ડૉ. મનમોહન સિંહ : આજે વડાપ્રધાનપદના 3000 દિવસ

ડૉ. મનમોહન સિંહ : બે ટર્મ અને 3000 દિવસ
ગઠબંધન – તડજોડના રાજકારણના જમાનામાં સરકારો સત્તાના 100 દિવસ પૂરા કરે તો તે સમાચાર ગણાય છે. દૈનિક અખબારોના પહેલા પાને મોટું મથાળું બાંધવામાં આવે છે. સેંકડોની સંખ્યામાં કામ કરતી અને સેકન્ડમાં સમાચાર આપતી થયેલી ચોવીસ કલાકની ચેનલો માટે આજકાલ તે બ્રેકિંગ ન્યૂઝનો / Breaking News મામલો પણ ગણાતો હોય તો નવાઈ નહીં. સરકાર, પછી તે રાજ્યની હોય કે કેન્દ્રની – સત્તાના 100 દિવસ પૂરા કરે અને સમાચાર બને તેવો પહેલવહેલો લાભ ગઠબંધનના રાજકારણની નવેસરથી શરૂઆત થઈ ત્યારે વિશ્વનાથ પ્રતાપસિંહના / Vishwanath Pratap Singh વડાપ્રધાનપદ / Prime Minister of India હેઠળની સરકારને મળ્યો હતો. આ યાદીમાં છેલ્લું તો નહીં પણ લેટેસ્ટ નામ ઉત્તર પ્રદેશના સૌથી યુવાન મુખ્યમંત્રી અખિલેશ યાદવનું / Akhilesh Yadav સામેલ થયું છે.
વાજપેયી : 13 દિવસ અને 13 સપ્ટેમ્બર
સત્તાના સો દિવસ તો ખરા જ ખરા, પણ આજનો 7મી ઓગસ્ટનો દિવસ એમાં ખાસ છે. દેશના ચૌદમા વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ / Dr. Manmohan Singh આજે લાગલગાટ સત્તાના ત્રણ હજાર દિવસ પૂરા કરી રહ્યા છે. હા, 3000 દિવસ. પહેલીવાર 22મી મે 2004ના દિવસે પદગ્રહણ કરી 2009માં એ પદ – સત્તા  જાળવી રાખતા એમણે આજે આ મુકામ હાંસલ કર્યો છે. સરકારો આવે ને જાય પણ એક નહીં ઘણી બધી રીતે જોતાં ડૉ. મનમોહન સિંહની આ સિદ્ધિ નોંધપાત્ર છે. એટલા માટે, કેમ કે તેમના પુરોગામી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી / Atal Bihari Vajpayee કોંગ્રેસ પુનઃ સત્તાસ્થાને આવતા એટલા બધા બેબાકળા થઈ ગયા હતા કે ડૉ. સિંહની સરકારનું પતન હાથવેંતમાં છે એવી આગાહીઓ એક વાર નહીં ત્રણ-ત્રણ વાર કરી હતી. સમય હતો મે – 2004નો.
ભારતનું વડાપ્રધાન પદ સંભાળવા માટે સોનિયા ગાંધીએ / Sonia Gandhi બતાવેલી અસમર્થતા અથવા તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ / Dr. A.P.J. Abdul Kalam પાછલી અસરથી 2012માં આત્મકથાના પાનાંઓ વચ્ચે સંભારે છે એમ વ્યક્ત કરેલી ઇચ્છા પછી ડૉ. મનમોહન સિંહે વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારે 1996માં થયેલા જાતઅનુભવને સંભારીને વાજપેયીએ નવી સંભવિત સરકારનું ભાવિ ભાખી નાંખ્યું કેઆ સરકાર મારી જેમ તેર દિવસ પણ નહીં જુએ. એ સમય વીતી ગયો એટલે તેમના જ મુખેથી બીજી આગાહી સરી આવી કે આ સરકાર સો દિવસ પણ પૂરા નહીં કરે. કર્યા, ડૉ. સિંહની સરકારે સત્તાગ્રહણના 100 દિવસ પણ પૂરા કર્યા. આવા બે રોકડા અનુભવ પછી વાજપેયી જેવા પીઢ અને ડિપ્લોમેટ પ્રકારના રાજકારણીએ આમ તો આગાહી કરવાનું બંધ કરીને પ્રભુભક્તિ કે રામનામમાં તલ્લિન થઈ જવું જોઇએ. પરંતુ તેમણે એમ ન કરતાં ત્રીજી વાર જ્યોતિષનો સહારો લીધો. જાહેર કર્યું કેદિલ્હીના એક જ્યોતિષીએ મને છાતી ઠોકીને (કોની છાતી એ સ્પષ્ટતા નહોતી) કહ્યું છે કે આ સરકાર 13મી સપ્ટેમ્બર પહેલા ગબડી પડશે.ફરીથી યાદ કરાવવાનું કે આ વાત અથવા તો અગડમ-બગડમ આગાહીઓ 2004ના વર્ષની છે. હા, એ દેશનું વડાપ્રધાનપદ સંભાળી ચૂકી હોય એવી વ્યક્તિના મુખે અને તે પણ જાહેરમાં – માધ્યમોની વચ્ચે કહેવાઈ હતી એટલે 2012માં તેને યાદ કરવી – પ્રસ્તુત કરવી જરૂરી બની જાય છે.
ખેર ! ડૉ. મનમોહન સિંહ તેમના પુરોગામી વાજપેયીની જેમ ત્રીજી વાર વડાપ્રધાન બને કે ન બને આજે ત્રણ હજાર દિવસનો મુકામ સર કરી રહ્યા છે. તેમના શાસનકાળની મૂલવણી અનેક મુદ્દે અને મોરચે થઈ શકે તેમ છે. તેમના પૂર્વસૂરિઓએ શાસનકાળ દરમિયાન કરેલા પ્રદાનને આધારે ડૉ. મનમોહન સિંહની ક્ષમતાનું મૂલ્યાંકન પણ થઈ શકે. હા, યાદ આવ્યું. તેમની કારકિર્દીનું એક પગથિયું મૂલ્ય સાથે જ જોડાયેલું છે. રિઝર્વ બેન્કના / Reserve Bank of India ગવર્નર રહી ચૂકેલા ડો. સિંહની સહી ભારતીય ચલણ એવા રૂપિયાની નોટ પર જોવા મળતી હતી.
આ વાત પણ અત્યારે એટલે યાદ કરવી ગમે છે કેમ કે અઠવાડિયા પછી દેશ તેનો છાસઠમો સ્વાતંત્ર્ય દિન ઉજવશે. મનમોહન સિંહ સળંગ નવમી વખત દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપશે. તેમનો જ્યાં જન્મ થયો હતો તે પાકિસ્તાનનો જન્મ પણ ભારતની સાથોસાથ થયો હતો. કહેવા પૂરતી કે કાગળ પરની હોય તેવી લોકશાહી શાસનવ્યવસ્થા હોવાનો દાવો પાકિસ્તાન પણ કરતું રહે છે. પરંતુ પાસઠ વર્ષનું તેનું શાસન જોતાં એ દાવો માનવો મુશ્કેલ છે. ચલણી નોટ સહિતના મૂલ્યોનો એવો રકાસ થયો છે કે પાકિસ્તાનના કેટલાક આંતરિક આર્થિક વ્યવહારો હવે ડોલરની ભાષામાં ચર્ચાય છે અને થાય છે પણ ખરા.
મને લાગે છે કે મનમોહન સિંહ જેવા નીવડેલા અર્થશાસ્ત્રીએ આપણને આ પરિસ્થિતિથી તો કમ-સે-કમ બચાવી રાખ્યા છે. રિઝર્વ બેન્કનું ગવર્નરપદ સંભાળનાર સરકારી કર્મચારી એ જ સરકારના વડાપ્રધાન પણ હોય તેવી લોકશાહી પણ ભારતમાં જ સંભવી શકે છે, પાકિસ્તાનમાં નહીં. બાકી 2014માં આવનારી સોળમી લોકસભાની ચૂંટણી પછી દેશનું નેતૃત્વ (વડાપ્રધાનપદ એમ પણ વાંચી શકાય) લેવા માટે આજથી – દોઢ વર્ષ પૂર્વેથી જ કેવી લડાઈઓ શરૂ થઈ ગઈ છે. વાજપેયીના અનુગામી નહીં બની શકેલા લાલ કૃષ્ણ અડવાણીએ / Lal Krishna Advani તેની શરૂઆત બ્લોગ’ / Blog લખવાથી કરી છે જેનું અંતિમ પરિણામ વોટીંગ મશીન થકી પ્રાપ્ત થવાનું છે. હા, મનમોહન સિંહને આવા કોઈ પ્રયત્નો કર્યા વગર જ સત્તા મળી છે.
ચેમ્બરથી વડાપ્રધાનની ચેમ્બર સુધી
ડૉ. મનમોહન સિંહ (રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા)
શ્રેયસ પંડ્યા (ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ)
ભૈરવદાન ગઢવી (ગુજરાત પ્રદેશ કોંગ્રસના પ્રમુખ)
પૃથ્વીરાજસિંહ ચૌહાણ (કોંગ્રસના ગુજરાત પ્રભારી)
બ્લોગપોસ્ટ સાથેનો આ ફોટો તેનો જ એક નમૂનો છે. વડાપ્રધાન બન્યાના ઠીક દોઢ મહિના અગાઉ 10મી એપ્રિલે અમદાવાદની / Ahmedabad ચૂંટણી પ્રચાર મુલાકાતે આવનારા અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની / Gujarat Chamber of Commerce and Industry મુલાકાત લેનારા આ પૂર્વ નાણામંત્રીને ક્યાં ખબર હતી કે ચેમ્બરની મુલાકાત લીધા પછી તે વડાપ્રધાનની ચેમ્બરમાં બેસવાના છે. અને હા, તેમના પછી બે દિવસે – 12મી એપ્રિલે ચેમ્બરની મુલાકાત લેનારા તત્કાલીન નાણામંત્રી જસવંતસિંહને / Jaswant Singh પણ ક્યાં ખબર હતી કે તેઓ થોડા વખત પછી ચેમ્બર વિનાના થઈ જવાના છે.
ગુજરાત વેપારી મહામંડળનું મુખપત્ર 
(એપ્રિલ – 2004)
તો ત્રીજી વાર વડાપ્રધાન બને કે ન બને પરંતુ આજે સાઉથબ્લોકની ઓફિસમાંથી દેશનો વહીવટ કરતા ત્રણ પુત્રીઓના પિતા સરદાર મનમોહન સિંહને ત્રણ હજાર દિવસના શાસનની ખૂબ – ખૂબ શુભેચ્છાઓ.
( – વડાપ્રધાનની તસવીરો : નેટ પરથી
– અમદાવાદ મુલાકાતની તસવીર : ગુજરાત વેપારી મહામંડળના તત્કાલીન પ્રમુખ શ્રેયસ   પંડ્યાના સૌજન્યથી)