પન્નાલાલ પટેલ : હયાતીના હસ્તાક્ષર

પન્નાલાલ પટેલ : જન્મસ્થળ માંડલી (ડુંગરપુર, રાજસ્થાન)નું ઘર
તસવીર : બીરેન કોઠારી


ઇઠ્યોતેરમો જન્મદિન પરિવાર સાથે ઉજવે તેના ઠીક એક મહિના પહેલા જીવનલીલા સંકેલી લેનાર વાર્તાકાર
નવલકથાકાર / Gujarati Author પન્નાલાલ પટેલનું શતાબ્દી વર્ષ આજે 7 મે 2012ના રોજ પૂર્ણ થાય છે. ગઈકાલના કે આજના ગુજરાતને અલગ અલગ સંદર્ભે જેની સાથે નિકટનો નાતો રહ્યો છે એવા પડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે 7 મે 1912ના રોજ જન્મેલા પન્નાલાલ પટેલ / Pannalal Patel 6 એપ્રિલ 1989ના રોજ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ નજીક આવેલી પ્રજ્ઞા સોસાયટીના ઘરમાં અવસાન પામ્યા. તેમનો આ ફોટો પ્રજ્ઞા સોસાયટીના ઘરના ડ્રોઇંગ રૂમમાં ડિસેમ્બર – 1988ના અંતિમ દિવસોમાં પાડ્યો હતો.

પન્નાલાલ પટેલ/ Pannalal Patel ( 07-05-1912થી  06-04-1989)

શતાબ્દી વર્ષની પૂર્ણાહૂતિ ટાણે મારે આ ફોટા પાછળની વાત જ કહેવી કરવી છે. તેમના સાહિત્યની વાત મીમાંસા નથી કરવી. એ હું કરી ન શકું, મારી લાયકાત પણ નથી.

કોમર્સ કૉલેજના ભણતરનું મારું પહેલું વર્ષ હતું. એ પહેલાં વાંચવાનો શોખ કેળવાયેલો. એલ.જે. કૉલેજની લાઇબ્રેરી કે એમ.જે. લાઇબ્રેરીમાં ઉપલબ્ધ હોય તેવી પન્નાલાલની નવલકથાઓ વાંચી હતી એટલે લેખકને મળવા જવાની ઇચ્છા થયા કરે. બીજું કારણ તે નાટ્યકાર ભરત દવેએ માનવીની ભવાઈનવલકથા પરથી આ જ નામે બનાવેલું ફૂલ-લેન્થ નાટક. ગુજરાતી સાહિત્ય પરિષદના મેઘાણી પ્રાંગણમાં ભજવાયેલું આ નાટક જોયા પછી તેમને મળવાની ઇચ્છા બળવત્તર બની તો ભિલોડાના ધારાસભ્ય પદે ચૂંટાઈને રાજકીય ક્ષેત્રે પ્રવૃત્ત થયેલા અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીની માનવીની ભવાઈનામે ફિલ્મ બનાવવાની જાહેરાતે તેમાં ઉમેરો કર્યો. નવલકથાની પ્રસ્તાવનાના અંતે આવતું એડ્રેસ નોંધી લઈને બે-ત્રણ વાર એમના ઘર પાસેથી પસાર થયો પણ અંદર જઈને મળવાની તો શું બંગલાનો ઝાંપો ખખડાવવાની હિંમત પણ ના ચાલી. સંકોચ થતો હતો. મનમાં થતું કે તેમને મળીને શું વાત કરીશ? બીજી તરફ લેખકને મળવાનો અંદરથી ધક્કો વાગવાનું સમાંતરે ચાલુ રહ્યું. બહુ લાંબુ પણ ન ચાલ્યું એ અને એકવાર તેમના ઘરે પહોંચી જ ગયો કેમેરા સાથે. એટલા માટે કે…..

પન્નાલાલ પટેલ : કર્મભૂમિ અમદાવાદનું ઘર
તસવીર સૌજન્ય : ભરત પન્નાલાલ પટેલ 


એ દિવસોમાં જ તસવીરકાર જગન મહેતા વિશે રજનીકુમાર પંડ્યાની કોલમમાં વાંચ્યું હતું. ગાંધીજીની
ટુવર્ડસ્ ધ લાઇટતસવીરથી જગવિખ્યાત અને પૉર્ટ્રેટ ફોટોગ્રાફીમાં જેમનો જોટો ના જડે તેવા જગન મહેતા સમકાલીન સાહિત્યકારોની તસવીરો પાડતા. જો કે પરિષદ / Gujarati Sahitya Parishad જેવી સાહિત્યની શીર્ષસ્થ સંસ્થાને તેમના એ ફોટાનો કશો ખપ નહોતો એ જાણીને દુઃખી થયેલા જગનદાદાએ આગળ ઉપર એ કામ કરવાનું છોડી દીધાનું જાહેર કર્યું હતું. પરિષદ કે જગનદાદા વિશે એ સમયે વિશેષ કશું જ ન જાણતા મને લેખમાં આ વાત વાંચીને થયું કે કોઈકે તો આ કામ આગળ વધારવું રહ્યું. પન્નાલાલ પટેલને મળવા જતાં જગનદાદાનો લેખ અને તેમની વાત યાદ આવી એટલે જ કદાચ કેમેરા સાથે પહોંચ્યો તેમના ઘરે. ઓવર ટુ પ્રજ્ઞા સોસાયટી…..બંગલા નંબર પંદર…..

સાંજના સમયે મળવા ગયો ત્યારે એ માંદગીથી થાકેલા હતા. જમવાનો સમય પણ થઈ ગયો હતો. પરિવારજનોમાં મોટા પુત્ર અરવિંદભાઈ હાજર હતા. બાપુજીકહી તેમણે મારા મળવા આવવાનું કારણ જણાવ્યું એટલે રાજી થયા. ઘરના સભ્યોની ઓળખાણ કરાવતા કહ્યું કે, ‘નાનો ભાઈ ભરત અમેરિકા છે. તે રઘુવીર ચૌધરીની દીકરી દૃષ્ટિ સાથે પરણ્યો છે એટલે એ નાતે તેઓ અમારા વેવાઈ થાય.મેં ફોટો પાડવાની તૈયારી કરી તો એમણે કપડાં વ્યવસ્થિત કરતા સ્વેટર પહેર્યું.
પન્નાલાલ પટેલનો ફોટો પાડ્યાના ત્રેવીસ વર્ષ પછી જ્યારે જ્યારે આ ફોટો જોઉં છું ત્યારે એક રોમાંચ થાય છે. કેમ ન થાય? સાહિત્યિક કાર્યક્રમોના કે સાહિત્યકારોના ફોટા તો આજેય હું પાડું છું. પણ હા, એ ક્રમમાં આ પહેલો ફોટો છે. આજે એ યાદ કરવું ગમે છે કે પન્નાલાલને મળવાનું મન તેમના સાહિત્ય જેવી જ બળકટ પ્રતિક્રિયાને કારણે પણ થયું હતું. શી હતી એ બળકટ પ્રતિક્રિયા? 1985માં તેમને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર જાહેર થયો ત્યારે સન્માન અંતર્ગત અપાનારા એક લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર બાબતે પ્રતિભાવ આપતા એમણે જણાવ્યું કે…..જિંદગીમાં પહેલીવાર છ આંકડાની રકમ જોઈ રહ્યો છું.એવોર્ડ સન્માનો પુરસ્કાર તો ઘણા અપાય છે, વર્ષો-વર્ષ જાહેર થાય છે…પણ તેનો આવો બળકટ પ્રતિભાવ આટલા વર્ષોમાં ફરી સાંભળવા મળ્યો નથી. એટલું જ નહીં, પન્નાલાલના સાહિત્ય સંદર્ભે પ્રકાશિત અધ્યયન ગ્રંથ કે શતાબ્દી નિમિત્તે થયેલા કાર્યક્રમોમાં પણ આ શબ્દો ઉલ્લેખાયા નથી.
થોડા વખત પછી ફોટાની પ્રિન્ટ લઈને તેમના હસ્તાક્ષર લેવા ઘરે ગયો ત્યારે અગાઉ જેવો કોઈ સંકોચ નહોતો રહ્યો. ઇચ્છ્યું કે ફોટાની પાછળ તેઓ તેમનો ઉપરોક્ત પ્રતિભાવ – ‘જિંદગીમાં પહેલીવાર છ આંકડાની રકમ જોઈ રહ્યો છુંલખીને હસ્તાક્ષર કરી આપે. પણ એટલું લખવા જેટલી શારીરિક શક્તિ રહી નહોતી એટલે માત્ર ઑટોગ્રાફથી જ સંતોષ માની લીધો. દિવસ હતો શનિવાર 18 ફેબ્રુઆરી 1989. બસ એ પછીના દોઢ મહિને 6 એપ્રિલ 1989ના રોજ તેઓ અવસાન પામ્યા.