સુરેન્દ્ર સાકરલાલ મોદી : વિદેશમાં વિદાય પામનારા પહેલા પરિવારજન

સુરેન્દ્ર સાકરલાલ મોદી / Surendra Sakerlal Mody

03-12-1927થી 26-07-2013

અમેરિકામાં બે દીકરીઓ અને બે પુત્રોના હર્યા-ભર્યા પરિવાર સાથે બે દાયકાથી વસવાટ કરતા સુરેન્દ્રકાકાનું મિશિગન સ્ટેટના લાન્સિંગ શહેરમાં શુક્રવાર 26 જુલાઈ 2013ની નમતી બપોરે 86 વર્ષની વયે અવસાન થયું. 3 ડિસેમ્બર 1927ના રોજ ગોધરા (પંચમહાલ જિલ્લો)માં જન્મેલા તેઓ છ ભાઈઓમાં સૌથી મોટા અને પાંચ બહેનો સાથેના પરિવારમાં ત્રીજા નંબરે હતા. ઉર્મિલાકાકી સાથેનું તેમનું લગ્નજીવન છ દાયકા ઉપરાંતના સમયગાળાનું રહ્યું તેવું ગણતરી કર્યા વગર બહુ સહેલાઇથી કહી શકાય.
તેમના વિશે લખતાં આ ‘દાયકો’ શબ્દ વિશેષ મહત્વનો છે. કેમકે પંચમહાલ જિલ્લાના / Panchmahal District પ્રથમ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ / Chartered Accountant તરીકે જેમની ઓળખ બહુ ગૌરવપૂર્વક અપાતી હતી તે સુરેન્દ્ર સાકરલાલ મોદીની / Surendra Sakerlal Mody ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકેની કારકિર્દી પાંચ દાયકા ઉપરાંતના વર્ષો સુધી વિસ્તરેલી હતી. પિતરાઈ ભાઈ હોવા સાથે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પદવી ધરાવતા હસમુખ ઓચ્છવલાલ મોદી સાથે મળીને ગોધરામાં / Godhra સ્થાપેલી ‘મોદી એન્ડ મોદી કંપની’ની / Mody & Mody Co. – Chartered Accountants કામગીરી પણ એ રીતે પાંચ દાયકા સુધી વિસ્તરેલી અને એમ ગણતા તે લાંબામાં લાંબા સમયગાળા માટે ચાલેલી ભાગીદારી પેઢી ગણાતી હતી.
સુરેન્દ્રકાકા મારા પિતા (સ્વર્ગસ્થ પ્રફુલ મોદી / Late Praful Modi)ના માસીયાઈ ભાઈ અને એ રીતે મારા કાકા થતા હતા. અમેરિકાને કાયમી ઘર બનાવ્યું તે પહેલાં વતન ગોધરામાં જ રહેતા હતા. મારા ખુદના બા-દાદા ગઈ સદીમાં એંસીના દાયકાના પ્રારંભે અવસાન પામ્યા પછી પાલીમાસી – સાકરમાસાનું (સુરેન્દ્રકાકાના માતા-પિતા) ઘર જ જાણે અમારું ઘર હતું. એકવાર મેં તેમને પૂછ્યું હતું કે…
આ તમારા બંગલાની બહાર પાર્વતી નામની પ્લેટ કેમ લગાવી છે?
અલ્યા…એ મારી બાનું નામ છે.
એમનું નામ તો પાલીમાસી છે.
એ તો આપણે બધા એને લાડમાં કહીએ છીએ. બાકી સાચું નામ તે પાર્વતી…પાર્વતી સાકરલાલ મોદી / Parvati Sakerlal Mody.

‘પાર્વતી’ બંગલો જ્યાં બંધાતો એ જગ્યાએ એ સમયગાળામાં આવી પહોંચેલા કોઈ આગંતુકનો બાંધકામની દેખરેખ રાખતા સાકરમાસા / Sakerlal Maganlal Mody સાથે થયેલો આ ડાયલૉગ પણ માણવા જેવો છે…
કાકા…હવે તમારી ઉંમર થઈ છે. શીદને અહીં આવો છો. કામ તો એની રીતે થતું જ રહેશે અને બંગલો ય બંધાશે.
અરે તમે લોકો ધાર્યું કામ ન કરો તો રૂપિયા તો સુરેન્દ્રના ઓછા થાય ને? હું એનો બાપ છું તે એટલું ય ધ્યાન ના રાખી શકું?”…“હું આવીશ પણ ખરો અને માથે ઊભો રહીને તમારી પાસેથી કામ પણ લઈશ.
મારા પપ્પા બૅન્કમાં કામ કરતા હતા. ગામે-ગામ બદલી થાય. સુરેન્દ્રકાકાની કાયમી સૂચના રહેતી કે ‘પ્રફુલ, દિવાળી કરવા તો તારે ગોધરા જ આવી જવાનું. ઘર ખુલ્લું જ છે.’ ખરેખર જ, માત્ર શબ્દાર્થમાં જ નહીં…યથાર્થપણે તેમનું ઘર ખુલ્લું જ રહેતું…સદાયને માટે…કોઈ પણને માટે. મને યાદ જ નથી આવતું કે અમે તેમને કદી ઘરના ડ્રોઇંગરૂમમાં મળ્યા હોઇએ. કારણ કે એ પોતે જ ડાઇનીંગ ટેબલ પર બેઠા હોય. સંતાનો પાસે જઈ કાયમી ધોરણે અમેરિકામાં રહેવાનું સ્વીકાર્યું તેના છેલ્લા વર્ષોમાં તો એવું થતું કે ઘરમાં તેઓ અને ઉર્મિલાકાકી / Urmila Surendra Mody બે જ વ્યક્તિ હોય…પણ જમવાની થાળી છ જણની પીરસાતી હોય.
પપ્પા અને સુરેન્દ્રકાકા મળે એટલે એક ઉઘરાણી અવશ્ય થાય. નવી ચલણી નોટોની / Fresh Currency Notes. બૅન્કમાં કામ કરતા ભાઈ પાસેથી નવી નોટો મળે એ તેમની સહજ અપેક્ષા. પપ્પા નોકરીમાં રહ્યા ત્યાં સુધી નવી નોટોની સપ્લાય લાઇન ચાલુ રહી. બે રૂપિયાની નવી નોટના બંડલથી શરૂ થયેલો એ ક્રમ દસ રૂપિયાની નોટના બંડલ સુધી ચાલ્યો. ઉંમરમાં ઘણા નાના એવા મને તેમની અને પપ્પાની વચ્ચે થયેલો એક ડાયલૉગ બરાબર યાદ છે. પપ્પાએ પૂછ્યું હતું…
સુરેન્દ્રભાઈ…આ નવી નોટોનું તમે કરો છો શું? કહો તો ખરા.
પ્રફુલકાકા…આ પાલીબા છે ને તે રિક્ષામાં રોજ મંદિરે જાય. ભાડું આપવા અને છૂટાની માથાકૂટ ટાળવા આ બે રૂપિયાનું બંડલ તેને આપી રાખું. રોજ આવતાં-જતાં તે બે નોટ વાપરે. દાન-ધરમેય કરે. ખૂટે એટલે મને કહે તે પાછું હું નવું બંડલ આપું અને તારી પાસે નવેસરથી ઉઘરાણી ચાલુ રાખું. હા, સાકરમાસા સાથે પિતરાઈ ભાઈના એક સગપણે સુરેન્દ્રકાકા પપ્પાને ક્યારેક ‘પ્રફુલકાકા’ કહેતા અને ઉર્મિલાકાકી ‘સુધાકાકી’ એમ કહીને એમાં સાથ પુરાવતા. એ વખતે રિક્ષાનું મિનિમમ ભાડું બે રૂપિયા હતું. પાંચ રૂપિયા થયું તો પાંચના બંડલની આપ-લે તેમની વચ્ચે થવા માંડી.
જો કે પછીથી આ કડાકૂટનો ય અંત લાવવા તેમણે પાલીબાને રિક્ષા જ બાંધી આપી હતી. મહિનો થાય ને રૂપિયા ચૂકવી આપવાના. અહીં સુધી વાંચનારને અને સુરેન્દ્રકાકાને અંગત ધોરણે નહીં ઓળખનારને સહજ પ્રશ્ન થાય કે…‘ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે ધીખતી પ્રૅક્ટિસ ધરાવતા તેમની પાસે ઘરની ગાડી નહોતી?’ પ્રશ્ન થવો વાજબી છે અને એનો જવાબ પણ એવો વાજબી જ છે કે…‘ના.’ તેમની એવી દલીલ રહેતી કે…તો પછી ગામનો ભાડાની ગાડીવાળો ક્યારે કમાશે? વરસના વચલે દહાડે ગામની બહાર નીકળવું હોય એના માટે ગાડી / Car વસાવવાની શું જરૂર છે? આજે 2013માં પાંચ-સાત-પંદર હજારના પગારદારોને પણ ઘરના સ્કૂટર-ગાડી લઇને હડિયાપાટી કરતા – પેટ્રોલના ધૂમાડા છોડતા જોઉં છું ત્યારે મને કારકિર્દીનો સૂર્ય સોળે કળાએ ખીલ્યો હોવા છતાં ગોધરા ગામમાં સુવેગા મોપેડ / Suvega Moped પર ઘરેથી ઑફિસે જતા સુરેન્દ્રકાકા અચૂક યાદ આવે છે. મને લાગે છે આ તેમનું વિઝડમ હતું – ડહાપણ હતું.
તેમની સાથેનો એક પ્રસંગ મારાથી ભૂલાતો નથી તે આ. પાસપોર્ટ / Pass Port માટે જન્મનો દાખલો / Birth Certificate નવેસરથી મેળવવા હું ગોધરા ગયો હતો. પપ્પાએ તેમનું આવકવેરાનું રિફન્ડ ઑર્ડર / Income Tax Refund Order લાવવાનું કામ પણ સોંપ્યું હતું. એ માટે સુરેન્દ્રકાકાને ઑફિસે ફોન કર્યો. મને કહે…‘આવકવેરા કમિશનર / Income Tax Commissioner નવા આવ્યા છે તે મને રિફન્ડ ઑર્ડર આપતા નથી. તું પ્રફુલનો દીકરો છું એવી કોઈ સાબિતી સાથે હોય તો એ લઇને મારી ઑફિસે કે સીધો આવકવેરા ખાતાની ઑફિસે આવી જા. ત્યાં જ મળીશું.’ જન્મનો દાખલો મારી પાસે હતો જ તે હું પહોંચી ગયો. રિફન્ડ ઑર્ડર અપાવ્યા પછી કમિશનરની સાથે જ એ તેમની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા. સુરેન્દ્રકાકાના ઑફિસ ક્લાર્કને જાણતા કમિશનરે તેનાથી બમણી ઉંમરના કાકાને કારના દરવાજા સુધી પોતાની ઑફિસબેગ લઈ લેવા ઇશારો કર્યો. ગુસ્સે થયા વગર જ તેમણે કમિશનરને સુણાવ્યું કે…મારા ઑફિસ ક્લાર્કને મેં આજ દિન સુધી હાથમાં ફાઇલ પણ પકડાવી નથી. મારા વડીલ છે એ તો જાણે સમજ્યા પણ તમારા માટે તો એ બાપની ઉંમરના છે. મને લાગે છે એમ નહીં…આ જ એમની ખુમારી હતી.
કન્સીલ્ડ ઇલેક્ટ્રિક વાયરિંગ સૌ પ્રથમ તેમના નવા બંધાયેલા બંગલામાં જોયું હતું અને ત્યારે એ નવી નવાઈનું લાગ્યું હતું એ મારે કબૂલવું જોઇએ. એમ તો મારે એક પણ સગી બહેન નથી. પણ ભાઈ તરીકે મારે કોઈ સક્રિય ભૂમિકા ભજવવાની થાય એવો પહેલો અવસર તેમણે જ મને આપ્યો હતો. દેવગઢ બારિયા / Devgadh Baria રહેતા ત્યારે ભાઈ-બહેનોમાં સૌથી મોટા મીનાબહેનનું / Meena Surendra Mody સગપણ બારિયાના રાજેશભાઈ ધારિયા / Rajesh Dharia સાથે કરવાનું નક્કી થયું. તેમના સગા ભાઈઓ મીનેષભાઈ / Minesh Surendra Mody કે પથિક / Pathik Surendra Mody વડોદરા ભણતા હોવાના કારણે કે અન્ય કારણોસર દેવગઢ બારિયા પહોંચી શકે તેમ ન હતા. વિવાહ પ્રસંગે ભાઈ તરીકે જે કંઈ વિધિ – વિધાન કે જવાબદારી નિભાવવાની હોય તે મારા ભાગે આવી એ અવસર મારા માટે ભૂલ્યો ભૂલાય નહીં તેવો છે. બીજા દીકરી પીનાબહેન / Pina Surendra Mody ઘરનું સુશોભન સારી રીતે કરતા એ જોયાનું યાદ છે. વ્યવસાયે ડૉક્ટર એવા દિનેશભાઈને / Dr. Dinesh Shah પરણેલા પીનાબહેન તેમની મદદથી જ સુરેન્દ્રકાકાના સ્વાસ્થ્યની છેવટ સુધી કાળજી રાખવાને સક્ષમ બન્યા એમ કહું – લખું તો ખોટું નહીં.

આયુષ્યના છેલ્લા વર્ષોમાં પાર્કિન્સન્સથી / Parkinson’s પીડાતા સુરેન્દ્રકાકા સ્પષ્ટપણે બોલી શકતા નહોતા. ગયા વર્ષે પપ્પાના અવસાન પછી મમ્મી (સુધા પ્રફુલ મોદી / Sudha Praful Modi) અને મારી સાથે વાત કરવાની જીદે જ પરિવારજનોએ તેમના હાથમાં ફોન આપવો પડ્યો. ઉંમરમાં પોતાનાથી કંઈક નાનો ભાઈ ચાલ્યો ગયો અને પોતે પીડાઓ વેઠીને જીવી રહ્યા છે એવી ત્રૂટક શબ્દોમાં બોલાયેલી લાગણી સાથે ખૂબ રડ્યા. તેમનું રૂદન શમે એ પહેલાં તેમના માટે આંસુ સારવાનો વખત આવી પહોંચ્યો એ બહુ કઠે તેવું છે. વરસોના પસાર થવા સાથે વતન ગોધરામાં જવાના કારણો – પ્રસંગો સાવ જ ઘટી ગયા છે. એટલું નક્કી કે ‘પાર્વતી’ બંગલા / Parvati Bungalowપાસેથી પસાર થતી વખતે હવે કાળજું કઠણ રાખવું પડશે.