પ્રફુલ દવે : ફેસબુક ફ્રેન્ડ બન્યા પહેલા…..

તેમણે ગાયેલા ગુજરાતી ગીતો અને તેમની ગાયકીના વખાણ – બન્ને લગોલગ સાંભળવાનું-વાંચવાનું થયું હતું. 1990ની આસપાસ અમદાવાદના / Ahmedabad નારણપુરા વિસ્તારમાં રહેતો હતો ત્યારે તેમને ગરબા ગાતા – ગવડાવતા સાંભળવા-જોવા એ એક લહાવો ગણાતું. નારણપુરા – ઉસ્માનપુરાના જંક્શન પર આવેલી પંચશીલ સોસાયટીમાં તેઓ નવરાત્રી દરમિયાન એક જ રાત ફાળવીને ગરબા ગવડાવવા આવતા ત્યારે તેમને સાંભળવા લોકો ટોળે વળતાં. 


મણિયારો ગાઈને લોકપ્રિયતાના સીમાડા વટાવી ગયેલા તેમના વિશે એકવાર એમ પણ વાંચવામાં આવ્યું કે – વ્યવસાયે ડૉક્ટર એવા પ્રફુલ દવેનો / Praful Dave ગીત – ગાયકીમાં સાથ લીધા વિના ગુજરાતી ફિલ્મોના નિર્માતા – દિગ્દર્શકો ફિલ્મ બનાવવાનું વિચારી પણ શકે તેમ નથી. ગુજરાતી ફિલ્મો / Gujarati Films માટે ગીતલેખન કરતા કવિઓ – ગીતકારોની ઇચ્છા હોય કે તેમના શબ્દોને પ્રફુલ દવેનો સ્વર મળે…..વગેરેવગેરે…

               

આવી કંઈક વાતો સાંભળી વાંચીને મને તેમને મળવાની ઇચ્છા થઈ આવી. ચોવીસ કલાકની તો ઠીક…ચેનલ શબ્દ જ ટેલિવિઝન માટે અસ્તિત્વમાં નહોતો એટલે તેમને ટીવી પર ક્યારેય જોયા નહોતા. છાપામાં ક્યાંય ફોટો પણ છપાયેલો નહોતો જોયો. ઓડિયો કેસેટના જેકેટ પર નામની સાથે ફોટો હોય તો હોય. આજે 2012માં લોકપ્રિયતાના માપદંડો ગણાય તેવા સાધનો માંહેનું કશું જ તેમની પાસે નહોતું અને તો ય પ્રફુલ દવે લોકપ્રિય હતા. મળવાની ઇચ્છા થઈ એટલે પાલડી ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં પહોંચી ગયો. સમાજસેવાના સંદર્ભે એ દિશામાં કામ કરતા લોકોનું રામકથાકાર મોરારિબાપુના હસ્તે સન્માન થાય અને અંતે ગીત- સંગીતનો કાર્યક્રમ – ડાયરો હોય તેવું આયોજન હોવાનું આજે આછું-પાતળું યાદ છે.

આછું-પાતળું એટલા માટે કેમ કે એ ચોવીસ વર્ષ પહેલાની વાત છે. ડાયરો પૂરો થયે સ્ટેજ પાછળ પહોંચીને તેમની સાથે થોડી વાતો કરી. અપાર લોકપ્રિયતા-ચાહનાનો અંશ પણ તેમને અડ્યો નહોતો. ફોટો પાડવાની ઇચ્છા વ્યક્ત કરી તો, “ફોટાનું શું કરશો ભાઈ? એવી પ્રતિક્રિયા આપી. સ્ટેજના પડદા ઓથે ઊભા રહેવા વિનંતી કરી તો સહેજ પણ આનાકાની નહીં. માત્ર તેમણે એક જ વિનંતી કરી…ભાઈ, એક કોપી મને પણ આપજો.

ફોટો પડી ગયો. પ્રિન્ટ હાથમાં આવી. વધારાની એક કોપી તેમના માટે પણ કઢાવી.
એ પછીની વિગતો યાદ નથી પણ ફોટો આપવા માટે એક કાર્યક્રમમાં જ પહોંચી ગયો. રાજી થયા. ફોટાની મારી કોપી પાછળ લખ્યું ખુશ રહો – પ્રફુલ દવે. 25 ડિસેમ્બર 1988 અમદાવાદ’. તેમના ગીતોની એક કેસેટ અને વિઝિટીંગ કાર્ડ આપતા કહ્યું, “વડોદરા – ઇલોરાપાર્કમાં જ રહું છું. ક્યારેક આવો તો મળો.

એવો રૂ-બ-રૂ થવાનો અવસર આટલા વર્ષોમાં કદી આવ્યો નહીં. પણ હા, ફેસબુક પર રોજે-રોજ મળાય છે. હા, એ મારા ફેસબુક ફ્રેન્ડ તો છે જ – સક્રિય પણ છે.