મારી દલિત ચેતના

આયખું વીતે પણ સાવરણો ન છૂટે

દલિત સમસ્યાઓ કે દલિતોના પ્રશ્નો / Dalit Issues થોડા ઘણા પણ સમજ્યો છું એવો દાવો તો ઠીક, સીધું – સાદું એવા મતલબનું એક સ્ટેટમેન્ટ પણ હું ફટકારી શકું તેમ નથી. તેમ છતાં આ સમસ્યા સાથેનો મારો નાતો કંઈક આવો છે. જ્યાં જન્મ્યો તે ગોધરા / Godhra ગામ તો મમ્મી – પપ્પાની સાથે એક વર્ષની ઉંમરે છોડ્યું તે પછી આજ ચાલીસનો થયો છતાં વતનમાં કદી સળંગ પંદર દિવસ – પખવાડિયું રહેવાનું થયું નથી. સ્કૂલ – કૉલેજના વર્ષો સુધી વારે-તહેવારે – સારા-માઠા પ્રસંગે કે વેકેશનમાં આવવા – જવાનું થાય તે પણ વધુમાં વધુ અઠવાડિયું. એવા જ કોઈ વસવાટ દરમિયાન નવ – દસ વર્ષની ઉંમરે ગોધરામાં હરતાં – ફરતાં નગરપાલિકાના સફાઈ કામદારને / Sweeper ગામની શેરીઓની પછીતે જઈ નીચા વળી વળીને ડબા ખેંચતો જોયો. થોડે દૂર ઉભી રાખેલી ઠેલણ ગાડીમાંના મોટા ડબામાં મળ-મૂત્ર ઠાલવી પાછો તેને યથાસ્થાને ગોઠવતો જાય અને આગળ વધતો જાય. લોકોના જાજરૂમાંથી / Toilet ખેંચાતા એ ડબા પણ કેવા ? મોટેભાગે સીંગતેલના પતરાના ડબાના હૉલને સાંધો – રેણ કરાવી એક બાજુનું પતરું ખોલી નાખ્યું હોય. મળથી ગંદા થયેલા અને મૂત્રથી કટાઈ ગયેલા એ ડબાને વળી હેન્ડલ શેનાં ? એ તો સફાઈ કામદારે હાથ અંદર નાંખીને જ ડબા ખેંચવાના.
માનવ હાથથી મળ સફાઈ
સ્વતંત્રતા મળ્યા પછી સાતમા દાયકામાં દલિતોની ઢગલાબંધ સમસ્યાઓ વચ્ચે માથે મેલું ઉપાડવાના પાયાના પ્રશ્નની જગતચોકમાં ચર્ચા થાય છે તેનું આ મારું પહેલવહેલું વાસ્તવ દર્શન ત્રીસ વર્ષ પછી પણ હું ભૂલી શકતો નથી.
વતનમાં જેમ બિલકુલ નથી રહ્યો તેની સામે અમદાવાદ / Ahmedabad એક એવું શહેર છે જ્યાં બે તબક્કામાં થઈને હું ત્રીસ ઉપરાંત વર્ષોથી રહું છું. બાળમંદિરથી ત્રીજા ધોરણ સુધી અમદાવાદમાં ભણ્યા પછી પપ્પાની બઢતી સાથે બદલી થતાં શહેર છોડી ઠાસરા / Thasra (ડાકોર / Dakor પાસે) અને દેવગઢ બારિયા / Devgadh Baria (અગાઉ પંચમહાલનું / Panchmahals, આજે દાહોદ / Dahod જિલ્લાનું ગામ)માં રહેવાનું થયું. આ બન્ને ગામોમાં વીસમી સદીના આઠમા દાયકા સુધી તો ગટર સુવિધા આવી નહોતી. શૌચાલયની સુવિધા અને દલિતોની સ્થિતિ બાબતે માંડ દસ – વીસ ટકા આશ્વાસન લઈ શકાય તેવી વાત એ હતી કે ડબા જાજરૂની સામે થોડેક ઠેકાણે ખાળકૂવાવાળા જાજરૂ આવી ગયા હતા. મોટેભાગે નવા બંધાયેલા આરસીસી મકાનોમાં એ સગવડ રહેતી. પણ એ તો રહેનાર માટે જ, બાકી દલિતોની અગવડમાં તો તસુભારેય ફેરફાર નહોતો થયો એવું હવે સમજાય છે.
ઠાસરા – દેવગઢ બારિયામાં બધું મળીને સાત વર્ષ રહેવાનું થયું. આઝાદીના ત્રણ દાયકા વીત્યા પછી પણ દેવગઢ બારિયા ખાનગીમાં રાજાનું ગામ’ / Princely State કહેવાતું અને એ રીતે જ ઓળખાતું હતું. બારમી ગુજરાત વિધાનસભામાં દેવગઢ બારિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એન.સી.પી. / Nationalist Congress Party)ના ધારાસભ્ય તુષારસિંહ રાઓલના / Tusharsinh Raol નાના અને મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની / Chimanbhai Patel સરકારમાં પ્રવાસન મંત્રી રહી ચૂકેલાં ઉર્વશીદેવી મહારાઓલના / Urvashidevi Maharaol પિતા જયદીપસિંહ બારીયાએ / Jaydeepsinh Baria અહીં આઝાદી અગાઉની છેલ્લી રાજાશાહી ભોગવી હતી. જયદીપસિંહ પોતે પણ એ સમયે લોકસભામાં ગોધરા બેઠકનું પ્રતિનિધિત્વ કોંગ્રેસ પક્ષમાં / Indian National Congress રહી કરતા હતા. તો ખાનગીમાં રાજાના ગામ લેખે ઓળખાતા દેવગઢ બારિયામાં દિવસમાં બે વાર કચરો વળાતો હતો. ગામના લોકો તેને બાદશાહી – રાજાશાહી ઠાઠ કહેતા. એવા ઠાઠ ભોગવવામાં પણ ભોગ તો દલિતોનો જ લેવાતો હશે એવું હવે મોડે મોડે સમજાય છે.
(*) અમદાવાદના જાહેર માર્ગ પરનો કચરો
દેવગઢ બારિયામાં બે વરસ રહ્યા પછી ફરી એક વાર ઠાસરામાં આવીને રહેવાનું થયું. ખાસ ફરક નહોતો પડ્યો. હા, આ વખતે રહેવા માટેનું ઘર પાકું અને ગામથી થોડે દૂર મળ્યું. જૂના મિત્રો – પરિચિતો તો હતા જ, એમાં એક ઉમેરો ડૉ. જીવણલાલ દલવાડીનો થયો. એ બહુ ભણેલા નહીં, આર.એમ.પી. (રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર / Registered Medical Practitioner) પણ નહીં એવા, કમ્પાઉન્ડરમાંથી આગળ વધીને બનેલા ડૉક્ટર / Doctor હતા. મમ્મી – પપ્પાની સાથે ઘરોબો થયા પછી એમણે સ્પષ્ટતા કરી હતી કે પોતે દલિત વર્ગમાંથી આવે છે, ઉજળિયાત વર્ગના હોવાનો દેખાડો કરવા વૈષ્ણવ ધર્મ પાળે છે અને સુધારેલી અટક દલવાડી લખાવે છે. આમ કરવાથી એમની તબીબી પ્રેક્ટીસ દલિતો અને સવર્ણો બન્ને પક્ષે ધમધોકાર ચાલતી હતી. ઠાસરાની વૈષ્ણવ હવેલીમાં દર્શન કર્યા પછી ચા-પાણી-નાસ્તા માટે એ મમ્મી – પપ્પાને (સુધા અને પ્રફુલ મોદી / Sudha and Praful Modi) દવાખાને આવવાનો આગ્રહ કરતા અને એમ પણ કહેતા કે મારા ફળિયામાં તમે ના શોભો. જો કે મમ્મી – પપ્પાએ તેમની વાતને ગણકારી નહીં અને તેમની સાથેનો સંબંધ અને તેમના ઘરે જવાનું બન્ને ચાલુ રાખ્યું. ત્યાર પછી થોડા સમયમાં વિચિત્ર દુર્ઘટના બની. ડૉ. દલવાડી નવા જોડા લાવ્યા હશે, જે તેમને માફક ન આવ્યા અને પગે ડંખવા લાગ્યા. ડૉ. દલવાડીએ તેની પર ધ્યાન ન આપ્યું. પણ એ દરદ વકર્યું. એમને સેપ્ટિક થઈ ગયું અને સાવ ટૂંકી બીમારીમાં એમનું અવસાન થયું. પપ્પાએ એ વખતે બેન્ક અધિકારીની હેસિયતથી તેમના વિધવા પત્ની – નાના બાળકને ડૉક્ટરની બચતો સંબંધી કેટલાક હક અપાવ્યા. પરિવારજનોને બિચારાને તો આવા કોઈ હક મળી શકે એની જાણ પણ ક્યાંથી હોય! એમના દલિત હોવા – ન હોવા વિશે મમ્મી-પપ્પા પાસે સ્પષ્ટ સમજણ હશે, મારા માટે તો એ અજાણ્યો શબ્દ હતો – જલદીથી ભુલાઈ જાય તેવો. અને તે ભુલાઈ પણ ગયો.
પપ્પા વધુ એક વાર પ્રમોશન પામીને શહેરમાં આવ્યા એટલે મારે પણ ઠાસરામાં દસમું ધોરણ પાસ કર્યા પછી પાછું અમદાવાદ આવવાનું થયું. 1985ના અનામત આંદોલનને કારણે સામાન્યપણે માર્ચમાં લેવાતી પરીક્ષા ઑગસ્ટમાં લેવાઈ અને મહિના દોઢ મહિનામાં તો રિઝલ્ટ્ પણ આવી ગયું. અગિયારમું ધોરણ અમદાવાદમાં ભણવાનું નક્કી હતું. પરંતુ પપ્પાને બદલી થયા પછી બેન્ક તરફથી મળવા જોઇતા ક્વાર્ટરનું અલૉટ્મેન્ટ થયું નહોતું. નવી શરૂ થતી ટર્મ સાચવી લેવા અગિયારમું ધોરણ મામાના ઘરે બા-દાદાની સાથે રહી મણિનગરની સરદાર પટેલ હાઈસ્કૂલમાં ભણ્યો. થોડો સમય મણિનગરમાં / Maninagar, Ahmedabad રહ્યા પછી છેવટે નારણપુરાના / Naranpura, Ahmedabad ભાસ્કર અપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રહેવા આવી ગયા અને સ્કૂલ પણ બદલી. બેન્કની માલિકીના આ ફ્લેટની મરામત અને સાફસફાઈની જવાબદારી પણ બેન્કની જ હતી.
(*) ‘કચરો આપો’
રહેવા આવ્યો ને બીજી જ સવારે ઘરનો બેલ વાગ્યો – કચરો આપો. રસોડાના એક ખૂણે પડેલી કચરાની ટોપલી લઈ સફાઈ કામદારના હાથમાં આપવા ગયો અને એ ભાઈ લેતાં ખચકાયા. મને કહે, એમ હાથમાં નહીં – નીચે મૂકો, હું લઈ લઉં. તમારાથી મને ના અડકાય. તદ્દન ફિલ્મી ભાષામાં કહું તો આવો ડાયલૉગ્ જિંદગીમાં પહેલી વાર સાંભળ્યો. આ વાક્ય સાંભળ્યું તેની આગલી મિનિટ સુધી મારા દિમાગમાં છૂત – અછૂતનો કોઈ ખ્યાલ કે સમજણ સુદ્ધાં હતી નહીં. સફાઈ કામદારને ના અડકાય તેવી એણે જ પધરાવેલી સમજણ પછી મેં શું કર્યું અને છ વર્ષ સુધી ત્યાં રહ્યો એ દરમિયાન શું કરતો રહ્યો, એ આજે વીસ વર્ષ પછી યાદ નથી.
હા, એટલું યાદ છે કે ગાંધીનગર / Gandhinagar લોકસભા બેઠકના તત્કાલીન સંસદસભ્ય ભા.જ.પના શંકરસિંહ વાઘેલા / Shankarsinh Vaghela ભાસ્કર અપાર્ટમેન્ટના જ એક બ્લોકમાં ફ્લેટ ધરાવતા અને દિલ્હી સંસદમાં / Parliament of India હાજરી આપવા સિવાયનો સમય એ અહીં જ રહેતા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં / Ahmedabad Municipal Corporation ભાજપને પહેલવહેલી વાર સત્તા મળી હતી એટલે તેમના નેતાને સારું લગાડવા માટે થઈને પણ ભાસ્કર અપાર્ટમેન્ટની આઠ બ્લોકની બનેલી કોલોનીમાં મ્યુનિસિપલનો સફાઈ કામદાર દિવસમાં બે વાર આવીને કચરો વાળી જતો હતો. દેવગઢ બારિયામાં જોયો હતો એવો રાજાશાહી ઠાઠ ગણતરીના વર્ષોમાં જ જુદા એવા સત્તાશાહી સ્વરૂપે જોવા મળ્યો.
આ દરમિયાન ફરી એક વાર બદલી થતાં બેન્કનું ક્વાર્ટર છોડી અન્યત્ર રહેવા જવાની ફરજ પડી. પપ્પાએ પોતાનું મકાન ખરીદી લીધું હતું એટલે વસ્ત્રાપુર / Vastrapur, Ahmedabad રામવન અપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા. એ રીતે નારણપુરાના ભાસ્કર અપાર્ટમેન્ટમાં રહેવાનું છૂટી ગયું પણ સફાઈ કામદારને કચરો તેના હાથમાં જ આપવાની ટેવ કહો તો ટેવ આજ સુધી છૂટી નથી – છોડવી પણ નથી. શું કામ છોડવી જોઈએ ?
1992ના અરસામાં વસ્ત્રાપુર રહેવા આવ્યા ત્યારે આ વિસ્તારનો વહીવટ ગ્રામ પંચાયત / Vastrapur Gram Panchayat, Ahmedabad હસ્તક હતો. સફાઈકામની જરૂર ઓછી પડે એવી આછી – પાતળી વસતી હશે. રાબેતા મુજબનું સફાઈકામ તો થાય જ, પણ મરેલા પશુ / Animal – ઢોર – કૂતરાને / Dog ઉપાડવાની કોઈ વ્યવસ્થા ગ્રામ પંચાયત પાસે નહોતી. ગ્રામ પંચાયતે એ કામ માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની મદદ માંગવી પડે અને એ સેવા લેવા માટેના રૂપિયા પણ અગાઉથી જમા કરાવવા પડે. લાંબી વિધિ થાય, જેની લપમાં કોઈ પડે નહીં. એક વાર રામવનના ઇલેક્ટ્રિસિટી મીટર બોક્ષ પાસે જ માદું કૂતરું આવીને મરી ગયું. તેના નિકાલ માટે ઉપર જણાવી એવી ઝંઝટમાં પડવા કોઈ તૈયાર નહીં. એક રસ્તો એવો કે ભાડે મળતી લોડીંગ રીક્ષા / Loading Rikshaw બોલાવીને પશુનો મૃતદેહ સોંપી દેવો. લોડીંગ રીક્ષા મળી ગઈ, પણ એનો ડ્રાઈવર કહે કે મારું કામ માત્ર પશુને લઈ જવાનું છે, કૂતરાને ઉંચકીને રીક્ષામાં મૂકી આપો. ટાટિયામાં કૂતરાને મૂકી ચાર છેડાને ફ્લેટમાં રહેતા જ બે ઉજળિયાત જણોએ પકડી તેને રીક્ષાને હવાલે કર્યો.
આ દિવસો પાછા આવે – જલદીથી આવે એવી મારી હાર્દિક ઈચ્છા છે. એટલા માટે કે ગામ આખું જ્યારે રોજેરોજ ગંદકીને દર મિનિટે-કલાકે સમૃદ્ધ કરવાના કામમાં જોતરાયેલું હોય ત્યારે ગણતરીના થોડાક લોકોને તેમના જન્મના આધારે, નાતજાતના આધારે શા માટે માત્ર આ કામમાં જ જોતરાયેલા રાખવા જોઈએ એવો સવાલ મને રોજ સવારે ખુદનું સ્કૂટર સાફ કરતી વખતે થાય છે. બહુમતી પ્રજા જ્યારે પોતાના વાહનો કે ઘર – વાસણ જાતે જ સાફ કરતી હોય ત્યારે એ જ ઘરનું આંગણું ચોખ્ખું રાખવા માટે કોઈ વિશેષ જાતિભાઈ કે બહેન આપણા ઘર સુધી આવે એવી અપેક્ષા શું કામ રાખવી જોઇએ. કદાચ આવી વિચારસરણીને કારણે જ અપાર્ટમેન્ટ પાસેનો વેરવિખેર કચરાનો ઢગલો જાતે કરી લઉં છું. કચરાગાડી આવે ને લઈ જાય. કૉર્પોરેશનની જુદી – જુદી સેવાઓ મેળવવા માટેના ફોન નંબર દર્શાવતી મ્યુનિસિપલ ડાયરી ઘરમાં હાથવગી હોવા છતાં ગંદકી સંબંધે જાણ કરવા કે સફાઈ કામદારને બોલાવવા એ ફોન નંબરોનો ઉપયોગ કરવા મારું મન રાજી થતું નથી. મને એમ છે કે કચરાગાડી માટે કચરો એકઠો કરી રાખવાનું કામ તો આપણે જાતે કરી શકીએ – કરી લેવું જોઈએ.
દેશના આટલા અનુભવો સામે પરદેશનું ખાનું ખાલી શું કામ રહેવું જોઇએ? નોકરી માટે થઈને ત્રણ વર્ષ દુબઈ / Dubai – અબુધાબી / Abu Dhabi – અલાઈન / Alain (સંયુક્ત આરબ અમીરાત – યુ.એ.ઈ.ના / United Arab Emirates શહેરો) રહેવાનું થયું, જ્યાં કન્સ્ટ્રક્શન કંપનીમાં કોસ્ટ એકાઉન્ટીંગની કામગીરી સાથે સંકળાયેલો રહ્યો. દુબઈ પ્રદેશના ત્રણ વર્ષના વસવાટ દરમિયાન જુદા – જુદા તબક્કે લેબર કેમ્પમાં / Labour Camps રહેવાનું થયું હતું. કન્સ્ટ્રક્શન કંપની સાથે કોન્ટ્રાક્ટથી જોડાયેલા કડિયા – સુથાર – મજૂરોને રહેવા માટે બનાવેલા લેબર કેમ્પના એક ખૂણે ઓફિસના કર્મચારીઓ પણ રહી શકે એવી વ્યવસ્થા હતી. અહીં રહેવાથી ટ્રાન્સપોર્ટેશન અને રોજની જમવાની મારી વ્યવસ્થા કંપનીના રસોડે બહુ ઓછા ખર્ચમાં સચવાઈ જતી હતી. કામ શરૂ કર્યાના થોડા મહિનાઓ વીત્યા પછી ખબર પડી કે છૂત અછૂતના ખ્યાલો ભારતથી અહીં વિઝા / Visa અને ઈમ્પોર્ટ લાઈસન્સની / Import Licence મદદ વગર જ પહોંચી ગયા હતા. દોઢસો ઉપરાંત કારીગરો જ્યાં રહેતા એવા લેબર કેમ્પની સફાઈ માટે સમયાંતરે બે મજૂરો આવે – એક દક્ષિણ ભારતીય હતો તો બીજો પંજાબી. ક્યારેક દિવસો સુધી ન આવે તો કંપનીના ફોરમેન તેમને રોજિંદા કામની જવાબદારીમાંથી મુક્ત કરી સાઈટ પરથી મોકલી આપે.
આ બે જણનાં નામ કંપનીના પગારપત્રક પર બોલતા હતા, પણ એ લેબર કેમ્પમાં અમારી સાથે નહોતા રહેતા, કારણ કે તે દલિત હતા. શરૂઆતમાં જ્યારે મને આ બાબતની ખબર પડી ત્યારે મેં એમ માન્યું કે તેઓ બન્ને કંપનીના જ બીજા કોઈ લેબર કેમ્પમાં રહેતા હશે. થોડા મહિનાઓ પછી ખબર પડી કે ગામની ભાગોળે આવેલો ઇન્ડસ્ટ્રીઅલ એરિયા પૂરો થાય એ પછી ચાર-પાંચ કિલોમીટરે તેમનો લેબર કેમ્પ આવે. દલિતો માટે જ ખાસ બનાવાયેલા આ લેબર કેમ્પમાં અન્ય કંપનીના અને ખાનગી ધોરણે કામ કરતા મજૂરો રહે. ટૂંકમાં દુબઈની દલિત વસાહત / Dalit Colony. કંપનીની ઓફિસ કે સાઈટ ઓફિસના ટોઈલેટ – બાથરૂમ સાફ કરવા માટે તેમને શુક્રવારે ખાસ બોલાવવામાં આવે, જે અઠવાડિક રજાનો દિવસ હતો. કંપનીના નિયમ મુજબ કારીગરો – મજૂરોને બે-ત્રણ વર્ષે એકવાર અપાતી વેકેશન રજાઓ મંજૂર કરતી વખતે ઓફિસ એ બાબતનું ખાસ ધ્યાન રાખે કે કુશળતા ધરાવતો સુથાર – કડિયો રજા પર દેશમાં જાય છે તો તેની અવેજીમાં કામ આપે એવો બીજો કારીગર હાજર છે ને ? આવું જ દલિત વર્ગના મજૂરની બાબતમાં પણ બને. તેની બે-ત્રણ મહિનાની રજા મંજૂર કરતી વખતે ઓફિસવાળા સાઈટ ફોરમેન સાથે એ બાબતની ખાતરી કરી લે કે તેની અવેજીમાં કયો મજૂર ઓફિસના સંડાસ – બાથરૂમ સાફ કરવા આવશે.
ભારત / India – પાકિસ્તાન / Pakistan – બાંગ્લાદેશ / Bangladesh કે શ્રીલંકા / Sri Lanka જેવા દેશોમાંથી કન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવતા કારીગરો – મજૂરો માટે ગ્રૂપ વિઝા મેળવવાની અને તેઓ દુબઈમાં આવતા સાથે તેમના ઈમિગ્રેશન – વર્ક પરમિટ / Immigration – Work Permit સંબંધી કામગીરી ઓફિસના પી.આર.ઓ.એ પાર પાડવાની રહેતી. એ જવાબદારી સંભાળતા કેરાલાના ગોપાલભાઈ વેકેશન રજા પર ગયા ત્યારે એ કામ થોડા સમય માટે મારે ભાગે આવ્યું. એ કામ કરતા બે બાબતો જાણવા મળી. એક તો ગ્રૂપ વિઝા મેળવતી વખતે કંપની દલિત વર્ગમાંથી આવતા મજૂરોના નામ યાદીમાં ખાસ દાખલ કરે અને બીજું તે મહાર અટકધારી મજૂરો મહારાષ્ટ્રના દલિત વર્ગમાંથી આવતા હતા.
(*) જોસેફ મેકવાન : દલિત સાહિત્યના દાદા
ભણતરને બાદ કરતા મારી વ્યવસાયી કારકિર્દીનું જેમના હાથે ઘડતર થયું એ લેખક – પત્રકાર રજનીકુમાર પંડ્યાના / Rajnikumar Pandya સંપર્ક થકી જોસેફ મેકવાનનો / Joseph Macwan પરિચય થયો. કારકિર્દીની પહેલી નોકરી પ્રકાશક આર.આર. શેઠની કંપનીમાં કામ કરતાં જોસેફભાઈની વધુ ઓળખાણ થઈ એ સાથે મોહન પરમારનો / Mohan Parmar પણ પરિચય થયો. બન્ને લેખકોના પ્રકાશક આર.આર. શેઠ / R. R. Sheth & Co. હતા અને દલિત સાહિત્યકાર તરીકેની વ્યાપક ઓળખ ધરાવતા હતા. એ સમયે જોસેફભાઈની વાર્તાઓ-નવલકથા અને કોલમ સાહિત્ય વાંચ્યું હતું, પણ એ દલિત સાહિત્ય’ / Dali Literature કહેવાય એવી કોઈ સમજણ મારામાં ઉગી નહોતી. દલિત શબ્દ સાથે એક કે અનેકાનેક સમસ્યાઓ જોડાયેલી છે એવો પણ કોઈ ખ્યાલ નહીં. દુબઈથી કાયમ માટે પાછો ફર્યો ત્યારે મિત્ર ઉર્વીશ કોઠારી / Urvish Kothari સામયિક-દૈનિકના મુખ્યધારાના પત્રકારત્વની સાથે સાથે નવસર્જનની / Navsarjan Trust કામગીરીમાં જોડાઈ ચૂક્યો હતો. આજ સુધી ચાલી આવતી તેની એ કામગીરી થકી જ મનનો ઉઘાડ થયો કે દલિતોને સમસ્યાઓ પણ હોય. ઉર્વીશ થકી જ જેમના પરિચયમાં આવવાનું થયું તે કર્મશીલ લેખક ચંદુભાઈ (ચંદુ મહેરિયા / Chandu Maheria)ને વાંચતા આ સમસ્યાના મૂળ અને તેના અનામત – આભડછેટથી હરિજન શબ્દ સુધી ફેલાયેલા પાસાંઓની સમજણ મળી. તો નવસર્જનના સૂત્રધાર માર્ટીન મેકવાનની / Martin Macwan અનુભવકથાઓ વાંચીને એ માન્યતા દ્રઢ થઈ કે નાતજાતના નામે દલિતોની થતી રંજાડ – હેરાનગતિનો તો જોટો જડે એમ નથી.
આવી ચોખ્ખી ચણક કચરા ગાડી ભારતમાં ક્યારે જોવા મળશે?
દલિત સમસ્યાઓના તોટો નથી તેમ તેના ઉકેલ માટે થોડો જોગ થાય એ પણ પાલવે તેમ નથી. આઝાદીના સાડા છ દાયકા પછી તો તેના માટે જથ્થાબંધ જોગ થવો ખપે. દલિતોના મતમાં સૌને રસ છે, પણ તેમની સમસ્યાઓના ઉકેલની કોઈને પડી નથી. શહેરી અને શિક્ષિત કહેવાતા મોટા ભાગના લોકો તો માને છે કે દલિત સમસ્યાઓ તો ક્યારની પૂરી થઈ ગઈ છે. એમની સાથે જરા વધુ વાત કરીએ તો એ કહેશે, પહેલાં એમને કહો ને કે એમના અંદરોઅંદરના ભેદ દૂર કરે ? વાત તો સાચી છે. સૂચન ખરેખર વાજબી છે. પણ આવું કહેતાં પહેલાં એ વિચારી લઈએ કે આમ કહેવાની આપણી લાયકાત છે ખરી ? માનવભક્ષી વાઘ અન્ય પશુઓને માંસાહારના ગેરફાયદા ગણાવીને ફક્ત દૂધ પર જીવવાની સલાહ આપે ત્યારે હસવું કે રડવું ?
(નોંધ: કર્મશીલ લેખક – પત્રકાર ચંદુ મહેરિયાના સંપાદન હેઠળ પ્રકાશિત થતા પાક્ષિક દલિત અધિકારના 20 જાન્યુઆરી 2012ના અંકમાં ઉપરોક્ત લેખ પ્રકટ થયો હતો. વર્ષ: 7, અંક: 12, સળંગ અંક: 156)
(* નિશાની વાળી તસવીરો : બિનીત મોદી, એ સિવાયની તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)