અમદાવાદની આજકાલ : કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી

અમદાવાદ અને ગરમીને બારમાંથી નવ મહિનાનું લેણુ છે. ડામરની સડક પર પાછલા આઠ – નવ મહિના દરમિયાન શહેરી નાગરિકોએ પાન-મસાલા-ગુટકાની પિચકારીના જે ડાઘા છોડ્યા છે તે માંડ છૂટે એવા છૂટક ઝાપટાં એક – બે દિવસ પડ્યા. ‘વાદળછાયા વાતાવરણે શહેરીજનોને ગરમીમાં રાહત આપી’ એવી વાતો લખવામાં બહુ સારી લાગે, અનુભવ ના થાય. આ ફોટામાં દેખાય છે તે શહેરી શ્રમજીવીને તો ક્યારેય નહીં.

કાળી મજૂરી’ – આ શબ્દ બોલ-ચાલની ભાષામાં ઘણી વાર સાંભળ્યો અથવા મુદ્રિત સ્વરૂપે એકાધિક વાર વાંચવામાં પણ આવ્યો હશે. હા, તેને કદી જોયો નહોતો. તમને થશે કે જે શબ્દ વાંચ્યો હોય એટલે તેને દેખ્યો છે એમ તો કહેવાય જ ને? આનો જવાબ હામાં આપવો કે નામાં એ તાત્કાલિક તો સૂઝતું નથી. તાત્કાલિક તો ઠીક, સમય મળે તો પણ સૂઝે એમ નથી. એમ કરીએ આ ફોટાના માધ્યમથી જ થોડું-ઘણું સમજવાનો પ્રયત્ન કરીએ.

શહેરમાં દુર્લભ ગણાય તેવો
છાંયડો શોધતો બહાદુરસિંગ
બહુ જૂનો નથીમહિના પહેલા જ પાડ્યો છે આ ફોટો. સાઇકલ રીક્ષામાં માલસામાનની હેરફેરનું કામ કરતા શ્રમજીવી બહાદુરસિંગને પ્લમ્બિંગના સામાન – પાઇપની હેરફેર કરવાનો ફેરો મળ્યો છે. નક્કી થયેલી મજૂરીની રકમ તો સામાન સ્વીકારનાર પાર્ટી ચુકવે અને ગજવામાં આવે ત્યારે ખરું. બાકી એ પહેલા તો બહાદુરે પોતે રીપેરીંગના રૂપિયા ઢીલા કરવાનો વખત આવ્યો છે. એનો એને લેશમાત્ર રંજ નથી. રંજ છે તો એ બાબતનો કે મજૂરી કરતાં – કરતાં આપવી પડતી અમદાવાદી અગ્નિપરીક્ષા’નો.

ફેરો કરવાની શરૂઆત કરી ના કરીને જ સાઇકલ રીક્ષામાં પંક્ચર પડ્યું. ત્રણ પૈડાંની સાઇકલનું પંક્ચર બનાવવા તેને જેક પર ચઢાવવી પડે અને એ માટે રીક્ષા ખાલી કરવી પડે. જરા વિચારો કે અમદાવાદની / Ahmedabad ફોર્ટી પ્લસ એવી કાળઝાળ ગરમીમાં ખૂબ તપેલા એવા આ પાઇપને રીક્ષામાંથી ખાલી કરવા એટલે શું? મેં જોયું કે બહાદુરે પહેલા તો આજના શહેરો માટે દુર્લભ કહેવાય એવો છાંયડો શોધવા આમ-તેમ નજર કરી. ના મળ્યો એટલે પાસે હતું એ પીવાનું પાણી પાઇપ પર ઢોળ્યું. એથી ય ટાઢા ના થયેલા પાઇપ પર પંક્ચરની દુકાનવાળા પાસેથી માગી લીધેલા પાણીનો જળાભિષેક કર્યો. સામાન ખાલી થયે સાઇકલ રીક્ષાનું પંક્ચર બનાવી લેવડાવ્યા પછી ઉપર વર્ણવેલી પ્રક્રિયાનું પુનરાવર્તન. કારણ કે મજૂરીકામ માટે આગળ વધવાનું હતું.

અમદાવાદથી ય અધિક ગરમ એવા ગલ્ફ પ્રદેશમાં બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કામ કરવાનો મારો જાત અનુભવ એમ કહેતો હતો કે ઉનાળાની આ ગરમીમાં બહાદુરસિંગે ગરમ લહાય પાઇપ ઉતારવાનું જે કામ કર્યું એ માટે તેની પાસે હેન્ડ ગ્લોવ્ઝ (હાથના મોજાં) હોવા જોઇતા હતા. પંક્ચર બનાવવાનું કામ ચાલતું હતું એ દરમિયાન તેની સાથે વાત કરતાં આ મુદ્દો કહ્યો તો એ તેના માટે નવો તો નહોતો પણ તેની વાસ્તવિકતાનું વર્ણન જરા વિચિત્ર હતું. તેના કહેવા પ્રમાણે પાઇપ જ્યાંથી ચઢાવ્યા એ દુકાનદાર અને જ્યાં ઉતારવાના છે એ કન્સ્ટ્રક્શન સાઇટનો ફોરમેન માગીએ એટલે હાથ મોજાં આપે તો ખરા પણ કામ પૂરું થયે બન્ને જણા પોતપોતાના ઠેકાણે એ ચીજ પાછી માંગી લે. કેમ જાણે કોઈ કિમતી જણસ ના હોય.

અમદાવાદની ગરમીમાં
આ પાઇપને સ્પર્શ થાય? 
મજૂરીકામ કરનારા શ્રમજીવીને હેન્ડ ગ્લોવ્ઝ જેવી લક્ઝરી આઇટમ ખરીદવી પોસાય નહીં. પણ એમ થાય કે તેને કામ આપનારા અને સારો એવો નફો રળી લેતા દુકાનદાર કે બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર તેમના માટે ખર્ચની દૃષ્ટિએ સાવ નજીવી ગણાય તેવી ચીજ પણ શું કામ આમની પાસેથી પાછી લેતા હશે. તેમને એવો વિચાર કદી નહીં આવતો હોય કે સામાન હેરફેર કરનારે રસ્તામાં આ પાઇપને હાથ લગાડવાનો થશે ત્યારે તે શું કરશે? છાંયડો શોધશે કે પાણી શોધવા જશે?અને એમ કરતા માલસામાન સગે-વગે થાય તો મજૂરની શું વલે થાય.

કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી આને જ કહેતા હશેને?