રમેશ પારેખ : છ અક્ષરના નામની વિદાયને વરસ થયા છ

રમેશ પારેખ / Ramesh Parekh
27-11-1940થી 17-05-2006

        ગુજરાતી ભાષા લખતા– વાંચતા આવડતી હોય, સાહિત્ય વાંચન ગમતી બાબત હોય, કવિતાને ચાહતા હો તો પછી માની લો કે રમેશ પારેખ / Ramesh Parekh પ્રત્યે પ્રીતિ હોયહોય…ને હોય જ. આ અફર બાબત છે; ગમે તો વધાવી લો, એવી રીતે જાણે અમરેલી / Amreli નગરે કવિને વધાવ્યા હતા. 1991માં કવિના જન્મદિને (27 નવેમ્બર) વનપ્રવેશની પૂર્ણાહૂતિ રંગે-ચંગે ઉજવાઈ ત્યારે વતન એવું અમરેલી ગામ આખું હિલોળે ચઢ્યું હતું. માત્ર સાહિત્યિક સામયિકો નહીં, દૈનિક અખબારો માટે પણ રમેશ પારેખના વનપ્રવેશની પૂર્ણાહૂતિ એ સમાચાર હતા. એમ સમજો કે જે છાપાંઓએ જિંદગી ધરીને તેમની કવિતા નહોતી પ્રકટ કરી તેણે પણ આ ઉજવણીના સમાચારની નોંધ લીધી હતી. ટૂંકમાં કવિ તેમની કવિતાઓની જેમ જ છાપાંઓમાં છવાઈ ગયા હતા. છ અક્ષરના નામનો એ પહેલો પરિચય હતો. કવિના વનપ્રવેશની ઉજવણીમાં તો કંઈ સામેલ નહોતું થઈ શકાયું પરંતુ પરોક્ષ રીતે સામેલ થવાનું શક્ય બન્યું ખરું. કઈ રીતે?

        રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે નિયમિત ધોરણે કામ કરતો એ અરસામાં તેમના સ્વર્ગસ્થ પિતા દેવરામભાઈ પંડ્યા વિશે તેમણે એક લેખ સુરતથી પ્રકટ થતા
ઉત્સવ પાક્ષિકને મોકલ્યો હતો. સાથે લેખને અનુરૂપ તસવીરો પણ ખરી. લેખ પ્રકાશિત થયો એ પછી કોઈ સામાજિક કામે મારે સુરત જવાનું થયું. રજનીકાકાએ એક કામ સોંપ્યું કે તારે યાદ રાખીને એ તસવીરો પરત લઈ આવવાની. ચીંધેલું કામ પાર પાડવા ઉત્સવની ઓફિસે પહોંચ્યો અને તંત્રી ભીખેશ ભટ્ટને મળ્યો. તસવીરો તો પરત મળી જ. ભીખેશભાઈએ બીજું એક કવર હાથમાં મુકતા કહ્યું, “રમેશ પારેખના વનપ્રવેશની તસવીરો છે. અમે નોંધ લઈ લીધી છે. હવે આ ફોટા અમારે કશા કામના નથી. તું ઇચ્છે તો લઈ જઈ શકે છે. એ ફોટા હજી આજેય મારી પાસે સચવાયેલા છે. કવિ રમેશ પારેખનું મારા માટે એ કાયમી સંભારણું છે.

સમગ્ર કવિતા ‘છ અક્ષરનું નામ’નું હરીન્દ્ર દવેના હસ્તે લોકાર્પણ,

સાથે છેલભાઈ વ્યાસ, હર્ષદ ચંદારાણા, ડૉ. ભરત કાનાબાર અને વસંત પરીખ


        
માનવીની ભવાઈ ફિલ્મ કવિ સાથે બેસીને જોયાનું સ્મરણ છે. પન્નાલાલ પટેલની જાણીતી – જ્ઞાનપીઠ એવોર્ડથી પોંખાયેલી નવલકથા માનવીની ભવાઈ / Manvini Bhavai પરથી એ જ નામે ઉપેન્દ્ર ત્રિવેદીએ નિર્માણ કરેલી ગુજરાતી ફિલ્મમાં રમેશ પારેખે એક ગીત લખ્યું હતું…..કાળુ તારે તે કેડિયું ક્યાંથી લ્યા…..અમદાવાદના શિવ સિનેમામાં ફિલ્મનો પ્રિમિઅર શો યોજાયો ત્યારે રજનીકુમાર પંડ્યાએ તેમની સાથે ઓળખાણ કરાવી. એ સમયે તેમને પગમાં ફ્રેક્ચર થયું હતું. કોઈની મદદ લીધા વિના કે ટેકા વગર ડગ ના માંડી શકે. કવિની બીડીની તલબ હવે જાણીતી વાત થઈ ગઈ છે, એ સમયે નહોતી. ચાલુ ફિલ્મે જ એમણે રજનીકાકાને કહ્યું કે બાથરૂમ જવું પડશે. ઑડિટોરિયમની બહાર નીકળીને લયમાં બોલ્યા…બાથરૂમ તો એક બહાના હૈ, બીડી કા કસ લગાના હૈ.

        કવિ સાથે ઓળખાણ થઈ પરંતુ અંગત પરિચયમાં કદી આગળ ન વધી શક્યો. રાજકોટ – અમદાવાદનું અંતર પણ તેમાં કારણભૂત ખરું. મિત્ર જિતુ વઢવાણા થકી કવિ રાજેન્દ્ર શુક્લના / Rajendra Shukla પરિચયમાં આવવાનું થયું ત્યારે એ બન્ને વચ્ચેની મિત્રતા જોતાં એવી તક મળશે એવી આશા જરૂર જાગી પણ એ દિવસો આવ્યા જ નહીં. હા
, જિતુએ પોતે પ્રોડક્શન કરેલી રમેશ પારેખના ગીતોની એક ઑડિયો કેસેટ ‘ગીત હાળાં ધક્કા-મુક્કી થાય’ આપી જે વારંવાર સાંભળવી ગમે એવી છે. હવે તો તેની સીડી પણ બની છે.
રમેશ પારેખ – રાજેન્દ્ર શુક્લ : મૈત્રીનો અભિષેક
રમેશ પારેખનો પોસ્ટમાં સૌથી ઉપરનો અને રાજેન્દ્ર શુક્લ સાથેનો આ ફોટો રવિવાર, 4 સપ્ટેમ્બર 2005ના રોજ ગજ્જર હોલ ખાતે આયોજિત કવિ રાજેન્દ્ર શુક્લના કાવ્યસંગ્રહ ગઝલ સંહિતાના વિમોચન – સ્વરાભિષેક પ્રસંગે અમદાવાદ આવ્યા ત્યારે પાડ્યો હતો. વીસમી સદીના ઉત્તરાર્ધની ગુજરાતી કવિતાનો પર્યાય ગણાય એવા રમેશ મોહનલાલ પારેખની સરળતા જ આ ફોટો જોયાની પળે યાદ આવે. કેવી સરળતા? ફોટો પડાવવા માટે તેમને વિનંતી કરી. ગીત-સંગીતના કાર્યક્રમ પછી સ્ટેજ પરના ગાદી-તકિયા એમને એમ જ હતા. એ ગંદા ન થાય તેનો ખ્યાલ કરતા ફોટો પાડવા માટે હું કોઈ સારા લોકેશનની શોધમાં હતો. તો મને કહે કે તમે હાથ પકડીને જ્યાં ઊભા રાખશો ત્યાં ઊભા રહીશું, તમે ફોટો પાડી લેજો. પાડી લીધો. એ ફોટા વારે-વારે જોઈને એટલું જ કહેવાનું મન થાય કે એ ક્ષણો પાછી મળે. તેમની કવિતાઓ વાંચતા – પઠન કરતાં હંમેશા લાગ્યું છે કે આ કવિતાઓ તો ગીત-સંગીતની સંગતમાં જ સંભળાય. તેમની સદાય રહેનારી સ્મૃતિને સંકોરતી આ એક કવિતા…..

વરસાદ ભીંજવે
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,

        કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.


ખુદની કવિતા આસિત દેસાઈના મુખે સાંભળતા રમેશ પારેખ