લિફ્ટ : અકસ્માતથી અડપલા સુધી

ક્યારેક થતા અકસ્માત અને તેને કારણે થતા જાનમાલના નુકસાનને લઇને ચર્ચામાં આવતી લિફ્ટ / Lift આજકાલ ‘તહેલકા’ / Tehelka / http://www.tehelka.com/ તંત્રી તરૂણ તેજપાલે / Tarun Tejpal કરેલા અડપલાને કારણે ચર્ચામાં છે. દેશની રાજધાની નવી દિલ્હીથી અંગ્રેજી – હિન્દીમાં પ્રકાશિત થતા આ સાપ્તાહિકના નામથી તરૂણ અને ઉંમરથી આધેડ અવસ્થાએ પહોંચેલા બિઝનેસમેન-કમ-તંત્રી ગોવાની હૉટેલમાં સાથી મહિલા પત્રકારની કરેલી જાતીય સતામણીને કારણે પહેલા સીસીટીવી કૅમેરામાં અને હવે કાયદાના સાણસામાં ઝડપાયા છે.

વિકાસના માપદંડ તરીકે ગણીએ તો લિફ્ટ હજી ભારતનાં ગામડાંઓ સુધી પહોંચી નથી. એટલે વગર મહેનતે અને છતાં કોઈ અભ્યાસ કર્યાનો હવાલો આપીને એવું તારણ વહેતું કરી શકાય કે લિફ્ટમાં છેડતી કરવાના બનાવો તો માત્ર શહેરોમાં જ બને છે.
ક્યારેક માત્ર અનુભવની એરણ પર ચાલતા – નભતા બાંધકામ ઉદ્યોગમાં / Construction Industry હવે તો ભણેલા-ગણેલા લોકો પ્રવેશ્યા છે તેની ના નહીં. પરંતુ એમણે લિફ્ટના માપદંડોમાં કોઈ સુધારો કર્યો હોય એવું જોવા-જાણવા મળતું નથી. બિલ્ડરોએ બાથરૂમની સાઇઝ વધારી છે પણ લિફ્ટ…જવા દો ને વાત જ. લાગે છે તેને બનાવનારા ઉત્પાદકોને પણ આ બાબતે કોઈ વિચાર નહીં આવતો હોય.
બસ ખરી કમબખ્તી અહીંથી શરૂ થાય છે. સાંકડી લિફ્ટનો ઉપયોગ કરનારા વધ્યા છે એટલે એમાં પહેલેથી સમાવેશ પામેલી કે અધવચ્ચેથી પ્રવેશવા માગતી યુવતી – મહિલાની મુશ્કેલી શરૂ થાય છે. બહુ ઓછા સંજોગો એવા હોય કે તેને માટે અનુકૂળ જગ્યા કરી આપવાનું સૌજન્ય જોવા મળે. લાગ મળે તેને ભીંસમાં લેનારા નમૂનાઓ પણ મળી આવે. એક જ ઑફિસમાં કામ કરતા આવા નમૂનાઓ ઑફિસ આવવા-જવાના સમયે લિફ્ટમાં ભેગા થાય ત્યારે શોખની કે સત્તાવાર વાતો કરવાના બહાને લિફ્ટસાથી યુવતીને પ્રચ્છન્નપણે દ્વિઅર્થી વાતો સુણાવતા જાય. બેશક આવી વાતો કે હરકત કરવાનો સમય સેકંડથી લઇને મિનિટ – બે મિનિટમાં સમાપ્ત થવાનો હોય તો ય એ અકળાવનારો હોય છે.
પાન-મસાલા ખાઈને તાજો-માજો થયેલો યુવાન કે કાને મોબાઇલ વળગાડીને ફરતો જણ લિફ્ટમાં યુવતી કે અન્ય સહપ્રવાસીઓની હાજરીમાં કેવી રીતે વર્તે છે તે તો જુદી જ ચર્ચાનો વિષય છે.
આ ઉપર લખી તે બાબતમાં ભારત / India સિવાયના દેશોના શું ધોરણો છે તે તો જે-તે દેશનો અનુભવી જણ જણાવી શકે. પરદેશની ધરતી પર કામ કરતા લિફ્ટનો ઉપયોગ કરવાનો એક અનુભવ હું ભૂલી શકતો નથી. 1995થી 1997ના સમય દરમિયાન હું યુનાઇટેડ આરબ અમીરાત (યુ.એ.ઈ / United Arab Emirates)ના અલાઇન / Al-Ain અને અબુધાબી / Abu Dhabi એમ બે શહેરોમાં કામ કરતો હતો. બન્ને શહેરોમાં ઑફિસ ધરાવતી કન્સ્ટ્રક્શન કંપનીમાં કોસ્ટીંગ અને અકાઉન્ટન્સી સાથે સંકળાયેલું કામ હતું. જવાબદારીવાળું કામ હતું એટલે બન્ને ઑફિસ વચ્ચે અવરજવર કરવી પડતી. અબુધાબીની સરખામણીએ નાના એવા અલાઇનમાં એ સમયે ત્રણથી વધુ માળના મકાનોનું બાંધકામ થતું નહીં એટલે લિફ્ટની સગવડ જવલ્લે જ જોવા મળે. હું જ્યાં કામ કરતો તે ઑફિસ બિલ્ડીંગ પણ આ સગવડથી બાકાત હતું. હા, અબુધાબીમાં જ્યાં ઑફિસ હતી તે શેખ ઝાયેદ રોડ પરનું લિફ્ટની સગવડવાળું દસ માળનું મકાન હતું.
લિફ્ટની આ સગવડે જ એકવાર મારા માટે અગવડ ઊભી કરી હતી. અલાઇનથી અબુધાબી ઑફિસે વારંવાર જતો એટલે બિલ્ડીંગનો વોચમેન અને હું એકબીજાથી પરિચિત હતા. અલાઇન ઑફિસથી સાંજના સમયે નીકળવામાં કે બે કલાકનો રસ્તો કાપવામાં ક્યારેક મોડું થાય તો પણ નિયમ ચાતરીને એ વેળા-કવેળાએ મોડી રાત્રે પણ મને ઑફિસમાં જવા દેતો. એટલા માટે કે ઑફિસનો એક અલાયદો રૂમ એ જ મારું ઘર-ક્વાર્ટર હતું…કંપનીએ આપેલું સત્તાવાર નિવાસસ્થાન.
એકવાર સવારના સમયે અબુધાબી પહોંચ્યો. લિફ્ટમેન વગરની લિફ્ટ આવે તેની રાહ જોતી એક યુવતી ઉભી હતી. પહેરવેશ પરથી જણાય કે તે આરબ મુસ્લિમ હતી. તેની પાછળ જઇને હું ય ઊભો રહ્યો. લિફ્ટ નીચે આવી એ સાથે અમે બન્ને અંદર. મારી હાજરીની નોંધ લેતા જ તેણે મને સ્ત્રીસહજ ગણાય એવી નરમાશથી જ કહ્યું,તાલ હબીબી…બર્રા…’. સ્થાનિક અરબી (ઍરબિક / Arabic) ભાષામાં તેનો અર્થ થાય ‘ભાઈ બહાર જાઓ.’ ગલ્ફના આ દેશમાં રહેતાં અરબી ભાષા ઠીક-ઠીક બોલતાં – સમજતાં શીખી ગયો હતો એટલે તેની આ આદેશાત્મક વિનંતીનો અર્થ સમજવા મારે કોઈની મદદ લેવી પડી નહીં. તરત લિફ્ટની બહાર નીકળી ગયો અને લિફ્ટ પાછી નીચે આવે તેની રાહ જોઈ.
ઑફિસમાં જઇને કામે વળગ્યો પણ સમજોને કે આ ઘટનાએ મારો પીછો પકડવાનું ચાલુ રાખ્યું. યુવતી કયા માળની ઑફિસમાં ગઈ હતી તે ઇન્ડિકેટરના આધારે જાણતો હોવા છતાં અજાણ્યા પ્રદેશમાં અને તે પણ સ્થાનિક મુસ્લિમ યુવતી સાથે આ બાબતની કોઈ ચર્ચા કરવાની શક્યતા તો ઠીક એ દિશામાં વિચારી પણ ન શકાય એટલું મને અહીં આવ્યાના ટૂંક અનુભવે સમજાઈ ગયું હતું. ઑફિસમાં એવું કોઈ નહોતું જેની સાથે ચર્ચા કરીને મારો પીછો કરતા પ્રશ્નનું સમાધાન મેળવી શકું. બીજું કે અનુભવ નવો હતો પણ એ કંઈ એવી સમસ્યારૂપ નહોતો કે તેના માટે કોઈ પરિચિત કે રાજેશમામાને / Rajesh Kantilal Shah (કે જેમણે મને આ દેશમાં સ્પોન્સર કરી બોલાવ્યો હતો) પૂછીને તેનું સમાધાન તાત્કાલિક મેળવવાની જરૂર ઊભી થાય.
જો કે બપોર પડતાં સુધીમાં સમાધાન મળી ગયું ખરું. અલાઇન ઑફિસથી આવેલા કંપનીના પરચેઝ ઑફિસર સલીમ અખ્તરને / Saleem Akhtar (Karanchi, Pakistan) મને થયેલા જાતઅનુભવની વાત કહી. લાંબા સમયથી યુ.એ.ઈમાં રહી કામ કરતા, સ્થાનિક રીત-રિવાજ-રહેણીકરણીને જાણતા સલીમે કહ્યું કે એ યુવતીએ જે કર્યું તે બરાબર હતું. ત્યાં સુધી કે પુરુષ તરીકે તમે લિફ્ટમાં પહેલેથી જ હો અને પાછળથી આવેલી યુવતી-મહિલાને તેમની ઉતાવળને કારણે વહેલા જવું હોય તો પણ તમારે લિફ્ટની બહાર નીકળી જઈ તેને પહેલો પ્રવેશ આપવો પડે. વણલખ્યો પણ નિયમ હોય તેના જેવું જ.
એકલી યુવતી કે મહિલાને લિફ્ટમાં સાથી પુરુષ દ્વારા જે કંઈ રંજાડનો અનુભવ થાય છે તેના આગળ વર્ણવ્યા દાખલા સામે આ વ્યવસ્થા મને એ સમયે તો ખરીજ આજે પણ તદ્દન સલામત લાગે છે. તેના અમલીકરણની શક્યતાઓ કેવીક છે એ પૂરેપૂરી નહીં તોય થોડી ઘણી તો બિલ્ડરોના હાથમાં છે એમ ચોક્કસપણે કહી શકાશે.
લિફ્ટમાં એકલદોકલ મહિલાની સલામતીની વાત નીકળી જ છે તો સાથે-સાથે લિફટની ખુદની સલામતીની વાત પણ કરી જ લઇએ. લિફ્ટ અકસ્માતની ઘટનાઓ જ્યારે જ્યારે બહાર આવે છે ત્યારે લિફ્ટની જાળવણીના / Maintenance પ્રશ્નો ઉદ્દભવે છે. લિફ્ટની નિયમિત જાળવણી થાય એ તો જરૂરી છે જ પરંતુ સાથે જ જરૂરી છે કે તેનું સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સત્તાવાર ઇન્સ્પેક્શન થાય અને તે મતલબનું પ્રમાણપત્ર આપવામાં આવે. બસ પ્રશ્ન આ જ છે. ગામમાં…મોટેભાગે શહેરમાં લિફ્ટની જે સંખ્યા હોય છે તેની સામે તેની જાળવણી સંબંધે ધોરણસરની તપાસ કરનારા લિફ્ટ ઇનસ્પેક્ટરની / Lift Inspector સંખ્યા કાયમ ઓછી જ હોય છે. એટલે થાય છે એવું કે તે ઇનસ્પેક્ટર સાહેબો સ્થળ પર જઈ જાત-તપાસ કરીને આપવાનું પ્રમાણપત્ર ઑફિસ બેઠાં અન્ડર ટેબલ વ્યવહાર સાથે આપી દે છે. એમ સમજો કે આ જ રિવાજ છે.
તરૂણ તેજપાલ
હા…એ વાત જુદી છે કે લિફ્ટના દરવાજાની બહાર રહી સાથી મહિલા પત્રકારના કપડાંથી લઈ શરીર સાથે અડપલાં કરનાર તરૂણ તેજપાલ ઘટનાની તપાસ કરવા માટે આજકાલ કહેતાં અઠવાડિયાથી ગોવા / Goa અને દિલ્હીના / Delhi ડઝનબંધ પોલીસ ઇનસ્પેક્ટર સાહેબો કામે લાગેલા છે.

(નેટ ઇમિજસનો અહીં માત્ર પ્રતિકાત્મક ઉપયોગ)