વાર્તા રે વાર્તા : વાંદરો, ડાયબીટિઝ અને ફાસ્ટિંગ શુગર

બ્લોગ લખવાની આ ટેક્નિકલ સુવિધા પૂરી પાડનાર, તેનો ઉપયોગ કરી લખનાર, વાંચનાર અને વાંચીને ટીકા-ટિપ્પણી કરનાર સુધીના સૌ કોઈ સ્વીકારશે કે આપણા પૂર્વજો વાંદરા / Monkey હતા અને આજના આપણા કેટલાક લક્ષણો તેને મળતા આવે છે. અરે લક્ષણો શું, રોગ પણ મળતા આવે છે.

દુનિયાભરના સઘળા સંશોધનો અમેરિકામાં જ થાય છે એ રીતે જાહેર થયેલા એક સંશોધન પ્રમાણે વાંદરાને પણ ડાયબીટિઝ / Diabetes થાય છે – જેનો પ્રકાર છે ટાઇપ ટુ. અમેરિકામાં પ્રાણી સંગ્રહાલયના વાંદરાને ગુજરાતીમાં મધુમેહ કહેતો આ ડાયબીટિઝ લાગુ ના પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. એ માટે તેમને મોટા જૂથમાં જ રાખવામાં આવે એટલે તેઓ એક્ટિવ રહે. બાકી તેમને આપવામાં આવતો ખોરાક એટલો સ્વાદિષ્ટ હોય કે ડાયબીટિઝ થઈને જ રહે. ગર્ભવતી વાંદરીને ડાયબીટિઝનું જોખમ વધુ રહે છે. પ્રેગ્નન્ટ વાંદરી એટલી માત્રામાં તાણ અનુભવે કે ઇન્સ્યૂલિન વાપરતી તેની આંતરિક સિસ્ટમ ખોરવાઈ જાય અને સરવાળે શુગર વધતી રહે.

આફ્રિકન કે આપણા એશિયન વાંદરાઓની કરમ કઠણાઈ જરા જુદી છે. તેમનામાં ખુદનું પ્રતિબિંબ જોવાને ટેવાયેલા પ્રવાસીઓ કે વાંદરાને ખવડાવીને દાન-પૂણ્ય કમાઈ લેવા માંગતા યાત્રાળુઓ તેમને નાસ્તામાં એટલા ફળફળાદિ ધરે કે પેલો ખાઈને અધમૂઓ થઈ જાય, એનું શુગર લેવલ વધી જાય. બિસ્કિટ – ખારીશીંગ ઝાપટી જતા હોય એ જુદું.

હવે સાથે-સાથે એમ પણ વિચારો કે આ વાંદરાઓ ક્યારેક માંદા પણ પડતા હશે ને? અથવા માંદગી ઢૂંકડી ન આવે તેની દરકાર રાખતા હશે. જો કે વાંદરાને કદી માણસોની તો ઠીક પશુઓ માટેની ખાસ હોય તેવી હોસ્પિટલમાં પણ સારવાર માટે દાખલ થયેલો જોયો નથી. પણ મેં જોયો હોં ! ક્યાં? હોસ્પિટલમાં દાખલ થયેલો વાંદરો? ના…બાબા…ના…માંદગી પોતાની નજીક જ ના આવે એની દરકાર રાખતો – કાળજી લેતો વાંદરો. લો આપ પણ જુઓ…..
ડાયબીટિઝ ચેક ના કરાવે ત્યાં સુધી તારી સાથે કીટ્ટા
આ જો ને શરીર વધાર્યું છે…

આચર…કુચર…ખા…ખા…

આચર – કુચર ખાઈને તગડા થયેલા, દિવસભર ભટકતા રહેતા અને રાત પડ્યે ઝાડ પર આડા થઈને ઘોરતા રહેતા આપણા વાંદરાભાઈથી તેની પત્ની એવી વાંદરી નારાજ છે. દિવસભર એને ટોક્યા કરે છે કેઆમ શું આખો દિવસ ભટક્યા કરો છો. આ જો શરીર વઘાર્યું છે. જાવ જને ડાયબીટિઝ ચેક કરાવી આવો. માંદા પડશો તો છે કોઈ કરવા વાળું? મારા માટે નહીં તો આપણા છૈયાં-છોકરા માટે થઈને તો તબિયત જાળવો. કાલે સવારે મારે તમારો ડાયબીટિઝ ચેક થયેલો જોઇએ. બન્ને – ફાસ્ટિંગ અને જમ્યા પછી બે કલાકે ચેક થતો હોય એ પણ.

આ છોકરા સામું જુઓ,

એના માટે ચેક કરાવો…..ડાયબીટિઝ…

રોજે રોજ કંઈને કંઈ બહાને બ્લડ – યુરીન શુગર ચેક કરાવવાનું ટાળતો વાંદરો આજે એ માટે તૈયાર થઈ ગયો. કારણ કે પેથોલોજી લેબોરેટરી દ્વારા સ્પેશિયલ સ્કીમ જાહેર કરવામાં આવી હતી. એનો લાભ લેવા એ વહેલી સવારે જઈને ભૂખ્યા પેટે બ્લડ – યુરીનના નમૂના પેથોલોજી લેબ પર આપી આવ્યો.
પેટ્રોલના ભાવ…ઓહ…ઘરે નથી જવું….
…જમ્યા પછી બે કલાકે નમુના
આપવાના…ત્યાં સુધી…
જમ્યા પછી બે કલાકે આપવાના થતા બ્લડ – યુરીનના નમૂના માટે ભાવતાં ભોજન આરોગવા આમ તો તેને ઘરે જવું હતું પણ પેટ્રોલના ભાવ વધી ગયા પછી એમ કરવું તેને પોસાય તેમ નહોતું. એટલે તેણે લેબોરેટરી બેઠાં જ ભોજન પતાવી દીધું. સાદું ભોજન અને ઉચ્ચ વિચારની ફિલસૂફીમાં માનતા વાંદરાએ માત્ર બિસ્કિટથી જ ભોજન આટોપી લીધું અને બે કલાક થતા નમૂના પણ આપી દીધા.
…અહીં જ ક્યાંક આરામ કરી લેવા દે…..

તમને આ બધું સાચું નથી લાગતું? ના માનશો, તમારી મરજી છે. બાકી આપણો આ વાંદરો તો તેનો ડાયબીટિઝનો બ્લડ – યુરીન રિપોર્ટ લેવા પણ પહોંચી ગયો છે. હજીય નથી માનતા?

મારો ડાયબીટિઝનો રિપૉર્ટ નોર્મલ આવે તો સારું…..
ના માનશો. ફોટો જોશો પછી તો માનશો ને? તો પછી માની જાઓ કે આ જ આપણો પૂર્વજ છે. એ બિચારો ફેમિલી ટ્રી કે વંશાવળી તો ક્યાંથી લાવીને બતાવવાનો હતો. હા, થોડી રાહ જુઓ. એવા દિવસો પણ આવશે અને વાંદરો તમારી નજીક આવીને કાનમાં બોલશે કેહું તારો પરભવનો પિતરાઈ છું.


તસવીરો : બિનીત મોદી