અમદાવાદની આજકાલ : સીટી બસનું બસ સ્ટેન્ડ – ‘એની સુગંધનો દરિયો’

એ.એમ.ટી.એસનું બસ સ્ટેન્ડ : એની સુગંધનો દરિયો

શહેરના નાગરિકોને સ્થાનિક વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડતી એ.એમ.ટી.એસ (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) / Ahmedabad Municipal Transport Service અવારનવાર માધ્યમોમાં સમાચાર બની ચમકે છે. ભાગ્યે જ એવો કોઈ દિવસ પસાર થતો હશે કે તેના નામનું સમાચારનું ચોકઠું અખબારના પાને ન હોય. અમદાવાદની આજકાલમાં / Ahmedabad આજે સીટી બસ નહીં તેનું સ્ટેન્ડ ચર્ચાના કેન્દ્રમાં છે.

અગાઉ એ.એમ.ટી.એસનું બસ સ્ટેન્ડ એટલે લાલ દરવાજાનું / Lal Darwaja સેન્ટ્રલ બસ સ્ટેશન એવી વ્યાખ્યા હતી. કેમ કે ગામમાં ઠેર – ઠેર લોખંડના પાઇપ માથે પાટિયું મારીને ઊભા કર્યા હતા એ તો બસ સ્ટોપ હતા. હવે એવા બસ સ્ટોપ બહુ ઓછા રહ્યા છે. હવે જે છે અથવા શહેર વિસ્તરતાં નવા વિસ્તારોમાં ઊભા થઈ રહ્યા છે એ બધાં બસ સ્ટેન્ડ જ છે.

લોખંડનું માળખું (ઑલ સ્ટીલ ફ્રેમ), છત પર સિમેન્ટ મટીરિયલનું છાપરૂં અને બસ સેવાના સંભવિત મુસાફરને બેસવા માટે લાકડાનું પાટિયું હોય એવી એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડની ડિઝાઇન હવે જૂની થઈ ગઈ. અત્યારે જોવા મળે છે અથવા આ પોસ્ટ સાથેના ફોટામાં જોઈ રહ્યા છો તે તો બસ સ્ટેન્ડની આધુનિક ડિઝાઇન છે. જેને શહેર સ્થિત રાષ્ટ્રીય સ્તરની સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન’ / National Institute of Design દ્વારા તૈયાર કરવામાં આવી છે.

સંસ્થાના સ્થાપનાકાળથી લઈને આજ સુધી તેના કામકાજ, રાષ્ટ્રનિર્માણમાં તેણે આપેલા ફાળા અને ડિઝાઇન ક્ષેત્રે તેમાંથી પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓના પ્રદાનની પણ જાત-ભાતની વાતો વહેતી કરવામાં આવે છે. સારું છે. જો કે આ બસ સ્ટેન્ડની ડિઝાઇન કરવાની બાબતમાં તેના ડિઝાઇનર – સંશોધકો ગોથું ખાઈ ગયા છે. બેશક ડિઝાઇન આધુનિક છે, પણ તે લો-કોસ્ટ તો જરાય નથી જેની ભારત જેવા દેશ માટે ખાસ જરૂર હોય. સ્ટેન્ડ નવા-સવા બેસાડવામાં આવ્યા ત્યારે તેમાં એલ્યુમિનિયમ જોવા મળતું હતું જે સામાન્યપણે લોખંડ કરતાં મોંધું જ હોય. હવે કદાચ ઘસાઈને તે લોખંડ જેવું જ દેખાવા લાગ્યું છે.

સૌથી મોટું ગોથું બસ સ્ટેન્ડના પ્લેસમેન્ટની બાબતમાં ખવાઈ ગયું છે. ફોટામાં જોશો તો ખ્યાલ આવશે કે બસ સ્ટેન્ડની પાછળ ખાસ્સી એવી જગ્યા પડે છે. માણસ સહેલાઇથી અવરજવર કરી શકે તેવો ગેપ. હવે આ જગ્યાનો મુતરડી / Urinal તરીકે ઉપયોગ થાય છે. દિવસે કે રાત્રે તેનો બેરોકટોકપણે આવો ઉપયોગ કરનારાને રોકી-ટોકી શકે એવું કોઈ તંત્ર તો આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે ક્યાંથી હોય? અને હા, જાહેર શૌચાલયની / Public Toilet સગવડના નામે આપણા દેશમાં એટલું મોટું મીડું છે ને કે પબ્લિક સેનીટેશન ક્ષેત્રે સ્વાતંત્ર્ય સેનાની સૂર્યકાન્ત પરીખના વડપણ હેઠળ કામ કરતી અમદાવાદની સંસ્થા નાસા ફાઉન્ડેશનના / Nasa Foundation બદલે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાને જવાબદારી સોંપવામાં આવે તો તેના સંશાધનો પણ નબળાં પડે.

અમદાવાદ જેવા મેગા સીટીમાં જાહેર સ્થળોએ મુતરડી કહેતાં પેશાબઘરની સંખ્યા વસતી – અવરજવરના પ્રમાણમાં આમેય ઓછી છે. એટલે એ સમસ્યાનો આમ બારોબાર ઉકેલ આવી ગયો એવી હળવાશ રાખવી પાલવે તેમ નથી કારણ કે આખો મુદ્દો હળવા થવાની ક્રિયામાંથી જ ઊભો થયો છે. અને બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતા મુસાફરે પાંચ – પંદર મિનિટ જેવો સમય અહીં વીતાવવાનો હોય છે. એના નાકને થતી પીડાનો પણ ખ્યાલ રાખવો ઘટે.

બ્લોગ જેવા જાહેર માધ્યમમાં બસ સ્ટેન્ડની પાછળ મુત્રવિસર્જન કરતા લોકનો ફોટો તો સુરુચિભંગના ભયે અહીં મુકી ના શકું. (આ આટલું લખ્યું તે પણ સુરુચિભંગ કર્યા જેવું લાગે છે પરંતુ જાહેર નોંધ લેવા માટે સાથે સાથે એ જરૂરી પણ લાગે છે.) જો કે વાંચનાર એનો જાતઅનુભવ કરી શકે.

પેટ્રોલનો ભાવવધારો ગમતી બાબત તો ક્યાંથી હોય? પણ લીટરે પાંચ-સાત રૂપિયાનો છેલ્લો કમરતોડ પ્રકારનો ભાવવધારો થયા પછી નક્કી કર્યું કે શક્ય હોય ત્યાં સુધી સ્કૂટરને કોરાણે મુકી મહિનામાં ચાર – પાંચ દિવસ સીટી બસમાં મુસાફરી કરવી. થાય છે – થઈ રહી છે. ખાસ કોઈ તકલીફ પડતી નથી. હા, પહેલા દિવસે જે તકલીફ થઈ તેનું જ તો અહીં વર્ણન છે જેને તમે નામ આપી શકો – એની સુગંધનો દરિયો’.