તસવીર ભૂલી ના ભુલાય : કૉંગ્રેસ કાર્યાલય અને કૂતરો


ફોટોગ્રાફી મારો મૂળ શોખ છે. એ મૂળમાં ભળેલા સ્વભાવગત લક્ષણો અને પત્રકારત્વ, પ્રચાર સામગ્રી લેખન (કોપીરાઇટીંગ – વ્યવસાયી લેખન)ના વ્યવસાયી કામને કારણે રખડપટ્ટી રોજિંદી બાબત બની ગઈ છે. હરતાંફરતાં કૅમેરા સાથે કામ પાર પાડતો રહ્યો છું.
એમ કરતા જે તસવીરો લીધી તેને અહીં ‘હરતાંફરતાં’ પર રજૂ કરવાની નેમ છે. એવી તસવીરો કે જેની આગળ-પાછળની ઘટના વિશે મારે કંઈ કહેવાનું હોય. એ સિવાય આને તમે મારી ‘ડાફોળિયા મારવા’ નામની પ્રવૃત્તિની બાયપ્રોડક્ટ પણ ગણી શકો. એ બાયપ્રોડક્ટને કારણે જે કંઈ જોવા મળ્યું હોય તેને રજૂ કરવાની અને સાથે સાથે જે અનુભવ્યું હોય તેનું આલેખન કરવાની ઇચ્છા માત્રથી આ તસવીરકથા માંડી છે. આ એવી તસવીરો છે જેને હું ભૂલી શકતો નથી. પ્રિન્ટમાં કે સ્ક્રીન પર જોયા વગર તેની ફ્રેમ યાદ કરી શકું. આવી તસવીરો મેળવનારો કે તે પાછળના અનુભવો આલેખનારો હું એકલો,પહેલો કે છેલ્લો નથી એવી પાકી સમજણ સાથે તેને જાહેર માધ્યમમાં મુકવી જોઇએ એવા વિચારનું પરિણામ એટલે આ પ્રારંભ…..આપના પ્રતિભાવો કમેન્ટ બોક્ષમાં આવકાર્ય…..
     બિનીત મોદી

તસવીર ભૂલી ના ભુલાય : કૉંગ્રેસ કાર્યાલય અને કૂતરો

કૉંગ્રેસ કાર્યાલયના આંગણે કૂતરો (*)
અમદાવાદના કોચરબ – પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલયનો આ ફોટો વર્ષ 2004ના પ્રારંભના સમયનો છે. ‘રાજીવ ગાંધી ભવન’ તરીકે ઓળખાતા કાર્યાલયમાં કોઈ પણ સમયે છવાયેલો રહેતો હોય તેવા સન્નાટાનો આ ફોટો મેં અમદાવાદથી પ્રકાશિત થતા ‘આરપાર’ સાપ્તાહિક માટે કામ કરતા પ્રકાશન સંસ્થાની માલિકીના ડિજિટલ કૅમેરાથી પાડ્યો હતો.
રાજીવ ગાંધી ભવન
ફોટો શું પાડ્યો…ફોટામાં દેખાતા આ કૂતરાને માર પણ એટલો જ પડ્યો હતો. દાદરા પરથી પસાર થતા કોઈ કૉંગ્રેસી કાર્યકરને ખ્યાલ આવી ગયો કે મેં કૅમેરામાં આ કૂતરાનો ફોટો પાડ્યો છે એટલે એણે આ શ્વાનની બૂરી વલે કરી હતી.
‘આરપાર’ સાપ્તાહિકના ફોટો ફીચર વિભાગમાં આ તસવીર પ્રગટ થયાના થોડા વર્ષ પછી તે ‘અભિયાન’ સાપ્તાહિકના કવરપેજ પર પ્રસિધ્ધ થઈ હતી. બન્ને સાપ્તાહિકોના સંપાદન કાર્ય સાથે મિત્ર પ્રણવ અધ્યારૂ સહતંત્રીના હોદ્દા સાથે સંકળાયેલો હતો એમ યાદ કરવું ગમે છે.
આ ફોટો જ્યારે જ્યારે જોઉં છું ત્યારે કૂતરાને પડેલો માર જ યાદ આવે છે. કૂતરો તો બિચારો એક વાર માર ખાઈને છટકી ગયો. ગુજરાત કૉંગ્રેસનું નસીબ એટલું પાધરું નથી. ફોટો પાડ્યાના દસ વર્ષ પછી પણ રાજકીય માર ખાવાનું ચાલુ જ છે – 2013માં પણ…..

(* નિશાની વાળી તસવીર: બિનીત મોદી / એ સિવાયની નેટ ઇમિજસનો અહીં માત્ર પ્રતિકાત્મક ઉપયોગ)