ઇન કેસ ઓફ ઇમરજન્સી, પ્લીઝ કોન્ટેક્ટ…..!

રજનીકુમાર પંડ્યા : આજે પ્રવેશ પંચોતેરમાં… 
ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં જેમની નામજોગ ઓળખ રજનીકુમાર પંડ્યા’ / Rajnikumar Pandya છે એ તેમની સાથે સંપર્કમાં આવ્યાના પહેલા જ દિવસથી મારા માટે રજનીકાકાબની ગયા હતા. ગમતા લેખક – સર્જક સાથે પહેલી જ વાર રૂબરૂ સંપર્કમાં આવતાં શું સંબોધન કરવું એની અવઢવમાં અને વિનોદ ભટ્ટે આપેલી સલાહને અનુસરતા મેં તેમને રજનીકાકાકહ્યું. અવઢવ એટલા માટે કે 1990માં તેમની ગુજરાત સમાચારની રવિવારે આવતી કોલમ ગુલમહોર’ અને બુધવારે આવતી કોલમ સપ્તરંગ’ વાંચતા તેમનો પરિચય થયો ત્યારે હું 20 વર્ષનો જ હતો. એ ઉંમરે હોય તેવા શરમ-સંકોચ મારામાં ભારોભાર હતા.
તેમની કોલમ વાંચીને અવારનવાર ફોન કરતો. નવચેતન માસિકમાં પ્રકાશિત થતા તેમના લેખ સાથે ઘરનું સરનામું છપાતું હતું એ પરથી ટેલિફોન ડીરેક્ટરીમાંથી ફોન નંબર શોધી કાઢ્યો હતો. ક્યારેક ફોનમાં અમદાવાદમાં / Ahmedabad યોજાતા સાહિત્યિક કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ પણ તેઓ આપતા. ફોનની વાતચીતનો દોર ખાસ્સો લાંબો ચાલ્યો એ પછી એમણે અગાઉથી ફોન પર જણાવીને રૂબરૂ મળવાનું કહ્યું. એ દિવસ પણ બહુ જલદીથી આવી ગયો. અને હું મણિનગરના મીરાં ટોકીઝ ચાર રસ્તા પાસેના તેમના નિવાસસ્થાન ડી-૮, રાજદીપ પાર્કના ઘરે મળવા ગયો.

તેમણે ભૂલમાં મને એમના ઘરે કામ કરતા સુથારીકામના કારીગરો (પ્રેમલાલ ટી. સિનરોજા અને તેમનો પુત્ર)માંનો જ એક સમજીને મારી સાથે વાત કરવાનું શરૂ કરી દીધું. પહેલીવાર મળવાના સંકોચ-શરમમાં હું તરત તેમને અટકાવીને સ્પષ્ટતા ન કરી શક્યો. આ ગોટાળો રજનીકાકા આજે પણ યાદ કરે છે અને અમે બન્ને તેની પર હસીએ છીએ. તેમને પહેલીવાર મળ્યો એ દિવસ મને જરા જુદી રીતે પણ યાદ છે. આજે સ્વતંત્ર ઉદ્યોગપતિ તરીકેની અને તે સમયે ધીરુભાઈના / Dhirubhai Ambani પુત્ર તરીકેની ઓળખ ધરાવતા અનિલ અંબાણી / Anil Ambani અભિનેત્રી ટીના મુનીમને પરણવા એ દિવસે ઘોડે ચઢવાના હતા.

ફોનની વાતચીતની સાથે સાથે હવે રૂબરૂ મળવાનો દોર પણ શરૂ થયો. આવી જ એક મુલાકાતમાં એમણે મારા કોલેજ ભણતરની સમાંતરે તેમની સાથે કામ કરવા જોડાવાનું કહ્યું. ચિત્રલેખા / Chitralekha સાપ્તાહિકના અમદાવાદ – ગુજરાત બ્યુરોના ચીફ તરીકેની જવાબદારી સંભાળવા તેમને એક સહાયકની જરૂર હતી. કોમર્સ કોલેજનો સમય સવારનો હતો એટલે મારે લાંબો કોઈ વિચાર કરવાનો હતો નહીં. બપોર પછીનો સમય હું આપી શકું તેમ હતો. સાહિત્યિક ઉપરાંત છાપાં – મેગેઝિનોના વાંચનને કારણે ગ્રેજ્યુએશન પછી લેખન – પત્રકારત્વને કારકિર્દીરૂપે અપનાવી શકાય તેવો આછો પાતળો ખ્યાલ મનમાં હતો અને આ કામ તેમાં મદદરૂપ થશે તેવી ખાતરી હતી. મેં હા ભણી દીધી.

બીજા દિવસથી કામ કરવાની શરૂઆત પણ કરી દીધી. કામની પ્રાથમિક સમજ આપ્યા પછી તેમની પહેલી સલાહ એવી હતી કે સોંપેલું કોઈ પણ કામ યાદ રાખવાને બદલે ડાયરીમાં ટપકાવી લેવું. પોતે એમ જ કરે છે એમ કહેતાં એકાદ – બે દિવસમાં ડાયરી પણ તેઓ જ ખરીદીને લાવી આપશે એમ પણ કહ્યું. જો કે ડાયરી ખરીદવા જવાની જરૂર ન પડી.

બીજે દિવસે ભાવનગરના વાચકમિત્ર જયસુખ પટેલ તેમને મળવા આવ્યા. રજનીકાકાને મળીને છૂટા પડતાં એમણે બ્રીફકેસમાંથી એલઆઈસીની / LIC – Life Insurance નવા વર્ષની એક્ઝીક્યુટીવ ડાયરી કાઢીને તેમને આપી. એક પોકેટ ડાયરી મને પણ આપી. પોકેટ ડાયરી એટલા માટે કે નાની સાઇઝની હોવાના કારણે મને કાયમ સાથે રાખવાની ટેવ પડે. ડાયરી ભેટમાં મળી હોય તેવો એ મારા માટે પહેલો જ પ્રસંગ હતો. મેં ચારે બાજુ – ઉપર નીચે ક્યાંય સુધી ફેરવીને તેને જોયે રાખી હતી.

ડાયરી વાપરવી કેમ એ પણ તેમની પાસેથી જ શીખવાનું હતું અને એ શીખ્યો પણ ખરો. પોતાનું નામ અને ઘરના ફોન નંબરની એન્ટ્રી તેમણે જાતે જ લખી આપી. ડાયરીનું ‘પર્સનલ મેમોરેન્ડા’ નામનું મારી પોતાની વિગતો દર્શાવવાનું પાનું ભરવાથી મેં તેના ઉપયોગની શરૂઆત કરી. નામ અને ઘરનું સરનામું જ લખવાનું હતું. ઘરે ફોન હતો નહીં એટલે મિત્ર ડૉ. કલ્પેશ શાહના ઘરનો નંબર પી.પી. ફોન નંબર તરીકે દર્શાવ્યો. ઓફિસના સરનામાની જગ્યામાં રજનીકુમાર પંડ્યાના ઘરનું એડ્રેસ અને ફોન નંબર લખ્યા. ડ્રાઇવિંગ લાયસન્સનો નંબર અને બ્લડ ગ્રૂપ લખ્યું. બેન્ક એકાઉન્ટ, પાસપોર્ટ કે જીવન વીમાની પોલિસી હતી નહીં એટલે એ ખાના ખાલી રાખ્યા. છેક છેલ્લે લખવાની વિગતનું મથાળું હતું‘ઇન કેસ ઓફ ઇમરજન્સી પ્લીઝ કોન્ટેક્ટ’ – એ વિગતમાં મેં રજનીકુમાર પંડ્યા લખીને સામે તેમનો ફોન નંબર લખ્યો.

હા, થોડા દિવસોના તેમના પરિચયમાં એટલી તો ખાતરી થઈ ગઈ હતી કે રજનીકાકા સંકટ સમયની સાંકળ છે. ડાયરીના પાનામાં ભરેલી વિગતો જોઈને છેલ્લી વિગતમાં ઉમેરો કરતાં એમણે તેમના પડોશી ભરતભાઈ મહેતાનો ફોન નંબર લખ્યો. એટલા માટે કે કદીકને આવી પડનારી કટોકટીમાં તેમનો સંપર્ક ન થઈ શકે તો તેમનું નામ લઈ પડોશી મિત્રની મદદ પણ માગી શકાય. એ વર્ષો પેજર – મોબાઇલની સવલત વિનાના હતા. ફોન નંબર લખવામાં એમણે જે ચોક્સાઈ બતાવી એવી ચોક્સાઈ કામમાં બતાવવાના મારા દિવસો શરૂ થતા હતા. આ પહેલો પાઠ હતો. આજના સંદર્ભમાં એટલું ઉમેરું કે રોજબરોજના નાનાં મોટાં અગત્યના કામ પૂરા કરવા માટે ડાયરી રાખવાની તેમણે શીખવેલી પદ્ધતિ અને પાડેલી ટેવ મેં આજ પર્યંત વાયા ડિજિટલ ડાયરી થઈને મોબાઇલનો ઉપયોગ કરતા સુધી જાળવી રાખી છે.

તેમની સાથે કામ શરૂ કર્યાને થોડા દિવસો જ વીત્યા હશે ત્યાં મારે રજા માંગવાનો વખત આવી ગયો. અને રજાય એકાદ દિવસની નહીં…..

રજનીકાકા, આવતીકાલથી હું પાંચ દિવસ માટે નહીં આવું.
કેમ ભાઈ? પાંચ દિવસ તો બહુ આકરા પડે. મને તારી જરૂર છે. નહીં આવવાનું કારણ કહીશ મને ?
હોળી-ધૂળેટી નિમિત્તે મારા મિત્રો ચાલીને ડાકોર જાય છે. મારે પણ જવું છે. પાંચમા દિવસે તો પાછો.
ચાલતા જવું છે ?
હા.
અરે બિનીત, એમ ના કરાય. તું મારા દીકરા જેવો છે. મને તારા મિત્રનો ફોન નંબર આપ. હું એને તારા આવવાની ના પાડું છું. ભાઈ, આ બસ-રેલવે કોના માટે છે ? વિજ્ઞાનની શોધખોળો છે તો એનો ઉપયોગ કરો. ચાલીને ડાકોર જવું એ નરી મૂર્ખામી છે. અંધવિશ્વાસ છે. એમાં ભાગ ન લેવાય અને આપણાથી તો ન જ જવાય. તું કાલે પણ રાબેતા મુજબ કામ પર આવે જ છે, એમ હું સમજું છું.

મને લાગે છે એમ નહીં, બહુ દ્રઢપણે માનું છું કે રજનીકાકાને હું મળ્યો ન હોત તો આજની તારીખે કોઈ બાવાનો ચેલો બની, બાવાઓના અડ્ડા અખાડાઓમાં ભટકતો હોત. મારા શરમસંકોચ કરતા પણ વધારે જડ એવી ધાર્મિક માન્યતાઓને તગેડી મૂકવાનું મોટું કામ એમના થકી થયું. મને ખાતરી છે કે આમાં હું પહેલો નહીં હોઉંતેમ છેલ્લો પણ નહીં હોઉં.

જિંદગીની સૌથી પહેલી નોકરી એમણે અપાવી. પુસ્તક પ્રકાશક ભગતભાઈ શેઠની નજરે ક્યારેક ચઢ્યો હોઈશ એટલે એમણે મારી માંગણી-ઉઘરાણી રજનીકાકા પાસે કરી અને આર.આર. શેઠની કંપનીમાં / R.R. Sheth & Co. જોડાયો. નોકરી ઉપરાંત જે સૌથી મોટી ઉપલબ્ધિ તેમના દ્વારા થઈ તે બે મિત્રોની – બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારી. 1992થી શરૂ થયેલી અમારી ભાઈબંધીને આવતા મહિને ઓગસ્ટમાં વીસ વર્ષ પૂરાં થશેપણ લાગે છે એવું જ કે અમે બાળગોઠિયા હોઈએ અને જન્મ્યા ત્યારથી જ એકબીજાને ઓળખીએ છીએરજનીકાકાએ અમારી એવી નજરબંધી’ કરી આપી છે. અનેક મિત્રો સાથે જોડી આપવાનું ગોરકર્મ તેમના દ્વારા જ થાય છે.
મારા દુબઈ જતાં પહેલાં મીઠાઇની મિજબાની…..

આજ સુધીમાં જે બેત્રણ વાર અનાયાસે રડી પડાયું હશે એમાંનો એક પ્રસંગ તેમની સાથે સંકળાયેલો છે. તેમનું અમેરિકાના પ્રવાસે જવું અને મારે નોકરી માટે થઈને દુબઈઅબુધાબી / Dubai – Abu Dhabi જવાની તૈયારી કરવાની હતી. એ વખતે મળીને છૂટાં પડતાં એક ક્ષણ મને એવું થયું કે હવે અમે કદી મળી જ નહીં શકીએ અને એમણે પોતાની ઉંમર સામે જોયુંનિયતિ અને નસીબ કે ત્રણ વર્ષના ગાળામાં ફરીથી મળ્યા. કાયમ માટે હવે છૂટા નહીં જ પડીએ તેવી લાગણી સાથે મળ્યા.

એ વાતનેય આજે તો દોઢ દાયકો થવા આવ્યો. તેમના થકી પ્રાપ્ત થયેલા મિત્રો કે પરિચિતોની યાદી બનાવું તો એની પણ ડિરેક્ટરી બનાવવી પડે. એટલે એ કામ હમણાં બાજુએ રાખું છું. તેમની વિશિષ્ટ કાર્યશૈલી વિષે વિગતે લખવાની લાલચ ખાળીને અહીં માત્ર અછડતો જ પરિચય આપું છું. આ લાલચ એટલા માટે ખાળી છે કે તેની વધુ વિગતો બીરેને તેના બ્લોગ પર મૂકી છે. તે વાંચવા અહીં ક્લીક કરો.
http://birenkothari.blogspot.in/2012/07/blog-post_06.html


તેમના બ્લોગના પ્રથમ વર્ષ નિમિત્તે રજનીકાકાની પોતાની કેફીયત અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે.

http://zabkar9.blogspot.in/2012/07/blog-post_06.html


અમારા જેવા અનેકોના એ ગુરુ બની રહ્યા છે. (તેમનું એલુમની એસોસિએશન બનાવવા જેવું ખરું).

ગુરુ આજે છઠ્ઠી જુલાઈએ પંચોતેરમા વરસમાં પ્રવેશી રહ્યા છે ત્યારે મારા સહિત અનેકો તરફથી તેમને હાર્દિક શુભેચ્છાઓ.