અમદાવાદની આજકાલ : ‘સિટીઝન’ વગરનો ‘સિટીઝન’નો શો-રૂમ

ક્યાં છે સિટીઝન?
કેટલા વાગ્યા? કે શું સમય થયો?એવું હવે કોઈ પૂછતું નથી. રસ્તે ચાલતાં કે બસ – ટ્રેનમાં મુસાફરી કરતાં અચૂક પૂછાતા સવાલનો સમય વીતી ગયો છે. બેશક તેનો શ્રેય ટકે શેર વેચાતા થયેલા મોબાઇલને જ આપવો પડે. પરીક્ષામાં સારા માર્ક લાવશો તો કાંડા ઘડિયાળ કહેતાં રિસ્ટ વોચ / Wrist Watch લાવી આપશું એવું વચન આપતા વાલીઓનો જમાનો પણ વીતી ગયો છે. કાંડા ઘડિયાળ પહેરનારાની સંખ્યા વધે એ પહેલાં કમરે મોબાઇલ ઝુલાવવાનો જમાનો આવી ગયો. હવે એના ય વળતાં પાણી છે. હાથ પર કાંડા ઘડિયાળ નહીં, હથેળીમાં ટેબલેટ હોય એ એકવીસમી સદીમાં હયાત હોવાની નિશાની ગણાવા લાગ્યું છે.


કાંડે ઘડિયાળ પહેરવાનું ચલણ ભલે ઘટ્યું, ઘડિયાળના શો-રૂમ તો એના એ જ છે. બલકે એની સંખ્યા વધી રહી છે. એક સમયે અમદાવાદમાં / Ahmedabad ઘડિયાળ ખરીદવાનું એકમાત્ર સરનામું હતું ગાંધી રોડ અને ફર્નાન્ડિઝ પુલ પરની હારબંધ દુકાનો. ભારત સરકારની માલિકીની હિન્દુસ્તાન મશીન ટુલ્સ / Hindustan Machine Tools (એચ.એમ.ટી.) કંપનીનો ઘડિયાળ વેચાણનો ઓથોરાઇઝડ્ શો-રૂમ ભદ્ર સ્થિત પ્રેમાભાઈ હોલની / Premabhai Hall પડોશમાં હતો. વિદેશી બ્રાન્ડ – માર્કાની ઘડિયાળ ખરીદવા માગનારે કસ્ટમ નોટિફાઇડ શોપ કે દાણચોરીના માલ પર આધાર રાખવો પડતો. બીજો રસ્તો હતો પરદેશથી આવતા સ્વજન ભેટ-સોગાદ રૂપે ચકચકિત ઘડિયાળ આપણા માટે લેતા આવે તે. કાંકરિયા – જૂની પાઇલટ ડેરી પાસે આવેલા શ્રેયસ કો-ઓપરેટીવ સ્ટોર્સની દૈનિક અખબારમાં કાયમ જાહેરાત આવતી…..વિદેશી ઘડિયાળોનો નવો સ્ટોક આવી ગયો છેદોડો…દોડો…દોડો…’.


એ જાહેરાતમાં વિદેશી ઘડિયાળોના બ્રાન્ડ નેમ પણ લખવામાં આવતા. હવે સમય બદલાયો છે. દાણચોરીના માલ રૂપે આવતી કે કસ્ટમ નોટિફાઇડ શોપમાં વેચાતી એ વિદેશી ઘડિયાળોના શો-રૂમ જ હવે અમદાવાદની ધરતી પર આવી ગયા છે. નદીપારના અમદાવાદના આશ્રમ રોડ, સી.જી. રોડ કે નવરંગપુરા જેવા પોશ વિસ્તારોમાં આ વિદેશી બ્રાન્ડના શો-રૂમ હોય તે પણ જૂની વાત થઈ ગઈ. એ શો-રૂમ આગળ વધીને સેટેલાઇટ અને સરખેજ-ગાંધીનગર હાઇવે સુધી પહોંચ્યા છે.
ઓ.કે. પણ ગ્રાહક રાજ્જા / Customer ત્યાં પહોંચ્યો છે ખરો? જવાબ છે…..ના. પોસ્ટ સાથેની તસવીર જોશો તો સમજાશે કે સમય દર્શન કરાવતા શો-રૂમમાં ગ્રાહકના દર્શન દુર્લભ છે. કારણ, કાંડા પર ઘડિયાળ પહેરવાનો જમાનો જ જૂનો થઈ ગયો પછી નવી ઘડિયાળો વેચાય ક્યાંથી?…..
…..તો પછી આ ભપકાદાર શો-રૂમ લઇને બેઠેલા લોકોનો સમય / Time કેવી રીતે પસાર થતો હશે? એવો સવાલ થાય તો જવાબ છે સમય જોઇને’.