પગાર ત્રણસો રૂપરડી, પાટુ પડ્યું રૂપિયા ત્રણ લાખનું

ચલણી નાણાંના મૂલ્ય સંદર્ભે આંતરરાષ્ટ્રીય ધોરણે સ્વીકારાયેલા અમેરિકન ડૉલર / US Dollar સામે ભારતીય રૂપિયાનું / Indian Rupee સતત ધોવાણ થઈ રહ્યું છે એવા સમાચારોથી ગત જૂન મહિનો છવાયેલો રહ્યો. રૂપિયાના મૂલ્યમાં થતું ધોવાણ આડકતરી રીતે તો સૌ કોઈને લાગુ પડે છે પણ બહુમતી નાગરિકોને સીધેસીધી તેની સાથે કોઈ લેવાદેવા હોતી નથી.

હવે જેવા છે તેવા આ રૂપિયા જેના ખિસ્સામાં પડ્યા છે તેમના મૂલ્યોમાં કેવું અને કેટલું ધોવાણ થઈ રહ્યું છે તે આગળ વાંચતા થોડું ઘણું સમજાય એવું છે. રૂપિયાથી છલકાતા દરેક ખિસ્સાધારકને એક લાકડીએ હંકારી શકાતા નથી. એમ કરવું વાજબી પણ નથી. તોય એવું લાગે છે કે આ રીતે એકાદ શાબ્દિક ડફણું તો ફટકારવું જ રહ્યું.
જયંતિભાઈ હરિજન : સફાઈ કામદારની જિંદગી સાફ
ફોટામાં દેખાય છે તે ભાઈ નામે જયંતિભાઈ હરિજન / Jayantibhai Harijan સફાઈકામદાર / Sweeper છે. સાઇઠ વર્ષના છે એટલે આમ તો નિવૃત્ત સફાઈકામદાર એ રીતે ઉલ્લેખ કરવો જોઇએ. પરંતુ કોઈ-કોઈના સંજોગ, મોટે ભાગે ઘરની આર્થિક પરિસ્થિતિ એવી હોય કે નિવૃત્તિ એમ ઝટ નસીબ ના થાય. આમનું પણ એમ જ. નડિયાદ / Nadiad તાલુકાના પલાણા / Palana ગામે રહેતા જયંતિભાઈ પંચાયતની નોકરીમાં હતા ત્યારે ગામના શેરી – ફળિયાની સાફસફાઈ કરતા. નિવૃત્તિ પછી ગામની ભાગોળે આવેલી યુરોપ સોસાયટીમાં પણ એ જ કામ સ્વીકાર્યું. પગાર મહિને રૂપિયા બે હજાર. સોસાયટી બીનનિવાસી ભારતીયો તરીકે ઓળખાતા એનઆરઆઈ / Non Resident Indian પટેલ નાગરિકોથી ભરી-ભાદરી. આ બે હજારના પગારની તેમને મન મોટી વિસાત ન હોય. પરદેશ જેવી ચોખ્ખાઈ અહીં ઘરઆંગણે મળતી હોય તો એમ જ સમજોને કે રોજનો એક રૂપિયો…સોરી…એક ડૉલર થયો. રૂપિયાનું ધોવાણ જ એવું કરી મૂક્યું છે કે એક ડૉલરમાં આખી સોસાયટીની ગંદકી ધોવાઈ જાય – ધોવાતી રહે.

જયંતિભાઈ અગાઉ નોકરીમાં હતા ત્યારે પલાણા ગામની સંચાવાળી ખડકીમાં સાફસફાઈની જવાબદારી સંભાળતા હતા. આજે એ જગ્યા તેમના કામની જવાબદારીમાં નથી આવતી. તો ય એક સદગૃહસ્થ નામે જતીનભાઈ પટેલના / Jatin Patel કહેવાથી તેમણે તેમની હદમાં ના આવતી હોય તે જગ્યાની સફાઈ કરવાનું પણ સ્વીકાર્યું. પગાર નક્કી થયો મહિને રૂપિયા ત્રણસો. કામ શરૂ. મજેથી જ ચાલતું હશે એમ માની લઇએ. થોડો સમય વીત્યો તે કામ સોંપનાર જતીનભાઈને પરદેશ જવાનું થયું. તેમણે જયંતિભાઈને સૂચના આપી કે હવે તમે ખડકીની જગ્યામાં સફાઈકામ ના કરશો. કેમ કે મહિનો થાય ને પગાર ચૂકવવાની તેમણે વહોરેલી સ્વૈચ્છિક જવાબદારી તેઓ અન્ય કોઈને ભળાવી શકે તેમ નહોતા.

ચાલો…જે થયું તે ઠીક જ થયું…આ ક્યાં કાયમી નોકરી હતી…’ એવું ઠાલું આશ્વાસન શહેરમાં રહીને લેવું હોય તો લઈ શકાય,પલાણા જેવા ગામમાં નહીં. વૈકલ્પિક કશું કામ મળી આવે અને બીજે દિવસથી પગાર ચાલુ થઈ જાય એવા વિકલ્પો નાના ગામમાં આમેય ઓછા હોય. જયંતિભાઈ માટે તો આ એક આર્થિક ફટકો જ હતો. અને બીજો એક મોટો ફટકો પડવાની તૈયારીમાં હતો.

23મી જૂન…રવિવારની સવાર રોજ જેવી જ ઉગી હતી. પણ જયંતિભાઈ માટે જુદી હતી. ખડકીમાં સફાઈકામ નથી થતું એવું જેના ધ્યાન પર આવ્યું તે રહેવાસી નામે રાકેશ પટેલે / Rakesh Patel જયંતિભાઈ સાથે ડાયલૉગની શરૂઆત કરી જે ‘હવે પગાર નથી મળતો’ એવું કહેતાની સાથે બીજી મિનિટે ગાળાગાળીમાં ફેરવાઈ ગયો. સત્તાવાર ફરિયાદમાં પણ જે શબ્દોનો લેખિત ઉલ્લેખ કરવાનું પ્રતિબંધિત છે કે ટાળવામાં આવે છે એવા જાતિવિષયક શબ્દો જાહેરમાં બોલાયા. ‘વાત આટલેથી પતી હોત તો ઠીક હતું’ એ તો મારું – તમારું – આપણું વિશફૂલ થિંકિંગ છે. એમ થવું જરૂરી થોડું છે. શાબ્દિક માર પછી રાકેશ પટેલે ગડદાપાટુનો માર શરૂ કર્યો. જયંતિભાઈ હરિજનને એવી તો લાતો મારી કે થાપાનો બૉલ સાંધામાંથી છૂટો પડી ગયો. આટલું વાંચીને કમકમા છૂટ્યા હોય તો થોડો પોરો ખાવ અને આગળ વાંચો.

‘મારામારી’ તો કહેવાય જ નહીં કેમ કે એ તો બન્ને પક્ષે સામસામી થયેલી હોય. આને તો ‘અત્યાચાર’ / Outrage જ કહેવો પડે. માર ખાઈને કણસતા જયંતિભાઈને ગામનો રિક્ષાવાળો ઇમ્તિયાઝ પઠાણ / Imtiyaz Pathan ઘરે મુકી ગયો અને ઘરવાળાએ તેમને નડિયાદ હૉસ્પિટલ ભેગા કર્યા. ડૉક્ટરે ઑપરેશન કરીને થાપાનો સાંધો – બૉલ બેસાડ્યો. ખાનગી હૉસ્પિટલમાં થયેલી સારવાર છ આંકડામાં પડી અને તે આંકડા આગળ ફરતા રહેવાના એવી જરૂરી નથી તેવી સ્પષ્ટતા કરવાનું મને આવશ્યક લાગે છે. સફાઈકામદાર ભાઈ જયંતિભાઈ હરિજન સમાજના કયા વર્ગમાંથી આવે છે તે લખવાની અહીં ભાગ્યે જ જરૂર છે.

હા…શાહ – પરીખ, દેસાઈ – દરબાર, મહેતા – મોદી કે પંડ્યા – પટેલ પરિવારના લોકો સાફસફાઈના આ કામમાં જોડાય અને પછી પણ અત્યાચાર / Outrage ચાલુ રહે તો પછી લખવું પડશે કે અત્યાચારનો ભોગ બનનાર સમાજના દલિતવર્ગમાંથી આવે છે કે શાહુકાર – પાટીદાર વર્ગમાંથી…?

ગુજરાતના જાહેર માધ્યમો જેને ‘પટેલ પાવર’ / Patel Power કહીને બહુ પોરસાવે છે – પાનો ચઢાવે છે – પોંખે પણ છે તે પટેલ પાવર આવો હોય? ભલે તે એકલ-દોકલ અને છૂટક હોય તો ય સમાજે તેની સામે ‘રેડ કાર્ડ’ / Red Card બતાવવું જરૂરી છે…જો ‘ગ્રીન કાર્ડ’ની / Green Card ચર્ચામાંથી સમય મળે તો. બાકી અત્યારે તો આ અત્યાચારની એન્ટ્રી ખેડા જિલ્લાના વસો / Vaso પોલીસ સ્ટેશનમાં પડી ગઈ છે. અને હા, ખાટલામાં પડેલા જયંતિભાઈ છ મહિના સુધી ઊભા થાય તેમ નથી. ઊભા થયા પછી કામ કરી શકે એવી શક્યતા નહિવત્ છે એટલે ખોટની ખતવણી બહુ લાંબી ચાલવાની છે એ નક્કી. ઘટના અને ફરિયાદ નોંધાયાના સાતમા દિવસે એફઆઈઆરમાં / FIR – First Information Report નોંધાયેલા તહોમતદારની ધરપકડ કરવા તપાસકર્તા પોલીસ અધિકારીને ફોન કરીને હુકમ આપતી વખતે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ / Makrand Chauhan ‘હું ય દલિત છું’ એમ કહી પોતાની ઓળખાણમાં ઉમેરો કરતા હોય ત્યારે આ ઘટનાની તપાસ લાંબી નહીં ચાલે અને ગુનેગારને જલદીથી સજા થશે એટલું આશ્વાસન લઈ શકાય એટલો આશાવાદ પ્રગટાવવો ખોટો નહીં.
(તસવીર
: બિનીત મોદી)