પાયખાનું પખાળવા પંદરસો કિલોમીટરનો પ્રવાસ

નોકરી – ધંધો કેમ ચાલે છે?’ એવું કોઈપણને પૂછી શકાય પણ નોકરી કેમ કરો છો?’ એવું કોઈને પૂછી શકાતું નથી. એવી પૂછપરછ કરવામાં અનેક પ્રકારની મર્યાદાઓ આડી આવે. એને વળોટીને – નેવે મૂકીને પૂછીએ તો તળપદી ભાષામાં જવાબ મળે કે પાપી પેટને ખાતર!…અને સુધરેલી ભાષામાં જવાબ મળે કે દાળ-રોટી ભેગા થવા.

હવે આ પાપી પેટ કે દાળ-રોટીનો સમૂળગો છેદ જ ઉડી જાય તેવી કોઈ નોકરી (?) હોય ખરી? ના જ હોય ને. તમારી ધારણા સાચી છે પણ મને હમણાં આ પ્રકારની નોકરી / Job જોવા મળી. ભારતીય રેલવેના / Indian Railway / http://www.indianrail.gov.in/ ડબ્બામાં. લાંબા – ટૂંકા અંતરની રોજની હજારો ટ્રેનો દેશમાં દોડે છે. એમાં આ પ્રકારની વિશિષ્ટ નોકરી જોવી હોય તો લાંબા અંતરની ટ્રેનની મુસાફરી કરવી પડે. મેં કરી. આમ તો એ મુસાફરી કશ્મીર – શ્રીનગરનું ‘કુદરતી સૌંદર્ય’ જોવા માટે કરી હતી પરંતુ યાત્રા દરમિયાન કુદરતી હાજતે જતાં અનાયાસ આ ઉપર વર્ણવી એવી નોકરી પણ જોવા મળી.

કેવી છે એ નોકરી? અને ક્યાં જોવા મળે? અમદાવાદથી જમ્મુ લઈ જતી મેઈલ-એક્સપ્રેસ ટ્રેનમાં આવી નોકરી કરનારા યુવાનો જોવા મળે. સોળ-સત્તર ડબ્બાની ટ્રેનમાં તેમની એક માત્ર કામગીરી તે પાયખાના (જાજરૂ – સંડાસ / Toilets) સાફ કરવાની. જમ્મુથી બપોરના સમયે અમદાવાદ / Ahmedabad પરત ફરતી ટ્રેન થોડા કલાકોના વિરામ બાદ રાત્રે કાં તો વેરાવળ / Veraval, Gujarat જવા ઉપડે અથવા જામનગર / Jamnagar, Gujarat પાસેના હાપા / Hapa, Jamnagar, Gujarat ગામે સીધેસીધી પહોંચે. એટલે એ નક્કી કે આ યુવાનો મોટે ભાગે સૌરાષ્ટ્રના હોય, વેરાવળ કે હાપા-જામનગરની આસપાસના ગામના પણ હોય. વેરાવળથી રાત્રે ઉપડીને બીજા દિવસની વહેલી સવારે અમદાવાદ આવતી ટ્રેનમાં બેસીને આવતા આ યુવાનો જમ્મુની / Jammu, Jammu & Kashmir State ખેપ મારીને ઘરે પાછા ફરે ત્યારે છઠ્ઠા દિવસની સવાર હોય. ચાર રાત ટ્રેનમાં અને એક રાત જમ્મુ સ્ટેશન યાર્ડમાં ગુજારતા આ યુવાનોને કામના કલાકોની ગણતરીએ પાંચ દિવસના પાંચસો લેખે મહિનાનો 2,500/- રૂપિયા પગાર / Salary મળે. બહુ તાણી-તૂસીને કામ કરે તો મહિનાના ત્રણ હજાર મળે ખરા પરંતુ શરીર એ માટે સાથ આપે તેવું રહ્યું જ ન હોય. કેમ કે આ યુવાનોને નોકરીએ રાખનાર રેલવે કોન્ટ્રાક્ટર તેમને પગાર આપે પણ જમવાની સવલતના નામે ફદિયું પણ ના પરખાવે. એટલે આ છોકરાઓ પાંચ – છ દિવસ-રાત વચ્ચે ઝોલાં ખાતી નોકરીના દિવસોનો ગુજારો ઘરેથી લાવેલા એકાદ દિવસના રોટલા-શાક કે પછી સેવ-મમરા અને બિસ્કીટ / Biscuits ખાઈને કરે. ટ્રેનના કેટરીંગ કોન્ટ્રાક્ટરના વેઇટર્સ નજર સામે ગરમા-ગરમ નાસ્તાના પેકેટ લઈને ફરતા હોય પરંતુ તેના ભાવ તેમની પહોંચ બહારના હોય. ભલે કોન્ટ્રાક્ટ હેઠળ હોય પરંતુ રેલવેની જ સેવા કરતા તેમના માટે રાહત દરના ભોજનની પણ કોઈ વ્યવસ્થા નહીં?

તેનું પરિણામ શું આવે? એ જ કે આ યુવાનો પૂરો મહિનો તો આ કામ કરી જ ન શકે. એવી શક્તિ જ ન રહી હોય. અને એમ ન થાય એટલે પૂરો પગાર પણ ના મળે. ઘરેથી નીકળ્યા પછી પાછા પહોંચતાં સુધીના આઠ ટંક માત્રને માત્ર સેવ-મમરા-બિસ્કીટના સહારે ગુજારવાના કારણે તેમના યુવાન શરીર વૃદ્ધત્વની ચાડી ખાતા દેખાય. તબીબી ભાષામાં જેમને ‘અન્ડરવેઇટ’ / Underweight કહી શકાય એ તો તેમનામાં દેખાતું સામાન્ય લક્ષણ.

પાંચ દિવસની પંદરસો કિલોમીટરની તેમની આ ‘યાત્રા’ દરમિયાનની કામગીરી શું હોય છે? સૌથી મોટી કામગીરી તે સોળે-સોળ ડબ્બાના સંડાસ / Toilet સાફ કરવાની. એ કામ તો તેઓ ‘નિયત’ ધોરણે કરતા જ હોય પરંતુ તેને વધુ ‘જવાબદાર’ બનાવવા ડબ્બે – ડબ્બે તેમના અને સુપરવાઇઝરના નામ સહિતના મોબાઇલ નંબર લખેલા કાગળો ચોંટાડ્યા હોય. મુસાફરી કરતા નાના બાળક સાથેના મમ્મી – પપ્પા હોય કે રાહત દરની મુસાફરી કરતા સિનિયર સિટીઝન, સંડાસ સહેજ ગંદુ દેખાય એટલે પહેલું કામ ફોન કરવાનું કરે. ફરજ પરના આ યુવાનોમાંથી કોઈ એક સંડાસ તો સાફ કરી જ જાય પણ બીજી તરફ તેના મોબાઇલનું બેલેન્સ પણ ‘સાફ’ થવા માંડ્યું હોય. આને નોકરી કહેવી, વેઠ કહેવી કે કરમની કઠણાઈ એ નક્કી જ ન થઈ શકે. કેમ કે ટ્રેન જેવી ગુજરાતની સરહદ પાર કરે કે મોબાઇલમાં રોમિંગ ચાર્જિસ / Mobile Roaming Charges કપાવાના શરૂ થઈ જાય. એનું કોઈ વધારાનું એલાઉન્સ / Allowance (પગાર ઉપરાંતનું ભથ્થું) મળે કે? એવા મારા સવાલના જબાવમાં સામો સવાલ આવ્યો કે ‘એટલે શું?

આ પાયખાના સાફ કરવાની મજૂરી કરવા સામે તેમને કોઈ સવલત મળે છે ખરી? હા, રાત્રે ઊંઘવાની સગવડ મળે છે. તેમના માટે એક ડબ્બામાં રિઝર્વડ્ બર્થ / Reserved Berth હોય છે. પણ એમ સુખેથી સુવા દે તો એ વેઠ શેની? સાફ-સફાઈના સાધનો તેમજ માલસામાનની સાથે તેમનાં પોતાના કપડાંલત્તાં મુકવા માટે એક સંદૂક કોન્ટ્રાક્ટરે આપી હોય. રાત્રે ટ્રેનમાં ફરતા લોકો કે રિઝર્વડ્ ડબ્બામાં ચઢતા સામાન્ય મુસાફરો એ માલસામાન ચોરી / Theft ન જાય તે માટે આ પાંચ યુવાનો તેની ચોકી કરવા માટે વારાફરતી જાગતા રહે. આમ કિલોમીટર કપાતા જાય.

મને એમ થાય છે કે ચાલતી ટ્રેઈને ગંદા થતા આ સંડાસને સાફ રાખવા તે એટલું અગત્યનું કામ છે કે તેના માટે આ યુવાનોને ઘરેથી દૂર ભૂખ્યા રહીને ઉજાગરો કરવો પડે. પંદરસો – સત્તરસો કિલોમીટરનો પ્રવાસ ખેડતી ટ્રેન રસ્તામાં નાના – મોટા પચાસ સ્ટેશનોએ ઊભી રહે છે. એમાંના કેટલાક સ્ટેશનોએ તો તે વીસ મિનિટથી લઈને અડધો કલાક સુધી થોભતી (વિરામ / હૉલ્ટ / Halt) હોય છે. ગંદા થતા પાયખાનાને સાફ કરવા માટે જે તે સ્ટેશનોએ સ્થાનિક ધોરણે કોઈ વ્યવસ્થા ન થઈ શકે?

(*) બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર : સદાકાળ સેવ મમરા 
વેરાવળ અને તેની આસપાસના ગામોના આ યુવાનો (પ્રફુલ, મિતેષ,ધર્મેન્દ્ર, રાજુ અને પરસોત્તમ) સમાજના દલિતવર્ગમાંથી / Dalit આવે છે તેવી સ્પષ્ટતા કરું કે ન કરું? ચાલશે? ના…ના…નહીં જ ચાલે. સ્પષ્ટતા નહીં કરું તો તેમની જિંદગી આમ જ ટ્રેન પર ચાલતી…માફ કરજો…દોડતી રહેશે…દાયકાઓ સુધી.
(નોંધ: કર્મશીલ લેખક – પત્રકાર ચંદુ મહેરિયાના સંપાદન હેઠળ પ્રકાશિત થતા પાક્ષિક દલિત અધિકારના 1 જૂન 2013ના અંકમાં ઉપરોક્ત લેખ પ્રકટ થયો હતો. વર્ષ: 8, અંક: 21, સળંગ અંક: 189)

(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)