અમદાવાદની આજકાલ : રથયાત્રાના હાથીનું મેડિકલ ટુરીઝમ

ચોમાસાનો પ્રારંભ ના થયો હોય તો અષાઢી બીજના દિવસે ઝાપટાંથી પણ એની શરૂઆત થશે એમ માનીને આ દિવસની રાહ જોતા લોકોમાં ભારતના બે શહેરો અપવાદ છે. ઓરિસ્સાનું પુરી અને ગુજરાતનું અમદાવાદ. આ બે શહેરોના લોકો વરસાદની સાથે-સાથે રથયાત્રાની પણ રાહ જોતા હોય છે. અહીંના જગન્નાથ મંદિરેથી વર્ષોવર્ષ અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રાનો હવે તો શતાબ્દી જૂનો ઇતિહાસ છે.

જેનું વર્ણન એક શબ્દમાં કરવા માટે માત્ર ભવ્યાતિભવ્ય વિશેષણ જ વાપરવું પડે તેવી આ રથયાત્રા / Rathyatra માટે મહિનાઓ અગાઉથી તૈયારીઓ આરંભાતી હોય છે. ભગવાન જગન્નાથજીની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની નગરચર્યા માટે ઉપયોગમાં લેવાતા જૂના રથનું સમારકામ કરવાનું હોય કે તે નવા બનાવવાના હોય ત્યાંથી તૈયારીઓનો પ્રારંભ થાય. સ્થાનિક માધ્યમોમાં રથયાત્રાના સમાચાર આપવાની શરૂઆતનો વિષય પણ વર્ષોથી આ જ રહ્યો છે. આપણે થોડાક આગળ વધીએ. ભગવાનના દર્શન સિવાય શહેરીજનોને રથયાત્રાનું આકર્ષણ રહે તેવું બીજું કારણ છે રથયાત્રાની સાથે જોડાતા હાથીઓ.

રથયાત્રા પહેલા તબીબી તપાસ માટે તૈયાર 

આ હાથીઓ અત્યારે દાક્તરી તપાસના મહત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. માઇલો લાંબી અને દિવસભર ચાલતી રથયાત્રામાં જોડાવા માટે જે તે હાથી મહાશય કે હાથણી મેડમ શારીરિક રીતે ફીટ છે કે નહીં તેની ખાતરી આ મેડિકલ ચેક-અપ મારફતે મળે છે. કેટલાકની તપાસ જગન્નાથ મંદિરના આંગણે જ થઈ જાય છે તો કેટલાકને એ માટે આણંદની પ્રખ્યાત વેટરનરી હોસ્પિટલ – કોલેજ સુધી લઈ જવા પડે છે. ઓ.પી.ડી.થી ના પતે તેવા હાથીને ઇલાજ માટે ઇનડોર પેશન્ટ તરીકે દાખલ કરવો પડે તો એ માટે પણ મંદિર સત્તાવાળાઓની તૈયારી હોય છે. હાથીની તબીબી તપાસ કે સારવાર માટે તેના મહાવતનો અભિપ્રાય ધ્યાને તો લેવાય જ, ક્યારેક વેટરનરી ડોક્ટર (પશુ ચિકિત્સક) / Veterinary Doctor મહાવતના શબ્દને જ આખરી ગણે. એટલા માટે કે મહાવત હાથીનો મિત્ર – બેસ્ટ ફ્રેન્ડ હોય છે. આ બેસ્ટ ફ્રેન્ડ શબ્દ મારો નહીં, મહાવત જગદંબાપ્રસાદનો છે.

જગદંબાપ્રસાદના જણાવ્યા પ્રમાણે મેડિકલ ફીટનેસ જાણ્યા વગર હાથી – હાથણીને રથયાત્રામાં સામેલ કરવાનું જોખમ તો ના જ લઈ શકાય. કાયદાકીય રીતે તે હવે જરૂરી પણ બની ગયું છે. રથયાત્રા માટે જરૂરી એવી પોલીસ પરમીશન મેળવવાના કાગળિયાં તૈયાર કરતી વખતે જ તેમના ફીટનેસ સર્ટિફિકેટ સામેલ કરવાના હોય છે. રથયાત્રાના પૂરા દિવસ માટે અમદાવાદ પ્રાણીસંગ્રહાલયના જવાનોની એક ટીમ તેમના સાધનો, દવાઓ અને વેટરનરી ડોક્ટર સાથે હાજર રહે છે. અમદાવાદની ગરમીને કારણે હાથી ગમે ત્યારે તાણ અનુભવે ત્યારે તેને વશમાં રાખવાની કપરી કામગીરી અમદાવાદ ઝૂની આ ટીમના શિરે હોય છે.

તબીબી ચકાસણી પછી જરૂર પડ્યે સારવાર અપાવવા માટે હાથીને મંદિરના આંગણેથી બહાર કાઢવાનું પણ કંઈ સહેલું નથી. એ માટે વેટરનરી ડોક્ટરનો લેખિત અભિપ્રાય તો જોઈએ જ. એ ઉપરાંત જે ટ્રકમાં તેને લઈ જવાનો હોય તે વાહનની આર.ટી.ઓ. મંજૂરી પણ આવશ્યક હોય છે. જે તે વાહનની પણ ફીટનેસ હોવા સાથે તેના ડ્રાઇવર પાસે લાઇસન્સ ઉપરાંત કોમર્શિયલ વ્હીકલ ચલાવવાનો ખાસ બેજ પણ હોવો જોઇએ. હંમેશના સાથીદાર એવા બેસ્ટ ફ્રેન્ડ મહાવતે તો સાથે રહેવું જ પડે અને એના માટે કોઈ પરવાનાની અગાઉ જરૂર નહોતી પડતી. પરંતુ હવે સમય બદલાયો છે એટલે આ બધા કાગળિયાંમાં તેનો નામોલ્લેખ જ નહીં એક ફોટો પણ ઓળખરૂપે ચોંટાડવાનો હોય છે. પોતાની મંદિર સાથેની ઓળખ છતી થાય તેવો દસ્તાવેજ તો આ હેરફેર દરમિયાન સાથે રાખવાનો જ હોય. ટ્રકમાં રેતી ભરેલી ગુણો રાખી ખાસ બનાવાયેલા ધક્કા (એક પ્રકારનો ઓટલો) નજીક હાથીને લઈ જઈ કાળજીપૂર્વક તેને અંદર બેસાડવામાં આવે. આટલું થાય એટલે શરૂ થાય હાથીનું મેડિકલ ટુરીઝમ – રથયાત્રા સે ઠીક એક મહિને પહેલે.

તો તૈયાર થઈ જાઓ આ વર્ષની રથયાત્રા જોવા – ગુરુવાર, 21મી જૂન 2012ની પ્રભાતે, જગન્નાથ મંદિરના પ્રાંગણમાં.

રથયાત્રાને વધાવતા ભાવિકોની ભીડ વચ્ચેથી લીધેલી તસવીર