ડૉ. રતન રૂસ્તમ માર્શલ : સદી ચૂક્યા પણ સૈકાઓ સુધી યાદ રહેશે

ડૉ. રતન રૂસ્તમ માર્શલ : 14-10-1911થી 16-01-2011

આયુષ્યની સદી ચૂકી ગયેલા માર્શલ સાહેબનો આજે 14મી ઓક્ટોબરે 102મો જન્મદિવસ છે. પત્રકારત્વમાં કોઈ પ્રકારના ક્લાસિફિકેશન નહોતા એવા સમયે તેમણે ગુજરાતી પત્રકારત્વમાં / Gujarati Journalism પ્રથમવાર સંશોધન હાથ ધરી ડૉક્ટરેટની પદવી મેળવી હતી. તેમના અંગત પરિચયમાં મારે સાવ અનાયાસપણે આવવાનું થયું હતું.

સાત – આઠ વર્ષ પહેલાની એ સવાર મને બરાબર યાદ છે. મોબાઇલનો ઉપયોગ નહોતો અપનાવ્યો એ સમયે નોકરી માટે અમદાવાદ / Ahmedabad આવવા નીકળતા અગાઉ ઉર્વીશ કોઠારીનો મહેમદાવાદથી / Mahemdavad ઘરે ફોન આવ્યો. પૂછ્યું, સનરાઇઝ પાર્ક ક્યાં આવ્યું?’…‘વસ્ત્રાપુરમાં…મારા ઘરની નજીક’. ઓ.કે. ત્યાં જઈને એક વ્યક્તિની ભાળ મેળવવાની છે. જો મળી જાય તો બપોરે વિગતની આપ-લે કરી લઈશું.

સુરતના મિત્ર હરીશભાઈ રઘુવંશીને અને પારસી નાટકો ભજવતા કલાકાર યઝદી કરંજિયાને એ વ્યક્તિનો સંપર્ક કરવાની જરૂર ઊભી થઈ અને તેમને ખોળી કાઢવા ઉર્વીશને ફોન કર્યો, ઉર્વીશે મને. એ વ્યક્તિ એટલે ડૉ. રતન રૂસ્તમ માર્શલ / Ratan Rustom Marshal. તેમને એટલી જ માહિતી હતી કે સુરતના / Surat ઘરમાં પડી જવાથી અસ્થિભંગ થયેલા માર્શલ સાહેબને તેમના અમદાવાદ રહેતા દીકરા વધુ સારવાર-આરામ માટે અમદાવાદ લઈ ગયા છે. તેમની પાસેથી મળેલા એડ્રેસના આધારે હું એડવોકેટ રૂસ્તમ માર્શલના ઘરે જઈ પહોંચ્યો. પગે પ્લાસ્ટરવાળા માર્શલસાહેબનો એ પહેલો પરિચય. રૂસ્તમભાઈએ સુરતના મિત્રો માટે ફોન નંબરની આપ-લે કરી અને જણાવ્યું કે સારવાર માટે અમદાવાદ લાવવાની જરૂર ઊભી થતાં તેઓ કોઈને જણાવ્યા વગર જ માર્શલદાદાને અમદાવાદ લઈ આવ્યા હતા. એમ કરવા પાછળ અમદાવાદ આવવાની તેમની આનાકાની પણ કારણભૂત હતી. આટલી સ્પષ્ટતા મિત્રો માટે કર્યા પછી તેમણે કહ્યું કે, પપ્પાજી અહીં છે ત્યાં સુધી તમે સમય મળ્યે તેમને કંપની આપવા વાતો કરવા જરૂર પધારજો. (આવજોની જગ્યાએ પધારજો શબ્દ પારસીબાવા જ બોલી શકે.) એ દિવસ પછી તેમને વારંવાર મળવાનું થયું. ક્યારેક હું અને ઉર્વીશ સાથે જતા. વારંવાર એટલા માટે કે પછી તો ઉંમર-અવસ્થાને લઈ દીકરા રૂસ્તમે માર્શલદાદાને અમદાવાદમાં જ રોકી લીધા. તેમને સુરત પાછા જવાની ઇચ્છા જ ન થાય તે માટે પારસી પંચાયતનું ઘર પણ ખાલી કરી આવ્યા. બસ એ પછી તેઓ અમદાવાદના થઈ ગયા, 16 જાન્યુઆરી 2011ની સવાર સુધી.
પુત્રના પરિવાર સાથે માર્શલદાદા : (ડાબેથી) રિયા, રૂસ્તમ અને
નીસમીન માર્શલ, યોહાન
સુરત છૂટી ગયું પણ એ શહેર સાથેનો નાતો એમણે ત્યાંથી પ્રગટ થતા દૈનિકોનું વાંચન ચાલુ રાખીને જાળવી રાખ્યો. મેં એમને નિયમિત મળવાનો ક્રમ જાળવી રાખ્યો. પારસી બોલીમા તેમને સાંભળવાની વાતો કરવાની મને મજા પડવા લાગી. કઈંક વિષયોની વાતો કરે. દરેક વાત તેમને મુદ્દાસર યાદ હોય. મિનિટો સુધી બોલે પણ થાકે નહીં. તેમની વાતો સાંભળતા વચ્ચે ફોટા પાડું તો કહે પણ ખરા કે, ‘હું હીરો જેવો દેખાવ છું?’ આ બુઢ્ઢા માણસના શું બહુ ફોટા પાડવાના એમ પણ કહે. ગુજરાતી અંગ્રેજી છાપાં વાંચીને એકવાર હસતાં-હસતાં કહે કે, આ નટ-નટીઓના રંગ-રંગીન ફોટા વગર છાપું પ્રકટ ન થાય?

મોટે ભાગે સવારના સમયે દસ-અગિયારની આસપાસ મળવા જઉં. અમદાવાદ સુરતના થઈને દસેક અખબારોનો થપ્પો ટીપોઈ પર ચાની કીટલી સાથે પડ્યો હોય. પારસી ધર્મ-કોમના સામયિકો પણ ખરા. સુરત પારસી પંચાયતમાંથી આવેલા કાગળો હોય જેમાં તેમણે સલાહ-માર્ગદર્શન આપવાના હોય. પાંચ દાયકા ઉપરાંત સેવા કર્યા પછી તેમણે છેલ્લા વર્ષોમાં પંચાયતના કામમાંથી રૂખસદ લઈ લીધી હતી.

તારક મહેતા અને રતન માર્શલ
અમદાવાદના પત્રકારત્વ, પારસી કે સાહિત્ય જગત સાથે તેમનો કોઈ સંપર્ક નહોતો. એકમાત્ર બકુલ ત્રિપાઠીને / Bakul Tripathi તેઓ જાણતા હતા. અમેરિકા રહેતા અને અમદાવાદ આવ્યા પછી 2006માં અવસાન પામેલા બકુલ ત્રિપાઠીને તેઓ મળી શક્યા નહીં એનો અફસોસ પણ કરતા. જો કે એ ખોટ જુદી રીતે પૂર્ણ થઈ. પરસ્પર સંપર્કમાં આવતા અને રૂબરૂ મળવાની ઇચ્છા વ્યક્ત કરતાં તારક મહેતાને / Tarak Mehta તેઓ મળી શક્યા. એ મુલાકાતમાં માધ્યમ બન્યાનો આનંદ છે.

એકવાર પડી ગયા પછી તેમના હલન-ચલન પર સ્વાભાવિક મર્યાદા આવી ગઈ હતી. ઘર બહાર બહુ નીકળી શકતા નહીં. છતાં અમદાવાદમાં આયોજિત બે કાર્યક્રમોને તેમની ઉપસ્થિતિનો લાભ મળ્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગ દ્વારા આયોજિત એક વિષય પરિસંવાદમાં તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ વક્તવ્ય આપ્યું હતું તો હાજી અલ્લારખા શીવજી દ્વારા પ્રકાશિત સામયિક વીસમી સદીની / Vismi Sadi રજનીકુમાર પંડ્યા તેમજ સાથીઓના પ્રયત્નોથી શક્ય બનેલી ડિજિટલ અવતાર સમી વેબસાઇટનું લોકાર્પણ કરતા તેનું પહેલું ક્લિક કરવાનું સદભાગી કાર્ય તેમના હસ્તે થયું.

ગુજરાતી સાહિત્ય પરિષદ સન્માન
ડૉ. માર્શલ, નારાયણભાઈ દેસાઈ, મનસુખ સલ્લા
અને ધીરૂભાઈ પરીખ
રૂસ્તમભાઈના ઘરમાં પાળેલો ડોગ સીમ્બા તેમનો કાયમી અને એવો મજબૂત સાથીદાર હતો કે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તત્કાલીન પ્રમુખ નારાયણભાઈ દેસાઈના હસ્તે સાહિત્ય સેવા માટે તેમનું સન્માન ઘર બેઠાં થયું ત્યારે સંખ્યાબંધ મહેમાનોની વચ્ચે સીમ્બા પણ પૂરા પ્રોગ્રામમાં હાજર હતો. સીમ્બા પણ હવે આ દુનિયામાં નથી રહ્યો.
મનુભાઈ શાહ, રતન માર્શલ અને રોહિત કોઠારી
પારસી પ્રેમકથાઓનું પુસ્તક પારસી સંસારી પ્રેમકથાઓ પ્રકાશિત થયાની પહેલી નકલ લઈને પ્રકાશક મનુભાઈ શાહ (ગૂર્જર પ્રકાશન) અને રોહિતભાઈ કોઠારી તેમના ઘરે પહોંચ્યા તો બહુ રાજી થતાં બોલી ઉઠ્યા કે તમે તો આજે મારો દિવસ સુધારી દીધો. પારસી કેલેન્ડર પ્રમાણે એ તેમનો 98મો જન્મદિવસ હતો.

પૌત્રી રિયા, યઝદી કરંજિયા સાથે
શતાબ્દી પ્રવેશ કરતા રતન માર્શલ
માર્શલસાહેબ તમને મળીને તો અમારો દિવસ જ નહીં, જનમ પણ સુધરી ગયો છે. રૂસ્તમભાઈના પરિવારે તેમનો 100મો વર્ષપ્રવેશ ઉલટભેર ઉજવ્યો હતો. પત્ની શિલ્પા સાથે મેં અને ઉર્વીશે એ ઉજવણીને માણી હતી. શતાબ્દી પ્રવેશની કેક કાપીને મોં મીઠું કરીએ એવા દિવસો આ જનમમાં કેટલા અને હવે પછી ક્યારે આવશે એ કોને ખબર. અલવિદા ગુજરાતી પત્રકારત્વના ગ્રાન્ડમાર્શલને.

તસવીરો : બિનીત મોદી