પ્રાણલાલ પટેલ : વિશિષ્ટ તારીખોના ડબલ વિટ્નેસ

‘11 – 11 – 11, 12 – 12 – 12 : આંકડાની માયાજાળ જેવી તારીખો આગામી સો વર્ષ સુધી જોવા નહીં મળે’ – છાપાં કે માધ્યમોને આવા મથાળાં બાંધવા બહુ ગમે. લો બોલો જાણે શું ય નવી નવાઈની વાત કહી દીધી. આવી તારીખો માટે જ્યોતિષશાસ્ત્રથી લઈને જન્મકુંડળી સુધીની ચર્ચાઓ ચાલે છે. મને બરાબર યાદ છે કે ગઈ સદીમાં આવું 8 – 8 – 88 અને 9 – 9 – 99 જેવી તારીખો માટે ચલાવાયું હતું. મને ખાતરી છે કે 7 – 7 – 77 કે એ અગાઉની તારીખો માટે આવા તિકડમો નહીં લડાવાયા હોય. કેમ કે વધારે ગંભીર વાતો કરવા માધ્યમો પાસે બીજા અનેક મુદ્દા હતા. ખેર! આપણો મુદ્દો બીજો જ છે. અરે મુદ્દો છે જ નહીં…માણસની વાત છે માણસની.

હું અમદાવાદમાં / Ahmedabad રહું છું એટલે પહેલો વિચાર મને આ શહેરનો આવે તે સ્વાભાવિક છે. આ શહેરમાં એવી એક વ્યક્તિ રહે છે જેમણે આવી તારીખો એક વાર નહીં બબ્બે વાર જોઈ છે. પ્રાણલાલ પટેલ યસ, ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલ / Pranlal Patel.

ફોટા જોઇને તેમનો પરિચય અખંડ આનંદ’ સામયિક / Akhand Anand Gujarati Monthly દ્વારા થયો અને અમૃતપર્વથી પણ આગળ વધી ગયેલા તેમના ગંજાવર કામનો શબ્દ પરિચય લેખક પત્રકાર ઉર્વીશ કોઠારીએ / Urvish Kothari કરાવ્યો. તેમની સાથેની ઓળખાણ પણ ઉર્વીશે જ કરાવી હતી. ઘણું કરીને સાત – આઠ વર્ષ અગાઉ તેમના જન્મ દિવસે સાથે મળવા ગયા હતા. પ્રાણલાલદાદાને જન્મદિવસે મળવાનો ક્રમ ઉર્વીશે તેમના અંગત પરિચયમાં આવ્યો ત્યારથી જાળવી રાખ્યો છે.

અમદાવાદમાં કોઈ પણ ફોટોગ્રાફરનું ફોટો એક્ઝિબીશન હોય કે આર્ટિસ્ટના ગ્રૂપ શો હોય પ્રાણલાલભાઈની ભાર વગરની’ ઉપસ્થિતિ હોય અને તેમનાથી ચોથા ભાગની ઉંમરના કલાકારોથી તે ઘેરાયેલા હોય. તેમની સાથે વિશેષ કોઈ પરિચય નથી પણ એક યાદગાર પ્રસંગ છે. વલ્લભભાઈ પટેલ પરના ઉર્વીશ કોઠારીના પુસ્તક સરદાર : સાચો માણસ, સાચી વાત’ / Sardar : Sacho Manas, Sachi Vaat ના રાજકોટમાં / Rajkot યોજાયેલા વિમોચન (માર્ચ 2005)માટે તેમને આમંત્રણ આપ્યા પછી કાર્યક્રમના અગાઉના દિવસે ફોન કર્યો. પંચાણુ (95)ની તેમની ઉંમર જોતાં મનમાં એવો ખ્યાલ હતો કે કાર ટેક્ષીની અલગથી ગોઠવણ કરીને તેમની સગવડ વિશેષ સાચવવી. તેમણે મને પૂછ્યું કે તમે કેવી રીતે જવાના?’ મેં મિત્રો પરિવાર માટે લકઝરી બસની વ્યવસ્થા કર્યાનું કહ્યું એટલે એમણે કહ્યું કે હું પણ તમારી બધાની સાથે જ આવીશ. ઓ.કે. તો સવારે હું ઘરે લેવા માટે આવી જઇશ.’ એવી મારી ઓફરનો જવાબ ના’ અને રાજકોટ જવા માટે એ સવારે પૌત્રના સ્કૂટર પર આવી ગયા. છે ને ભાર વગરની ઉપસ્થિતિ?

માધ્યમો જેને નવી નવાઈના ગણાવે છે એવા દિવસો એક નહીં પણ બબ્બે વાર જોવાની જેમને મન નવાઈ નથી તે પ્રાણલાલભાઈની જન્મ તારીખ છે જાન્યુઆરી 1910. આજે તેઓ 103 વર્ષના થયા. ફોટોગ્રાફી સ્પર્ધાની તસવીરો જોવા અને એ રીતે યુવાન ફોટોગ્રાફર્સને પ્રોત્સાહન આપવા તેઓ લો ગાર્ડન અમદાવાદ સ્થિત રવિશંકર રાવલ આર્ટ ગેલેરી ખાતે આવ્યા ત્યારે 30 ઑક્ટોબર 2010ના રોજ આ ફોટો પાડ્યો હતો.