રતિલાલ ચંદરયા : ગુજરાતી કક્કાને કમ્પ્યૂટરના વાઘા પહેરાવનારની વિદાય

રતિલાલ ચંદરયા 24-10-1922થી 13-10-2013
ધનની દેવી લક્ષ્મીની કૃપા તો હતી જ પણ તેણે મને લેક્સિકોનના માધ્યમથી દેવી સરસ્વતીની સેવા કરવાની તક આપી તેને હું મારું સૌભાગ્ય સમજું છું.
ચાર વર્ષ અગાઉ ઑક્ટોબર – 2009માં ગુજરાતી લોકકોશના લોકાર્પણ પ્રસંગે આ શબ્દોમાં પ્રતિક્રિયા આપનાર રતિલાલ ચંદરયા / Ratilal Chandaria માટે કહેવું જોઇશે કે 13 ઑક્ટોબર 2013ની રાત્રે તેઓ પરમ સૌભાગ્યને પામ્યા. તેમનું આખું નામ આ એક વાર લખ્યું તે લખ્યું, બાકી આગળ તો તેમનો ઉલ્લેખ ‘રતિકાકા’ નામે જ થવાનો.
તો જગતના એંસી / Eighty (કોઈ ભૂલચૂક નથી!) દેશોમાં વેપાર ખેડતા અને તે સંબંધિત વહીવટી કામગીરી માટે અંગ્રેજી ટાઇપરાઇટરને હાથવગું રાખતા રતિકાકાને પ્રશ્ન થયો કે આ હું જે કામકાજ કરું છું તે મારી માતૃભાષા ગુજરાતીમાં થાય કે નહીં? અને કમ્પ્યૂટર પર થાય કે નહીં તેવો બીજો પ્રશ્ન થયો કારણ કે તેનું આગમન થઈ ચૂક્યું હતું. પ્રશ્નો હતા તો તેના ઉકેલ પણ હતા. જો કે એ સરળ નહોતા અને પ્રારંભિક તબક્કે તે ‘ખર્ચાળ’ ઉકેલની કૅટેગરીમાં આવતા હતા. આર્થિક પ્રશ્ન તો ખેર નહોતો જ પણ ઉકેલ આપવાના નામે કોઈ દોઢી – બમણીથી ય વધુ રકમની માગણી કરે તે રતિકાકાને મંજૂર નહોતું. એવા કંઈક ટ્રબલશૂટિંગને પાર પાડતા પાડતા ગુજરાતી ભાષા માટે જે અવતારી કાર્ય થયું તે આ ગુજરાતી લેક્સિકોન / Gujarati Lexicon http://www.gujaratilexicon.com/ 

‘અઢળક’ શબ્દ ઓછો પડે એટલા ધનમાં આળોટતા વિશ્વના અને ભારતના ધનકુબેરોની યાદી વારે-તહેવારે ફોર્બ્સ / Forbes સામયિક પ્રકટ કરતું રહે છે. એ ધનકુબેરોએ મોજ-મસ્તી, પરિવારની સુખાકારી માટે કેવો-કેટલો ખર્ચ કર્યો અને જન્મદિને કે લગ્નદિને પત્નીને હેલિકૉપ્ટર, હોડી કે હલેસુંશેની ભેટ ધરી તેના સંખ્યાબંધ તસવીરી અહેવાલો દૈનિક અખબારોમાં પ્રકાશિત થતાં રહે છે. ખુદના માટે આ કે આવા તમામ પ્રકારના શોખ પાળી-પોષી શકે તેટલા શ્રીમંત એવા રતિકાકા આ બધાથી દૂર રહ્યા. કેમ? એવો પ્રશ્ન થાય તો એનો દાખલો પણ તેમના જીવનમાંથી જ મળે તેમ છે.
લોકકોશનું લોકાર્પણ : (ડાબેથી) રતિલાલ ચંદરયા, નીતાબહેન શાહ અને ડૉ. પ્રદીપ ખાંડવાળા (*)
આગળ ઉલ્લેખ કર્યો છે તે લોકકોશના લોકાર્પણનો કાર્યક્રમ અમદાવાદની પંચતારક (ફાઈવસ્ટાર!) ગણી શકાય એવી હોટેલમાં આયોજિત થયો હતો. ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના / Gujarat Informatics Limited / http://www.gil.gujarat.gov.in/ ડિરેક્ટર નીતાબહેન શાહની / Nita Shahઉપસ્થિતિમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ-અમદાવાદના પૂર્વ નિયામક ડૉ. પ્રદીપ ખાંડવાળાએ / Pradip Khandwala લોકાર્પણની વિધિ સંપન્ન કરી. એ પછી આમંત્રિત મહેમાનો – પત્રકારો માટે જમવાની વ્યવસ્થા હતી. વાનગીઓના ટેબલ પર ગોઠવાયેલા પકવાન – ફરસાણ સામે આંગળી ચીંધીને કોઇએ તેમને પૂછ્યું… ‘તમારા માટે જમવામાં શું પીરસી લાવીએ?’…રતિકાકાનો જવાબ હતો…મને એક સૅન્ડવિચ બનાવી આપો અને સાથે થોડા દાળ-ભાત. આ મૂળભૂત સાદગીએ જ તેમને શબ્દ-સાહિત્યની સેવા કરવા તરફ વાળ્યા હોવા જોઇએ એમ ચોક્કસ કહી શકાય.
ગુજરાતી ભાષા – સાહિત્ય પર સરસ્વતી દેવીની કૃપા વરસતી રહે અને લક્ષ્મી દેવી ક્યાંય અંતરાયરૂપ ન બને તે જોવાની જેમણે નૈતિક જવાબદારી સ્વીકારી હતી તેવા બે નામ આપણને ઉદ્યોગ જગતમાંથી તાજેતરના વર્ષોમાં મળ્યા. એક રતિલાલ ચંદરયા અને બીજા બળવંતરાય પારેખ. (બળવંતરાય પારેખ : સાહિત્યના પારખુ / http://www.binitmodi.blogspot.in/2013/01/blog-post.html) બન્નેને 2013ના એક જ વર્ષમાં ગુમાવ્યા તે મોટી ખોટ. એવી ખોટ કે જેઓએ આ કામ માટે કદી નફા-નુકસાનનો હિસાબ માંડ્યો નહોતો.

(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી)