અમદાવાદની ગઈકાલ : પેન્ટ વેચવા પેન્ટીનું પ્રદર્શન!…અને આજકાલની ‘પડદાપ્રથા’!

સોળે સાન અને વીસે વાન’ – ગુજરાતી કહેવત છે. ઝાઝી સમજણ પણ આપવી પડે તેમ નથી. સાન-ભાન આવવાનું હોય તો સોળમે વર્ષે આવી જાય અને વાન (શરીરના રંગ-રૂપ)માં કોઈ ફેરફાર થવાનો હોય તો ઉંમરના વીસમા વર્ષ સુધીમાં થઈ જાય. ઓ.કે. નાગરિક તરીકે મારું – તમારું – આપણું ઘડતર થવાનું હોય તો કેટલા વર્ષોમાં થઈ જવું જોઇએ એવો પ્રશ્ન આ કહેવતની રૂએ મારા મનમાં ઉદભવ્યો છે. આવી કોઈ ત્રિરાશી હોતી નથી પણ આજે માંડીએ. દિલ્હી શહેરની પીડિત દીકરીનું દૂર દેશાવર એવા સિંગાપોરમાં મૃત્યુ નીપજવું એ એક કારણ તો છે જ…બીજા ય ઘણા કારણો છે. પણ હાલ તો એકડે એકથી શરૂઆત કરીએ.

ભણતી વખતે નાગરિકશાસ્ત્રના પાનાં ઉથલાવ્યા હોય તે ખરું બાકી એ દિશામાં આજની પેઢીના લોકોમાં નવેસરથી સમજણ પ્રગટાવનાર જે થોડાં નામો ગુજરાત પાસે છે તેઓની એક બહુ મોટી ફરિયાદ રહી છે કે – આઝાદીના છ દાયકા વીતી ગયા પછી પણ આપણું ભારતીયોનું નાગરિક તરીકે ઘડતર ન થયું. ઘરની ચાર દિવાલ બહારના જાહેર વાણી – વર્તનમાં બેજવાબદારીપણું, દોંગાઈઓ જાણે કે કોઠે પડી ગયા છે. વીસમી સદીના પચાસ ઉપરાંત વર્ષો તો ફોગટમાં જ જાણે પસાર થઈ ગયા.

જેમાં પ્રવેશવાની આપણને બહુ આતુરતા હતી એવી એકવીસમી સદીનો પહેલો દાયકો પસાર થઈ ગયા પછી પણ આપણી પરિસ્થિતિમાં ઝાઝો ફરક પડ્યો નહીં. એટલે જ આ કહેવત યાદ આવે છે કે સોળે સાન અને વીસે વાન હોય તો આપણા સામૂહિક નાગરિક ઘડતરમાં કેમ આટલાં વર્ષો નીકળી ગયા. અરે જેમાં આજે જીવીએ છીએ તેવી એકવીસમી સદીનાં બાર વર્ષો પણ આજે રાતે પૂરાં થઈ જશે. કચરાના નિકાલ માટે પરદેશના પ્રવાસો થયા અને વિદેશી નિષ્ણાતોને નોતર્યાં પણ જાહેરમાં કચરો ફેંકવાની ટેવ ન ગઈ. પોશ કારની સાથે પોર્શ બ્રાન્ડની ગાડી પણ ભારતમાં વેચાતી થઈ પણ વાહનનું પાર્કિંગ કરતા ન આવડ્યું. સિક્સ સીટર કારમાં બાબા – બેબીઓને બાલમંદિરે મુકવા જતા મમ્મી–પપ્પાને એવો વિચાર સરખો પણ આવતો નથી કે આ બાબો કે બેબી ભણી-ગણીને મોટા થશે ત્યારે ઓફિસે જવાનું પેટ્રોલ ક્યાંથી લાવશે.

આ સઘળું અત્યારે કેમ યાદ આવે છે? ઉપર જણાવ્યું તેમ એક નહીં અનેક કારણો છે. આપણી નાગરિક નિસબતનો વાવટો તો જાણે પૂરેપૂરો સંકેલાઈ ગયો છે. કેવી રીતે એવો પ્રશ્ન થતો હોય તો ઉત્તમ તો નહીં પણ એક નમૂનો આપી શકું તેમ છું. આ રહ્યો.

રેડીમેડ જીન્સ પેન્ટની જાહેરાતનો આ ફોટો રવિવાર, 21 ઑક્ટોબર 2007ના દિને નવરંગપુરા – અમદાવાદના સ્વસ્તિક ચાર રસ્તા પાસે ઊભા રહી પાડ્યો હતો. પેન્ટનું વેચાણ કરતો શૉ-રૂમ હોર્ડિંગની પછીતે જ હતો. માલિકીની જગ્યા હતી એટલે પેન્ટ વેચવા પેન્ટીનું પ્રદર્શન કરતો ફોટો જાહેરમાં લટકાવવાનો જાણે કે પરવાનો મળી ગયો હતો. સભ્ય સમાજમાં થોડી ચણ-ભણ થઈ હશે, ધ્યાન દોરનારાઓએ પોતાના વાંધા – વિરોધ દર્શાવ્યા હશે તે જાહેરાતનું આ પાટિયું અઠવાડિયા – પખવાડિયામાં ઉતારી લેવું પડ્યું. શાબાશ!

તો શું આપણે એમ સમજવું કે આ કે આવા પ્રકારના પાટિયાં કાયમ માટે ગાયબ થઈ ગયા? ના…રે…ના. એવી તે નિસબત હોય આપણી? એ તો પાંચ વર્ષે દેખા દેતા નેતાની જેમ જ બરાબર પાંચ વર્ષે પુનઃ પ્રગટ પણ થાય – બરાબર પાંચ વર્ષે જ!

હવે આ બીજો ફોટો બરાબર પાંચ વર્ષે જ સોમવાર, 24 ડિસેમ્બર 2012ના રોજ પાડ્યો છે. અમદાવાદના હાર્દ સમા વિસ્તાર સી.એન. વિદ્યાલય પાસેના ત્રિભેટેથી. આ સિરીઝના અતિ વાંધાજનક ફોટા બાજુ પર રાખીને આ નમૂનાને અહીં ચોંટાડ્યો છે. પાંચ વર્ષ પછી ફરી એકવાર ચણ-ભણ થઈ તે કેટલાક નમૂનેદાર પાટિયાં ગોડાઉન ભેગાં થયાં. જો કે એ પહેલાં તે આપણી નાગરિક સભ્યતાનું મીટર જરૂર ડાઉન કરતા ગયા.
(બન્ને તસવીરો : બિનીત મોદી)