથી ઢાંકીસાહેબનું જેટલું છે તેટલું જ ગીતાંજલિબહેનનું પણ છે.
મધુસૂદન ઢાંકી, હેમન્ત દવે અને ગીતાંજલિબહેન ઢાંકી
મને લાગે છે શ્રીમતી ગીતાંજલિબહેન મધુસૂદન ઢાંકીને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના પરિચયમાં અપાયેલા આ શબ્દો જ પૂરતા છે. એવો પરિચય આપનાર હેમન્ત દવેએ વધુમાં જણાવ્યું કે સ્થાપત્ય અભ્યાસ માટે ઢાંકીસાહેબના દેશ-પરદેશના પ્રવાસમાં તેઓ હંમેશા સાથે રહી તેમની દૈનિક સગવડોનો ખ્યાલ રાખતા એ તો સામાન્ય વાત થઈ. એ ઉપરાંત સાથે રાખેલું અભ્યાસલક્ષી સાહિત્ય જરૂર પડે રેફરન્સ મેળવવા ઉપલબ્ધ કરી આપતા. જે વિગતો ન હોય તેની યાદી બનાવતા અને પ્રવાસ બાદ તે માહિતી ક્યાંથી મળી શકે તેનું ફોલોઅપ કરતા. એ માટે કરવા પડતા ફોન – પત્રવ્યવહારમાં ઢાંકીસાહેબની સાથે તેમની સામેલગીરી હોય જ. પ્રકટ થવા મોકલાતા સંશોધનપત્રો, લેખો કે પુસ્તકો માટેની પ્રેસકોપી તેઓ તૈયાર કરતા.
પોસ્ટ સાથેના આ ફોટા ઢાંકીસાહેબને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ – અમદાવાદ ખાતે વર્ષ 2010નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક શનિવાર19 નવેમ્બર 2011ની સાંજે અર્પણ થયો ત્યારે પાડ્યા હતા. ગીતાંજલિબહેન માટે લખાયેલા શબ્દો અને એ લખનાર હેમન્ત સુધ્ધાંના સેવા – સમર્પણ છતા થતા દેખાય એ જ આ છબિનું મૂલ્ય.