નરેન્દ્ર મોદી : ‘ડબલ’ ડિજિટમાં શાસન કરનારા ગુજરાતના ‘સિંગલ’ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદી : એકચક્રી શાસનની અગિયારસ,

ભાજપની એકમેવ ઘટના

એક વર્ષના 365 દિવસ ગણીએ તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ / Narendra Modi મંગળવાર, 18 સપ્ટેમ્બરે પદ – સત્તાગ્રહણના 4000 દિવસ અને સત્તાવાર રીતે આજે 7 ઓક્ટોબરે શાસનના 11 વર્ષ પુરા કર્યા છે. તેમના શાસનની સિદ્ધિઓ ગુજરાત સરકારની / Government of Gujarat / www.gujaratindia.com કોઈ પણ કચેરીની ચારેય દીવાલ પર ચોંટાડેલા પોસ્ટરમાંથી કે પછી એ ઓફિસના કોઈ પણ કર્મચારીના ટેબલના ડ્રોઅરમાંથી ચોક્કસ મળી આવનારી કોઈ એક સી.ડી.માંથી મળી આવશે. અને ખામીઓ? જવાદો ને વાત જ! એ બધું તો સબ-જ્યુડીસ મેટર છે. ગુજરાતની ગાદીએ સૌથી વધુ સમય સુધી સત્તાસ્થાને રહેવાના માધવસિંહ સોલંકીના / Madhavsinh Solanki વિક્રમને તેઓ મે2007માં વળોટી ગયા એ ઘટનાને પણ પાંચ વર્ષ વીતી ગયા છે.
માધવસિંહ સોલંકી

(ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી)

વિક્રમ…વિક્રમ…વિક્રમો…..રેકોર્ડ રાખનારા પોતે ભૂલી જાય એટલા વિક્રમો. તોય હજી છોગામાં બે વિક્રમની ઘટ છે. એમાંનો એક તે સૌથી યુવાન વયે મુખ્યમંત્રી પદે આવવાનો વિક્રમ અમરસિંહ ચૌધરીના / Amarsinh Chaudhary નામે બોલે છે જેને 62 વર્ષના મોદી હવે ટેક્નિકલ કારણોસર વળોટી શકે તેમ નથી. બીજો તે વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પોતાના પક્ષને સૌથી વધુ બેઠકો અપાવવાનો વિક્રમ1985ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 149 બેઠકો અપાવીને માધવસિંહ સોલંકીએ પોતાના નામે લખ્યો છે જેને વળોટવા માટે નરેન્દ્ર મોદીએ આજથી અઢી મહિના સુધી રાહ જોવાની છે. બહુમતી બેઠકોનો આ વિક્રમ માધવસિંહના નામે બોલે કે મોદીના નામે નવેસરથી ચઢે ત્યારે ખરો. બાકી ભારતીય જનતા પક્ષમાં / Bharatiya Janata Party / www.bjp.org સૌથી લાંબો સમય બંધારણીય પદે રહેવાનો વિક્રમ તો નરેન્દ્ર દામોદરદાસ મોદીએ પોતાના નામે કરી જ લીધો છે. ના એ યાદીમાં ત્રણ વાર વડાપ્રધાનપદે આવેલા અટલ બિહારી વાજપેયી / Atal Bihari Vajpayee કે એક વાર નાયબ વડાપ્રધાન બનેલા લાલ કૃષ્ણ અડવાણીનું / Lal Krishna Advani નામ પણ સામેલ થતું નથી.

અમરસિંહ ચૌધરી

(ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી)

ડબલ ડિજિટમાં સત્તાસ્થાને રહેનારા નરેન્દ્ર મોદી પહેલા નથી તેમ છેલ્લા પણ નથી. બાવન વર્ષના ગુજરાતમાં શાસનના બારમા વર્ષે સત્તા સંભાળનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી છે તે એક વાત છે અને લાંબો સમય સત્તા સ્થાને રહેનારા ભારતના રાજકારણીઓમાં તેમનો અનુક્રમ નંબર ચાલીસીને (40) વળોટી ગયો છે એ બીજી વાત છે. અહીં ભારતીય રાજકારણના એવા કેટલાક વ્યક્તિવિશેષોની યાદી આપી છે જેમણે દસ કે તેથી વધુ વર્ષ સત્તા ભોગવી છે.

1) જવાહરલાલ નહેરુ, વડાપ્રધાન, 15-08-1947થી 27-05-1964 – 16 વર્ષ 9 મહિના

2) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પ્રથમ રાષ્ટ્રપતિ  10 વર્ષસળંગ બે મુદત માટે

3) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ  10 વર્ષ, સળંગ બે મુદત માટે

4) ઇન્દિરા ગાંધી, વડાપ્રધાન, 16 વર્ષ

5) ક્રિષ્ના સિંહા, પ્રથમ મુખ્યમંત્રી  બિહાર, 15 વર્ષ (સળંગ એક મુદતમાં, 1946થી 1961)

6) ડૉ. બિધાન ચંદ્ર રોય, મુખ્યમંત્રી  પશ્ચિમ બંગાળ, 14 વર્ષ (સળંગ એક મુદતમાં, 1948થી 1962)

7) ગુલામ મોહમ્મદ બક્ષી, મુખ્યમંત્રી  જમ્મુ અને કશ્મીર, 10 વર્ષ (સળંગ એક મુદતમાં, 1953થી 1963)

8) મોહનલાલ સુખડીયા, મુખ્યમંત્રી  રાજસ્થાન, 16 વર્ષ (સળંગ એક મુદતમાં, 1954થી 1971)

9) બિમલા પ્રસાદ ચલીહા, મુખ્યમંત્રી  આસામ, 13 વર્ષ (સળંગ એક મુદતમાં, 1957થી 1970)

10) યશવંત સિંહ પરમાર, મુખ્યમંત્રી  હિમાચલ પ્રદેશ, 17 વર્ષ (બે મુદતમાં, બીજી મુદતમાં સળંગ 13 વર્ષથી વધુ, 1963થી 1977)

11) વસંત રાવ નાઇક, મુખ્યમંત્રી  મહારાષ્ટ્ર, 11 વર્ષ (સળંગ એક મુદતમાં, 1963થી 1975)

12) જ્યોતિ બસુ, મુખ્યમંત્રી  પશ્ચિમ બંગાળ, 23 વર્ષ (સળંગ એક મુદતમાં, 1977થી 2000)

13) ગેગોંગ અપાંગ, મુખ્યમંત્રી  અરુણાચલ પ્રદેશ, 22 વર્ષ (બે મુદતમાં, પહેલી મુદતમાં સળંગ 19 વર્ષ, 1980થી 1999)

14) ન્રિપેન ચક્રવર્તી, મુખ્યમંત્રી  ત્રિપુરા, 10 વર્ષ (સળંગ એક મુદતમાં, 1978થી 1988)

15) પ્રતાપસિંહ રાણે, મુખ્યમંત્રી  ગોઆ, 16 વર્ષ (ચાર મુદતમાં, પહેલી મુદતમાં સળંગ 10 વર્ષ, 1980થી 1990)

16) દિગ્વિજય સિંહ, મુખ્યમંત્રી  મધ્ય પ્રદેશ, 10 વર્ષ (સળંગ એક મુદતમાં, 1993થી 2003)

17) પુ ઝોરામથાંગા, મુખ્યમંત્રી  મિઝોરમ, 10 વર્ષ (સળંગ એક મુદતમાં, 1998થી 2008)

18) બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, મુખ્યમંત્રી  પશ્ચિમ બંગાળ, 10 વર્ષ (સળંગ એક મુદતમાં, 2000થી 2011)

19) એમ. કરૂણાનિધિ, મુખ્યમંત્રી  તામિલનાડુ, 19 વર્ષ (ચાર મુદતમાં, પહેલી મુદતમાં સાત વર્ષ, ત્રીજી અને ચોથી મુદતમાં પાંચ  પાંચ વર્ષ, 1969 – 1976, 1996 – 2001, 2006 – 2011)

20) વીરભદ્ર સિંહ, મુખ્યમંત્રી  હિમાચલ પ્રદેશ, 16 વર્ષ (ચાર મુદતમાં, પહેલી મુદતમાં સળંગ સાત વર્ષ, 1983થી 1990)

21) એસ.સી. જમીર, મુખ્યમંત્રી  નાગાલેન્ડ, 15 વર્ષ (ચાર મુદતમાં, ચોથી મુદતમાં સળંગ દસ વર્ષ, 1993થી 2003)

22) ડબલ્યુ.એ. સંગમા, મુખ્યમંત્રી  મેઘાલય, 14 વર્ષ (બે મુદતમાં, પહેલી મુદતમાં સળંગ આઠ વર્ષ, 1970થી 1978)

23) નર બહાદુર ભંડારી, મુખ્યમંત્રી  સિક્કીમ, 13 વર્ષ (બે મુદતમાં, બીજી મુદતમાં સળંગ નવ વર્ષ, 1985થી 1994)

24) જાનકી વલ્લભ પટનાયક, મુખ્યમંત્રી  ઓરિસ્સા, 13 વર્ષ (બે મુદતમાં, પહેલી મુદતમાં સળંગ નવ વર્ષ, 1980થી 1989)

25) બંસી લાલ, મુખ્યમંત્રી  હરિયાણા, 12 વર્ષ (ત્રણ મુદતમાં, પહેલી મુદતમાં સળંગ સાત વર્ષ, 1968થી 1975)

26) ભજન લાલ, મુખ્યમંત્રી  હરિયાણા, 11 વર્ષ (બે મુદતમાં, પહેલી મુદતમાં સળંગ છ વર્ષ, 1979થી 1985)

27) ઇ.કે.નયનાર, મુખ્યમંત્રી  કેરાલા, 11 વર્ષ (ત્રણ મુદતમાં, ત્રીજી મુદતમાં સળંગ પાંચ વર્ષ, 1996થી 2001)

28) ફારૂક અબ્દુલ્લાહ, મુખ્યમંત્રી  જમ્મુ અને કશ્મીર, 11 વર્ષ (ત્રણ મુદતમાં, ત્રીજી મુદતમાં સળંગ છ વર્ષ, 1996થી 2002)

29) એમ.જી. રામચંદ્રન, મુખ્યમંત્રી  તામિલનાડુ, 10 વર્ષ ( બે મુદતમાં, બીજી મુદતમાં સાત વર્ષથી વધુ, 1980થી 1987)

30) રીશાંગ કેઇશિન્ગ, મુખ્યમંત્રી  મણીપુર, 10 વર્ષ (ત્રણ મુદતમાં, બીજી મુદતમાં સળંગ સાત વર્ષ, 1981થી 1988)

31) એમ.ઓ.એચ. ફારૂક, મુખ્યમંત્રી  પોંડીચેરી, 10 વર્ષ (ત્રણ મુદતમાં, ત્રીજી મુદતમાં સળંગ પાંચ વર્ષ, 1969થી 1974 અને 1985થી 1990)

32) ભૈરોં સિંઘ શેખાવત, મુખ્યમંત્રી  રાજસ્થાન, 10 વર્ષ (ત્રણ મુદતમાં, ત્રીજી મુદતમાં સળંગ પાંચ વર્ષ, 1993થી 1998)

33) પવન કુમાર ચામલીંગ, સિક્કીમના વર્તમાન મુખ્યમંત્રી, 18મું વર્ષ (ડિસેમ્બર  1994થી)

34) પુ લાલથાનહાવલા, મિઝોરમના વર્તમાન મુખ્યમંત્રી, 16મું વર્ષ (ડિસેમ્બર  2008થી ત્રીજી મુદતનું ચોથું વર્ષ, અગાઉ 12 વર્ષ મુખ્યમંત્રી પદ સંભાળી ચૂક્યા છે, બીજી મુદતમાં સળંગ નવ વર્ષથી વધુ, 1989થી 1998)

35) માણિક સરકાર, ત્રિપુરાના વર્તમાન મુખ્યમંત્રી, 15મું વર્ષ (માર્ચ  1998થી)

36) પ્રકાશ સિંઘ બાદલ, પંજાબના વર્તમાન મુખ્યમંત્રી, 15મું વર્ષ (માર્ચ  2012થી પાંચમી મુદતનું પહેલું વર્ષ, અગાઉ 10 વર્ષ મુખ્યમંત્રી પદ સંભાળી ચૂક્યા છે, ત્રીજી મુદત  1997થી 2002)

37) શીલા દીક્ષિત, દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી, 14મું વર્ષ (1998થી)

38) નવીન પટનાયક, ઓરિસ્સાના વર્તમાન મુખ્યમંત્રી, 13મું વર્ષ (માર્ચ  2000થી)

39) તરૂણ કુમાર ગોગોઈ, આસામના વર્તમાન મુખ્યમંત્રી, 12મું વર્ષ (મે  2001થી)

40) જે. જયલલિતા, તામિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી, 11મું વર્ષ (ચોથી મુદત, માત્ર પહેલી મુદતમાં પાંચ વર્ષનું શાસન પૂરું કર્યું, 1991થી 1996)

41) નરેન્દ્ર મોદી, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી, 11 વર્ષ (ઓક્ટોબર  2001થી)

42) ઓક્રમ ઇબોબી સિંઘ, મણીપુરના વર્તમાન મુખ્યમંત્રી, 11મું વર્ષ (માર્ચ  2002થી)

43) પ્રેમ કુમાર ધુમલ હિમાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી (માર્ચ  1998થી માર્ચ – 2003ની પ્રથમ મુદતના પાંચ વર્ષ પૂર્ણ કર્યા પછી ડિસેમ્બર  2007માં પુનઃ મુખ્યમંત્રીપદે આરૂઢ થયા. નવેમ્બર ડિસેમ્બર 2012માં યોજાનારી આગામી ચૂંટણી સાથે દસ વર્ષનો સમયગાળો પૂરો કરશે.)

નોંધ :

1) આઝાદી પહેલાની ઉત્તર પ્રદેશની વચગાળાની સરકારનું મુખ્યમંત્રીપદ બે વર્ષ માટે સંભાળનાર ગોવિંદ વલ્લભ પંતે ભારતની સ્વતંત્રતા પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીપદે સળંગ આઠ વર્ષ કરતા વધુ શાસન કર્યું હતું. એમ કરતા તેમનું શાસન 11 વર્ષનું થાય પણ એવા ટેક્નિકલ કારણસર જ આ યાદીમાં નથી.

2) રાજસ્થાનના મુખ્યમંત્રીપદે ભૈરોં સિંઘ શેખાવત પહેલી મુદતમાં જનતા પાર્ટીના પ્રતિનિધિ હોવાથી સળંગ દસ વર્ષના શાસન માટે ભારતીય જનતા પક્ષના એક માત્ર ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી બની રહે છે.

3) બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના અનુગામી બનેલા પત્ની રબડી દેવીના 15 વર્ષના સંયુક્ત શાસનને સળંગ ગણીએ તો અપવાદ રૂપે ગણી શકાય. પરંતુ આ યાદીમાં નથી.

4) મદ્રાસ (આજનું તામિલનાડુ) રાજ્યના મુખ્યમંત્રીપદે કે. કામરાજ સળંગ 10 વર્ષનું શાસન પૂરું કરવાથી છ મહિના દૂર રહ્યા હતા. ઉપરોક્ત યાદીમાં નથી.

5) પહેલા ઉત્તર પ્રદેશ અને પછી ઉત્તરાંચલ (આજનું ઉત્તરાખંડ) એમ અલગ અલગ સમયે બે રાજ્યોના મુખ્યમંત્રીપદ સંભાળનાર નારાયણ દત્ત તિવારીએ ઉત્તર પ્રદેશમાં ત્રણ મુદતમાં શાસન કર્યું પરંતુ ક્યારેય દોઢ વર્ષથી વધુ સત્તા સંભાળી શક્યા નહીં. હા ઉત્તરાંચલમાં પાંચ વર્ષની પુરી ટર્મ શાસન કર્યું.

6) ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે આવેલા માયાવતીએ અગાઉની ત્રણ મુદતમાં કુલ્લે મળીને માત્ર બે વર્ષ શાસન કર્યું હતું અને છેલ્લી મુદતમાં એક જ વાર પાંચ વર્ષની ટર્મ પૂરી કરી તેથી આ યાદીમાં નથી.

7) સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશે દેશને આઠ વડાપ્રધાન આપ્યા. જો કે તેના એક પણ મુખ્યમંત્રીનું નામ આ યાદીમાં સામેલ થવાના માપદંડને પાર કરતું નથી.

8) રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યોના ગવર્નરની નિમણુક સામાન્યપણે પાંચ (5) વર્ષની મુદત માટે થતી હોય છે. તેમાં બે અપવાદ છે. એમ.એમ. જેકોબે મેઘાલયનું ગવર્નરપદ સળંગ (12) વર્ષ માટે તો પી.સી. એલેક્ઝાન્ડરે મહારાષ્ટ્રનું ગવર્નરપદ સળંગ નવ વર્ષથી વધુ સંભાળ્યું હતું.

9) છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડ એમ ત્રણ રાજ્યોની રચનાને માત્ર 12 વર્ષ (નવેમ્બર  2000) થયા છે એટલે તે રાજ્યોમાં આવા કોઈ રેકોર્ડ નોંધાય તે માટે રાહ જોવી પડશે.

તસવીરો : બિનીત મોદી