કૂતરાની પૂંછડી….. : કહેવતને ખોટી પાડતો કૂતરો…

ભણતરની આજની વ્યાખ્યા પ્રમાણે ઉચ્ચતર પ્રાથમિક કે માધ્યમિક શાળામાં ભણતા ત્યારે ગુજરાતી વિષયની પરીક્ષામાં કહેવતની પાદપૂર્તિ કરોએવો સવાલ આવતો. આજેય આવતો હશે એમ માની લઇએ. તો કહેવત છે કે…..
કુતરાની પૂંછડી વાંકી તે વાંકી

હવે આ કહેવતને ખોટી પાડતો હોય એવો સીધી પૂંછડીવાળો કુતરો / Dog અમદાવાદની ગલીઓમાં હરતાંફરતાં મળી આવ્યો છે. લો તમે પણ જુઓ.
હું એકદમ સ્ટ્રેઇટ ફોરવર્ડ’ છું

કોઈ ભયજનક સ્થિતિનું નિર્માણ થાય તો કુતરાના કાન સરવા થાય, પૂંછડી સહેજ ટાઇટ કરે અને ક્યારેક પ્રતિક્રિયા રૂપે ભસે ય ખરો એવું સામાન્યપણે આપણે જોતા આવ્યા છીએ. એટલે એવી જ કોઈ સ્થિતિ નિર્માઈ હશે તેમ માનીને હું પણ તેને જોતો રહ્યો. તો ખબર પડી કે તેની પૂંછડી તદ્દન સ્વાભાવિક લાગે એવા ક્રમમાં જ સીધી અને ઊભી રહેતી હતી.
ચાલો સારું થયું. સ્ટ્રેઇટ ફોરવર્ડ માણસોની સંખ્યા આમેય ઓછી થતી જતી હોય એવા સમયકાળમાં સ્ટ્રેઇટ ફોરવર્ડ પૂંછડી ધરાવતો શ્વાન પણ છેવટે મળ્યો તો ખરો.
તેની ઊભી પૂંછડી જોઇને યાદ આવ્યા ડોગ ક્લિનિક / Pets Clinic. અમદાવાદવડોદરા, રાજકોટ કે સુરત જેવા ભારતભરના શહેરોમાં પ્રેક્ટિસિંગ વેટરિનરિ ડૉક્ટરના દવાખાના જોવા મળે. તેમના દર્દીઓમાં બહુમતી કુતરાઓની જ હોય તો મુંબઈ જેવા શહેરમાં મ્યાઉંમાસી બિલાડી પણ હોય. શોખથી કુતરાને પાળવા-પોસવાવાળા એક વર્ગનો બીજો શોખ હોય કુતરાની પૂંછડી સીધી કરાવવાનો. હવે એ કંઈ એમ સીધી થાય નહીં. એટલે પાલતુ કુતરાના તદ્દન ફાલતુ માલિકો તેને સીધી કરાવવા રીતસરની વાઢકાપ કરાવે / Dog Tail Cutting. આ બધું કુતરુ જ્યારે બચ્ચું હોય ત્યારે થાય એટલે પીડાદાયક હોય. એમ તો પૂંછડી સીધી કરાવવાની પ્રક્રિયા કુતરાં પર ગમે તે ઉંમરે થાય એ પીડાદાયક જ હોય. વેટરિનરિ ડોક્ટરની ભાષામાં પૂંછડીની આ પ્રકારની વાઢકાપને Docking તરીકે ઓળખવામાં આવે છે.
કુમળા કુતરાની પૂંછડી પર ‘કાતર’કામ

સ્ટડ ફાર્મમાં ઘોડા ઉછેરતા તાલેવંતોને પણ ઘોડાની પૂંછડી કપાવવાની આવી લગની લાગી હોય છે. તેના કારણો કુતરા કરતા જુદા હોય છે. કુતરાની પૂંછડી કપાવવાથી એ સીધી તો ક્યારેય થતી નથી. હા, ટૂંકી થાય છે. અને એનો પાલક – માલિક એમ સમજવા માંડે છે કે તે સીધી થઈ ગઈ. વાઢકાપની આ પ્રક્રિયામાં વર્ષોવર્ષ કંઈ કેટલાય બચ્ચાંને પૂંછડીના ભાગે સેપ્ટિક / Septic થાય અને અંતે મોતને ભેટે. આવું થાય ત્યારે કુતરાના માલિકની સ્થિતિ થોડીક તો કફોડી થાય છે. કારણ રોકડા રૂપિયા ચૂકવીને લાવેલા બચ્ચાને ઉછેરવા પાછળ ઠીક-ઠીક રૂપિયાનો ખર્ચ થયો હોય છે. મોટેભાગે તેની બજાર કિંમત વધારે ઉપજાવવા માટે જ આ કવાયત થતી હોય. એમાં રૂપિયા ચૂકવીને કરાવાયેલી વણજોઇતી વાઢકાપ પછી તે મોતને ભેટે ત્યારે તેના માલિક માટે તે ખોટનો સોદો સાબિત થતો હોય છે.
આટલું જાણ્યા પછી અને કેટલીક હદ સુધી જોયા પછી લાગે છે કે હવે નવી કહેવતનું સર્જન કરવું પડશે…..કુતરાના પાલકની પૂંછડી વાંકી તે વાંકી…..પૂંછડીની જગ્યાએ બુદ્ધિ શબ્દ મુકો તો ય કોઈ હરકત નથી.