વસંત – રજબનું શહીદી સ્થળ : સ્મારક હવે સમારકામ માગે છે…

વસંત – રજબ શહીદ સ્મારક
ખાંડની શેરી, જમાલપુર, અમદાવાદ

ભારતભરમાં શહીદ દિન’ / Martyr’s Dayની ઓળખ એટલે 30 જાન્યુઆરી – ગાંધીજીને ગોળીએ દીધાનો દુઃખદ દિવસ. આ દિવસની સ્મૃતિ કડવી છે તો ય ગાંધીને, ગાંધી મૂલ્યોને સંભારવાની આ નિમિત્તે તક મળે છે એ મોટી ઉપલબ્ધિ છે. મિથ્યા ગૌરવનો ઝંડો બીજા કરતા સહેજ ઊંચો રાખવાની રતિભાર ઇચ્છા નહીં હોવાના દ્રઢ વિચારની ઓથે એટલું જણાવવું – યાદ કરવું ગમે છે કે અમદાવાદને / Ahmedabad પૂરા વર્ષમાં આવા એક નહીં ત્રણ અવસર મળે છે. 30 જાન્યુઆરી (ગાંધીજીનો શહીદી દિવસ, વર્ષ: 1948), 1 જુલાઈ (કોમી એકતાના મશાલચી વસંત – રજબનો શહીદી દિન, વર્ષ: 1946) અને 9 ઓગસ્ટ (વિનોદ કિનારીવાલા શહીદી દિવસ, વર્ષ: 1942).

આ ક્રમમાં ગઈકાલે વસંત – રજબનો / Vasant Rajab શહીદી સ્મૃતિ દિન હતો. ગઈ સદીની છેંતાલીસની સાલની એ ઘટનાને ગઈકાલે છાસઠ વર્ષ થયા. અમદાવાદના જમાલપુર વિસ્તારની ખાંડની શેરી કે જ્યાં બન્ને જિગરજાન દોસ્તો શહીદીને વર્યા હતા તે સ્થળે દર વર્ષે થોડા નિસબતી નાગરિકો ભેગા થઈ તેમની સ્મૃતિ વંદના કરે છે – શ્રદ્ધા સુમન અર્પણ કરે છે. શહેરનો વહીવટ જેની પાસે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની / Ahmedabad Municipal Corporation સાથે સાથે કેટલાક રાજકીય – બીનરાજકીય સંગઠનો પણ કાર્યક્રમમાં સામેલ થાય છે. અવસરના ફોટા પાડીને-પડાવીને તેનો લાભ લેવાની ગણતરી કરવા-રાખવા વાળી પાટિયા સંસ્થાઓની પણ તેમાં સામેલગીરી હોય છે એવો અનુભવ ગઈકાલે પહેલીવાર થયો. જો કે એ આખી જુદી જ ચર્ચા – લેખનો વિષય છે એટલે એ મુદ્દાને અહીં પડતો મૂકું.

ભણતર સિવાયની કે નાગરિકશાસ્ત્ર’ ભણ્યા પછી પણ ઊગી ના હોય તેવી નાગરિક નિસબતની સમજણ જેમના થકી વિકસી શકી છે તેવા આદરણીય પ્રકાશભાઈ (કર્મશીલ પત્રકાર, નિરીક્ષક તંત્રી પ્રકાશ ન. શાહ) સાથે ગઈકાલે ઉપરોક્ત કાર્યક્રમમાં સામેલ થવાનું બન્યું – પહેલી જ વાર. ગૌતમ ઠાકરદ્વારિકાનાથ રથ, મીનાક્ષી જોશી, ભાવિક રાજા અને જયેશ પટેલ સરખા સેક્યુલર લોકશાહી આંદોલન’ / Movement for Secular Democracy સાથે સંકળાયેલા તેમના સદાયના સાથી મિત્રો પણ અહીં હાજર હતા. શહીદી વંદના, શ્રદ્ધા સુમન અને શૌર્ય ગીતોનાં ગાનનો મુખ્ય કાર્યક્રમ સમાપ્ત થયે જમાલપુરના, ખાંડની શેરીના સ્થાનિક મિત્રો સાથે હળવા-મળવાનો અને એક-મેકના ખબર-અંતર પૂછવાનો ક્રમ શરૂ થયો. થોડી ચર્ચા – વિચારણાઓ પણ સાથે જ ચાલી. એ દરમિયાન શાળાના બાળકોના અન્ય કાર્યક્રમમાં હાજરી આપીને આવી પહોંચેલા સ્થાનિક કોર્પોરેટર (નગરસેવક) મુસ્તાક ખાદીવાલા પણ ચર્ચામાં સાથે ભળ્યા. મોડા પડ્યા બદલ દિલગીરી તો ઇચ્છી જ,સાથે સાથે દર વર્ષે થતા આ કાર્યક્રમનો અંદાજિત સમય જાણી લીધો જેથી આવતા વર્ષે સમયસર હાજરી આપી શકાય.

ટીખળી તત્વો રજબઅલીના ચશ્માં તોડી નાખે છે
મિત્રો – કાર્યકરો વચ્ચે ચાલતી ચર્ચા દરમિયાન એક મુદ્દો ઉમેરાયો કે વસંત- રજબનું આ સ્મૃતિ સ્મારક હવે નવપલ્લવિત થવું ઘટે. ખાંડની શેરીના એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે સ્મારક પરના મ્યુરલમાંના રજબઅલીના ચશ્મા ટીખળી – તોફાની તત્વો કાયમ તોડી નાંખે છે. દર વર્ષે પહેલી જુલાઈ આવતા અગાઉ એટલા પૂરતું સમારકામ કરાવી લઈએ છીએ પરંતુ એટલું પૂરતું લાગતું નથી. સ્મારકની જગ્યા ઉપરથી ખુલ્લી છે, કોઈ શેડ નથી એટલે પક્ષીઓની ચરક અને તેની સફાઈ જેવી કાયમી સમસ્યા તો છે જ. ચર્ચામાં સામેલ થયેલા મુસ્તાકભાઈએ કહ્યું કે આ સમસ્યાના નિવારણ માટે જે કંઈ આર્થિક જોગવાઈ કરવી પડે તે હું મારા નગરસેવકના બજેટમાંથી પૂરી પાડીશ. એ પૂરતી પડે એવી નહીં હોય તો કોર્પોરેશનના મુખ્ય બજેટમાંથી ફાળવણી થાય તે માટે મેયર, મ્યુનિસિપલ કમિશનરને દરખાસ્ત – રજૂઆત કરીશું.

અગાઉ આ સંબંધે જ થયેલી ચર્ચા-વિચારનો હવાલો આપીને પ્રકાશભાઈએ કહ્યું કે નવી પેઢીને વસંત-રજબના બલિદાનનો પરિચય થાય તે માટે તેમની કથાનું ચિત્રવર્ણન (Photo Story) અને તસવીરો મુકાવી જોઈએ. નવી પેઢી અહીં સુધી આવતી નથી કે કાર્યક્રમમાં સામેલ થતી નથી એવી ફરિયાદ પણ એથી થોડે ઘણે અંશે કદાચ દૂર થાય.

ઉપરોક્ત ચર્ચામાં સામેલ થયાની રૂએ જે કેટલીક બાબતો મૂકી આપી તેનું અહીં બહુ જ પ્રાથમિક વર્ણન કરું તો ભાવિક – મીનાક્ષીબહેન આ સંબંધે કમિશનરને રજૂ કરવાની દરખાસ્તનો મુસદ્દો ઘડશે. દરમિયાન જે વિચાર આવ્યો છે તે પ્રમાણે સ્મારકને નવપલ્લવિત કરવાના આ કાર્યમાં સાથ આપી શકે તેવા મિત્રોને જોડવાનો ખયાલ છે. ખાંડની શેરીમાં સ્મારકની ચોતરફ રહેણાક – વસતી છે. જગ્યા નાની છે, પણ એ જગ્યાને કઈ રીતે ઓછા ખર્ચે અને વધુ સારી રીતે નવપલ્લવિત કરી શકાય તે દિશામાં વિચારવા મિત્રોને ઇજન છે. આર્કિટેક્ચર, એન્જિનિયરીંગ, કળા, સાહિત્ય – લેખન જેવા વ્યવસાય સાથે સંકળાયેલા મિત્રો આ કામ માટે આગળ આવે તેવી ખાસ અપેક્ષા છે. એ માટે સ્થળ પરની રૂબરૂ મુલાકાત તો શક્ય બનશે જ. આ કામમાં જોડાવા ઇચ્છનાર મિત્રોની એક સમૂહ બેઠક પણ સ્મારક સ્થળ પર ગોઠવવાની ઇચ્છા છે જેથી વિચારોનું આદાન-પ્રદાન થઈ શકે અને કામમાં શક્ય એટલું ઝડપથી આગળ વધી શકાય.

મિત્રો, જૂના અમદાવાદના કોટ વિસ્તાર એવા જમાલપુરની વચોવચ આવેલી ખાંડની શેરીનું આ સ્મારક એટલી નાની જગ્યામાં છે કે તેને નવપલ્લવિત કરવાનું કામ ઝાઝો સમય માગી લે તેવું પણ નથી. આવતી પહેલી જુલાઈ પહેલા તેને પૂર્ણ કરવાનું બીડું ઝડપીએ તો કેમ રહેશે?

પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે પણ મારો આ સવાલ લાંબો ટકશે નહીં, તમે ટકવા નહીં દો તેની ખાતરી છે.