ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ઑગસ્ટ – 2013)

(ઑગસ્ટ – 2013)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?…પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યો. જેના અમલની કોઈ નિશ્ચિત તારીખ નહોતી એવી આ પોસ્ટસ્ ને મળેલા થોડા પ્રતિભાવો – કમેન્ટ્સ અને રીડર સ્કોરથી તેને નિયમિત કરવાનું મને બળ મળ્યું અને એ ક્રમમાં આ 34મી પોસ્ટ છે.
ગયા ઑગસ્ટમાં જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે હવે ઑગસ્ટ – 2013. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(*) અમદાવાદમાં BRTS માર્ગ પરનો ભૂવો
(Thursday, 1 August 2013 at 12:35pm)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ…..
મમ્મી…ચાલને મામાને ઘરે અમદાવાદ જઇએ.
ના…શું દાટ્યું છે અમદાવાદમાં…આ ચોમાસામાં? છાપામાં વાંચતો નથી કેટલા ભૂવા પડે છે તે…”…“મમ્મી…એ ભૂવા જોવા તો અમદાવાદ જવું છે…પ્લીઝ…લઈ જાને…
* * * * * * *

(Saturday, 3 August 2013 at 03:40pm)
અગાઉ સ્કૂલમાં ભણતી વખતે (ખરેખર તો નહીં ભણવા માટે) વર્ગશિક્ષક આવતીકાલે વાલીને લઈને આવજોએવી સૂચના આપે એ સાથે જ ફડક બેસતી હતી. આજના વિદ્યાર્થીઓ હોંશે હોંશે મમ્મી પપ્પાને પેઅરન્ટસ મિટીંગનો કાગળ વંચાવે છે.
* * * * * * *

(Monday, 5 August 2013 at 12:00 Noon)
ડમડમબાબા ઓલ્ડ ન્યૂઝ સર્વિસ અને ડુગડુગી…..
અમદાવાદના સટ્ટાકિંગ દિનેશ કલગીની યશકલગીમાં વધુ એક પીંછાનો ઉમેરો થયો છે…કલગીકુંવર દારૂ પીને ગાડી ચલાવતો અકસ્માત કરતો ઝડપાયો છે.
* * * * * * *

પાકિસ્તાનના લશ્કરી સૈનિકો
ભારતના શહીદ સૈનિકો
(Tuesday, 6 August 2013 at 11:35pm)
ડમડમબાબા ઓલ્ડ ન્યૂઝ સર્વિસ અને ડુગડુગી…..
ભારતીય સૈનિકોને અમે નથી માર્યા : પાકિસ્તાનનું બદમાશલશ્કર અને તેને માથે ચઢાવતી શરીફસરકાર
…અલ્યા બિરાદરો, રમઝાન મહિનામાં (અને શ્રાવણ મહિનાના પ્રારંભની પૂર્વસંધ્યાએ) તો સાચું બોલો : ડમડમબાબા…
* * * * * * *

(Thursday, 8 August 2013 at 01:11pm)
જોકની જોક By ડમડમબાબા
હેલો…અમદાવાદ પોલીસ કન્ટ્રોલરૂમ…?”…“યસ. શું ફરિયાદ છે?”
સાહેબ…ફરિયાદ તો નથી…પણ…પેલા નેહરૂનગરના સીસીટીવી કેમેરામાં જોઇને કહોને કે ગાંઠીયારથની દુકાન ચાલુ છે કે નહીં?”
આ જોક અને તેને કારણે ગાંઠીયારથની વધેલી લોકપ્રિયતાનું પરિણામ એ આવ્યું કે બાજુમાં શરૂ થયેલી રાયપુર ભજીયા હાઉસની નેહરૂનગર બ્રાન્ચ બંધ થઈ ગઈ છે.
* * * * * * *

(Friday, 9 August 2013 at 01:11pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન…..
અન્ય કંપનીઓની સરખામણીએ સર્વ સ્માર્ટફોનમાં માત્ર સેમસંગજ અસલી સ્માર્ટફોન છે…
…કેમ કે…..તે સફેદ છે…ઉજળો અને ગોરો વાન ધરાવે છે…..
* * * * * * *

(Saturday, 10 August 2013 at 01:11pm)
ડમડમબાબાની ડુગડુગી…..
જાહેરમાં કે ખાનગીમાં વાણી વર્તન એવા ન રાખો કે બાળકની સાથે-સાથે મમ્મી પપ્પાની ગણતરી પણ સગીરમાં કરવી પડે.
* * * * * * *

(Tuesday, 13 August 2013 at 01:11pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન…..
અમદાવાદમાં સટ્ટો રમવા માટે એક નવો વિષય નવું કારણ મળી આવ્યું છે…..ચોમાસુ પૂરું થયા પછી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કયા રોડના ખાડા પહેલા પૂરશે અને કયો રોડ પહેલો નવો બનાવશે?
* * * * * * *

પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ
(Wednesday, 14 August 2013 at 02:40pm)
ડમડમબાબાની ડુગડુગી…..
પાડોશી દેશ પાકિસ્તાનનો આજે સ્વાતંત્ર્ય દિન છે…
કે જ્યાંનો દરેક નાગરિક સ્વતંત્રતા ભોગવે છે…
વડાપ્રધાન (નવાઝ શરીફ) સ્વતંત્રતા ભોગવે છે…લશ્કરી વડા (પરવેઝ મુશર્રફ)ની હત્યા કરાવવા માટે કાવતરું ઘડવાની…
રાષ્ટ્રપતિ (પરવેઝ મુશર્રફ) સ્વતંત્રતા ભોગવે છે…સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ (ઇફ્તિખાર ચૌધરી)ને પદભ્રષ્ટ કરવાની…અને
…અને…લશ્કર સ્વતંત્રતા ભોગવે છે…ઉપરથી કે ઉપરીનો આદેશ હોય કે ન હોય…પાડોશી દેશ ભારતના સરહદી સૈનિકો પર જીવલેણ હુમલા કરવાની…
* * * * * * *

ભારતનો રાષ્ટ્રધ્વજ
(Thursday, 15 August 2013 at 10:00am)
ડમડમબાબાની ડુગડુગી…..
આજે ભારતનો સ્વાતંત્ર્ય દિન છે…
પાકિસ્તાન ચીન જેવા પાડોશી દેશો ભારતની જમીન આમેય અગાઉ હડપ કરી ગયા છે…
…એટલે…
…હવે બચી ગયેલી જમીન ઉદ્યોગપતિઓનેફેક્ટરી માલિકોને કે રિસોર્ટ ડેવલપર્સને વેચવી નહીં…
…નહીં તો એક દિવસ એવો આવશે કે…
…રાષ્ટ્રધ્વજને સલામી આપવા ખુલ્લા મેદાનો બચ્યા નહીં હોય…અને…
…અને ઓનલાઇન સલામી આપવાના દિવસો આવશે…
* * * * * * *

AMCમાં ભૂવાકળાની ભરતી
(Saturday, 17 August 2013 at 12:30pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન…..
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં નવી પોસ્ટ ઉભી થવાની છે…અરજીઓ આવકાર્ય છે…..
જગ્યાનું નામ : ભૂવાકળો
શૈક્ષણિક લાયકાત : ભણવાના વર્ષો દરમિયાન ભૂવો જોયેલો હોવો જોઇએ.
કામનો પ્રકાર : માર્ગ પર પડનાર સંભવિત ભૂવાની આગોતરી જાણકારી આપવાની રહેશે. નોકરીનો / જવાબદારીનો સમય : ચોમાસુ શરૂ થાય તેના ચાર મહિના પહેલા
(બાકીના આઠ મહિના ફેસબુક પર અપલોડ થયેલા ભૂવાના ફોટા તેના સર્વર પરથી ડિલીટ કરાવવા માટે રિપોર્ટ સબમીટ કરવાના રહેશે. તમામ રિપોર્ટ લેખિતમાં રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવાના રહેશે.)
અનુભવ : આવશ્યક નથી. કેમ કે ભારતના અન્ય શહેરોમાં અમદાવાદ જેટલા ભૂવા પડતા જ નથી.
પગારધોરણ : પાણીકળાની પોસ્ટ સમકક્ષનું. અન્ય લાભો ભથ્થા યથાવત. ભૂવાના વધુ અભ્યાસ માટે વિદેશ પ્રવાસ કરી શકાશે નહીં. કેમ કે પરદેશમાં ભૂવા પડતા જ નથી.
નિવૃત્તિના લાભો : આ કામગીરીમાં નિવૃત્તિ શક્ય જ નથી. કેમ કે રસ્તા બાંધનારા કોન્ટ્રાક્ટરો સાથે અમારું કાયમી સેટિંગ છે.
* * * * * * *

(RAKSHABANDHAN : Tuesday, 20 August 2013 at 11:11am)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ…..
બહેન…આજે રક્ષાબંધનના દિવસે તને શું ભેટ આપું?”
ભાઈ…મને બ્લેકબેલ્ટ…”…“બહેના…બ્લેક કલરનો બેલ્ટ…એ તો બહુ નાની ભેટ છે…કંઈક…મોંઘી…
ભઇલા…પૂરું સાંભળ તો ખરો…મને કરાટેના બ્લેક બેલ્ટ મેળવવાની પરીક્ષામાં પાસ થઈ જાઉં એટલી શુભેચ્છા માત્ર જ આપ જેથી મારું રક્ષણ હું જાતે જ કરી શકું.
* * * * * * *

અમદાવાદની ગુફા
(Thursday, 22 August 2013 at 00:00 MidNight)
ડમડમબાબા ઓલ્ડ ન્યૂઝ સર્વિસ અને ડુગડુગી…..
ચિત્રો રજૂ કરતી પેઇન્ટિંગ ગેલરી અમદાવાદની ગુફામાં ગયા અઠવાડિયે પ્રદર્શિત થવા આવેલા પાકિસ્તાની ચિત્રકારોના પેઇન્ટિંગ્સને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ફાડી-તોડી નાખી નુકસાન કરીને ઊભી પૂંછડીએ ભાગી ગયા.
સગીર વયની યુવતી પર બળાત્કાર જેવી ગંભીર પોલીસ ફરિયાદ (FIR)નો સામનો કરી રહેલા આસારામ વિરૂધ્ધ એક હરફ સરખો ઉચ્ચારવાને બદલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારો પૂંછડી દબાવીને ચૂપચાપ બેસી રહ્યા છે.
* * * * * * *

ગુરૂવારના છાપામાં ‘ગુરૂ’ના ગોરખધંધા
(Thursday, 22 August 2013 at 03:15pm)
ડમડમબાબાની ડુગડુગી…..
આજે તો બે જુદા-જુદા પણ જબરા સંયોગ સર્જાયા છે…
એક ગુરૂવાર છે અને ગુરૂછાપામાં પહેલા પાને સમાચારમાં છે…
બે – સગીર વયની યુવતી પર બળાત્કાર મામલે આસારામ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ (FIR)ના સમાચારની સાથે જ પૂર્તિઓ પણ આપવામાં આવી છે…જેના નામ છે…
ધર્મલોક (ગુજરાત સમાચાર)…ગુરૂએ ધર્મને લોક મારી દીધું છે…
ધર્મદર્શન (દિવ્ય ભાસ્કર)…ગુરૂએ ધર્મનું દર્શન કરાવવાને બદલે ધર્મની ધજા ફરકાવી છે…
…નક્ષત્ર (સંદેશ)…ગુરૂનાં ભૂતવર્તમાન અને ભાવિ નક્ષત્રો પણ કહી શકે તેમ નથી…
…લાડકી (મુંબઈ સમાચાર)…ગુરૂને લાડકી સોંપવાને બદલે લાકડીથી ધોકાવવાનો સમય આવી પહોંચ્યો છે…
* * * * * * *

(Friday, 23 August 2013 at 02:00pm)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ…..
અરે ભાઈસાબ…”…“શું પ્રૉબ્લેમ છે? પંખો ચાલતો નથી?”
અરે ચાલુ તો થાય છે…બંધ (OFF) જ નથી થતો એટલે લાઇટબિલ વધારે આવે છે.
એટલે તો પચ્ચા ટકા OFFમાં વેચ્યો છે.
* * * * * * *

ડૉ. નરેન્દ્ર દાભોલકર
(Saturday, 24 August 2013 at 08:30am)
જત જણાવવાનું કે…
સોની એન્ટરટેઇનમેન્ટ ચેનલ પરથી પ્રસારિત થતા ક્રાઇમ પેટ્રોલસિરિઅલના ગઈકાલે શુક્રવાર23મી ઑગસ્ટની રાત્રે પ્રસારિત થયેલા એપિસોડની વિશેષતા એ હતી કે કાર્યક્રમના પ્રારંભે અંધશ્રધ્ધા વિરૂધ્ધના ચળવળકાર અને પૂના શહેરમાં કાયરોના હાથે હત્યા કરાયેલા લડાયક મિજાજના ડૉ. નરેન્દ્ર દાભોલકરને ફોટો શ્રધ્ધાંજલિ આપવામાં આવી.
(ઝડપથી બદલાતા સ્ક્રીનમાંનું લખાણ હું વાંચી શક્યો પરંતુ યાદ રાખી શક્યો નથી. તેનો ભાવ કંઈક આવો હતો આપ સદાય યાદ આવશો, તમે ચીંધેલા રાહ પર અમે ચાલવાની કોશિશ કરીશું.)
લિખિતંગ…..બિનીત મોદી (અમદાવાદ)
* * * * * * *

(Monday, 26 August 2013 at 11:45pm)
ડમડમબાબા ઓલ્ડ ન્યૂઝ સર્વિસ અને ડુગડુગી…..
મુંબઈ ગેંગરેપના તમામ પાંચ આરોપીઓ પોલીસના સકંજામાં…જોધપુર વ્યક્તિગત રેપ કેસના એકમાત્ર તહોમતદાર આસારામ પોલીસ સમન્સથી દૂર અને ભક્તો સાથે ખૂલ્લેઆમ સત્સંગમાં મશગૂલ…
(નોંધ: ભક્તો આસારામના સત્સંગના નામે ચાલતા સકંજામાં મશગૂલ છે એમ પણ કહી શકાય.)
* * * * * * *

(Tuesday, 27 August 2013 at 02:15pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન…..
અમદાવાદ એરપોર્ટના રન વે સિવાય શહેરના તમામ વિસ્તારોના રસ્તા ભૂવાગ્રસ્ત થયા છે.
* * * * * * *

(JANMASHTAMI : Wednesday, 28 August 2013 at 09:25am)
જત જણાવવાનું કે…
મોબાઇલ કંપનીઓની બલ્ક એસએમએસની સ્કીમ અંતર્ગત એક સંદેશો આવ્યો છે કે…
જન્માષ્ટમીની ઉજવણી આજે કર્ણાવતી ક્લબમાં સ્નેહ દેસાઈની સાથે કરો…
…લાઇફ ગુરૂ તરીકે જાણીતા સ્નેહ દેસાઈ સાથે આ ઉજવણી ગેડી દડો રમીનેફરાળ કરીને કે તેની સાથે તીન પત્તી રમીને કરવાની છે એવી કોઈ વૈકલ્પિક સ્પષ્ટતા એસએમએસમાં કરવામાં આવી નથી.
લિખિતંગ…..બિનીત મોદી (અમદાવાદ)
* * * * * * *

(JANMASHTAMI : Wednesday, 28 August 2013 at 07:35pm)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ…..
એક કિલો કેક…બ્લેક ફોરેસ્ટ ફ્લેવર.”…“સાહેબ…તમે તો દર વખતે બટર સ્કોચ ફ્લેવરની ઑર્ડર કરો છો.
હા…પણ આજે જન્માષ્ટમી…કૃષ્ણનો જન્મદિવસ…એટલે બ્લેક ફોરેસ્ટ જ જોઇશે.
* * * * * * *

(*) અંગત સંગ્રહમાંથી
(Thursday, 29 August 2013 at 06:20pm)
અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણ થઈ રહ્યાના સમાચાર દર મિનિટે બદલાઈ રહ્યા છે. આ અવમૂલ્યનને અંકુશમાં લેવાના ઘણા બધા ઉપાયોમાંનો એક એવો જરૂર પૂરતો જ વાહનનો ઉપયોગ કરીને અથવા તો તેને તદ્દન ઘટાડીને ક્રૂડ ઓઇલની આયાતમાં વપરાતા વિદેશી હૂંડિયામણને બચાવી લેવાનો છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે એક અમેરિકન ડૉલરનો સત્તાવાર વિનિમય દર 68 રૂપિયાની નજીક પહોંચ્યો છે. એવે સમયે જુઓ આજથી બરાબર એકવીસ વર્ષ પહેલાનું પેટ્રોલ બિલ.

29 ઑગસ્ટ 1992ના રોજ 17 રૂપિયે લિટરના ભાવનું 5 લિટર પેટ્રોલ (85 રૂપિયા) અને પોણા ચાર રૂપિયે 100 મિલિલીટરના ભાવના 200 મિ.લિ. ઓઇલ માટે 7 રૂપિયા 50 પૈસા…એમ કુલ 92 રૂપિયા 50 પૈસા બજાજ સુપર સ્કૂટર (મૉડલ વર્ષ 1988) માટે ચૂકવ્યા હતા.

29 ઑગસ્ટ 2013ની આજ બપોરે 75 રૂપિયે લિટરના ભાવનું 5 લિટર પેટ્રોલ (375 રૂપિયા) અને 100 મિલિલીટરના ઓઇલ પાઉચના 35 રૂપિયા એમ કુલ 410 રૂપિયા બજાજ સુપર સ્કૂટર (મૉડલ વર્ષ 1998) માટે ચૂકવ્યા.

નોંધ: દસ વર્ષ પછી નવા ખરીદેલા સ્કૂટરમાં પેટ્રોલની સાથે ઓઇલ મિક્સનું પ્રમાણ 50 ટકા ઘટ્યું તે બદલાયેલી ટેક્નૉલોજિનો પ્રતાપ છે. એ સિવાય કોઈ ફાયદો નથી.
બીજું…આ પ્રકારે પેટ્રોલ બિલ હવે સાચવી શકાશે નહીં. કેમ કે ઑટમૅટિક મશીનમાં છપાતાં બિલની સહી સ્કૂટરની ટાંકીમાં પેટ્રોલ ખલાસ થાય તે પહેલા ઉડી જાય છે.

* * * * * * *

(Friday, 30 August 2013 at 10:30pm)
હિન્દી ફિલ્મ ઉદ્યોગની શતાબ્દી અને ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન…..(શુક્રવાર સ્પેશિયલ નવી ફિલ્મોનો રિલીઝ દિવસ)
1947 પહેલા સત્યાગ્રહમાં વિના મૂલ્યે જોડાઈ શકાતું હતું. 2013માં સત્યાગ્રહફિલ્મમાં પણ જોવો હોય તો રોકડા રૂપિયા ગણી આપવા પડે છે.
* * * * * * *

(Saturday, 31 August 2013 at 12:55pm)
ડમડમબાબા ઓલ્ડ ન્યૂઝ સર્વિસ અને ડુગડુગી…..
વિદ્યાસહાયક શિક્ષિકાઓએ શિક્ષણકાર્ય માટે શાળાએ સાડી પહેરીને જવું. (ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો નિર્ણય.)
સાલું…ગુજરાત સરકારે અદાણીએસ્સારરિલાયન્સ અને ટાટાની સાથે સાથે સાડીનું માર્કેટિંગ કરવાના એમ.ઓ.યુ આસોપાલવ, દીપકલા અને રતનપોળના વેપારીઓ જોડે ય કરવા માંડ્યા કે શું?
* * * * * * *

(Saturday, 31 August 2013 at 02:00pm)
(આ પ્રોફાઇલ સ્ટેટસને શક્ય હોય તો આપ Share કરો.)
ડેન્ગ્યૂથી પીડાતા દર્દીઓ માટે કોઈ પણ ગ્રૂપના રક્તદાતાઓની અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીને તાત્કાલિક જરૂર છે.
ડેન્ગ્યૂગ્રસ્ત દર્દીના પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા હોવાથી તેમને બહારથી લોહી ચઢાવવું આવશ્યક બની જાય છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો આ પ્રકારના દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેમના માટે વોલન્ટરી બ્લડ ડોનર્સ મિત્રો આગળ આવે તે આશયથી ફેસબુકના આ માધ્યમનો ઉપયોગ કરતાં એક વિનંતી છે કે રક્તદાન કરી શકે તેવા મિત્રો આ સરનામે પહોંચી જાય.
અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી (જે.એલ. ઠાકોર રેડ ક્રોસ ભવન)
18 ગુજરાત બ્રહ્મક્ષત્રિય સોસાયટીસુવિધા શૉપિંગ સેન્ટર પાછળમહાલક્ષ્મી ચાર રસ્તાથી પરિમલ અન્ડરપાસ પહેલાના ચાર રસ્તા પાસેપાલડીઅમદાવાદ – 380 007.
ફોન : (079) 2665 0855 – 2665 1833 / મોબાઇલ : 97277 45510 – 97277 45504
સંપર્કસૂત્ર : ડૉવિશ્વાસ અમીનડૉ. રીપલ શાહ અને શિલ્પા મહેતા.
બિનીત મોદી (અમદાવાદ) / મોબાઇલ : 9824 656 979
ગયા મહિને અહીં મુકેલી જુલાઈ – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી –
…..તેમજ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અહીં મુકેલી ઑગસ્ટ – 2012 તેમજ ઑગસ્ટ 2011ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક અનુક્રમે આ રહી – http://www.binitmodi.blogspot.in/2012/09/2012.html

(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)