‘આમ આદમી’ની સ્વમાન જાળવવાની લડાઈ

અમદાવાદ / Ahmedabad જેવા શહેરોમાં રવિવારની સવાર પણ હવે રોજ જેવી જ ઉગે છે. સોમવારની સવારથી શનિવાર સુધી રોજ કામ-ધંધે વળગવા દોડધામ કરતા લોકો રજાના દિવસે પલાંઠી વાળીને બેસવાને બદલે હરવા-ફરવા માટે દોડધામ કરતા નજરે પડે છે. એમાં હરવા-ફરવાને બદલે હડિયાપાટી કરતા હોય એવું વધારે લાગે. એમ કરવામાં ક્યારેક વિવેકભાન પણ ચૂકી જાય.
બીજી માર્ચના રવિવારની સવારે આમ જ થયું. આમિર ખાનના બહુચર્ચિત ટી.વી. શૉ ‘સત્યમેવ જયતે’ની બીજી સીઝનનો પહેલો એપિસોડ ઑન-ઍર થવાનો સમય નજીક હોય એવો જ સવારના અગિયાર આસપાસનો સમય હતો. ‘રક્તદાન, સમાજ અને માધ્યમો’ એવા એક વિષય પર પંદરેક મિનિટનું વક્તવ્ય આપવાનું હતું. આશ્રમરોડ પર હૅન્ડલૂમ હાઉસની પાછળ આવેલા અમદાવાદ મેડિકલ ઍસોસિએશન ખાતે આયોજિત કાર્યક્રમમાં પહોંચવા માટે મીઠાખળી ગામ અને તેનું રેલવે ક્રૉસિંગ વટાવીને જવાનો રસ્તો મને વધુ અનુકૂળ પડે તેમ હતો. જો કે રેલવે ક્રૉસિંગ બંધ હતું. થોડી વાર રાહ જોઈ શકું એટલો સમય મારી પાસે બચ્યો હતો. બીજી તરફ જ્યાં પહોંચવાનું હતું તે સ્થળ પર ચાલીને જઈ શકું એટલો નજીક તો પહોંચી જ ગયો હતો.
આવી ગડમથલ ચાલતી હતી તેવામાં જ વાહનોના ભોં…પૂં…ઉં…અને ભીડ વચ્ચેથી એક મોટી બૂમ સંભળાઈ કે, ‘પોલીસ આવશે પછી જ આ ક્રૉસિંગ ખૂલશે.’ રેલવે ક્રૉસિંગ પર આવી જાહેરાત થતી સંભળાય એટલે નાનો-મોટો અકસ્માત થયો હોવાનું અનુમાન સહેજે લગાવી શકાય. જો કે અહીં એવું કંઈ દેખાતું નહોતું. સમય બગાડવાનું પાલવે તેમ નહોતું એટલે સ્કૂટરને ક્રૉસિંગ સામે જ આવેલી નર્મદ – મેઘાણી લાઇબ્રેરીના બાંકડા પાસે પાર્ક કર્યું. નજીક જઈને જોયું તો પોલીસને બોલાવવી પડે તેવું કોઈ જ કારણ નજરે પડતું નહોતું. હા, ભીડ વચ્ચેથી આવતા અવાજો ‘ઝઘડો’ થયાની સાહેદી પૂરતા હતા.
ઝઘડો પણ કેવો? મારે અને તમારે જાણવો પડે એવો. ટ્રેનની અવર-જવરનો સમય નજીક આવ્યો હશે તે સૂચના મળતા જ ગેટમેને રેલવે ક્રૉસિંગ બંધ કરી દીધું. એ જ ક્ષણે ત્યાં આવી પહોંચેલા અને સહેલ-સપાટા માટે નીકળેલા એક મોટર-સાઇકલસવાર પરિવારે હુકમ કર્યો કે ‘ક્રૉસિંગ ખોલી દો, અમારે મોડું થાય છે.’ કેમ જાણે એમના મનમાં હવેલી મંદિરનો ખ્યાલ વસતો હશે જ્યાં મુખિયાજીને વિનંતી કરો તો દર્શનનો સમય વધારી આપે અને ક્યારેક બંધ દર્શનના દ્વાર પણ ખોલી આપે. જો કે અહીં એવી કોઈ શક્યતા નહોતી એટલે પરિવારના મુખિયા એવા મોટર-સાઇકલચાલકે ગેટમેનને દમ મારવાની શરૂઆત કરી. બોલાચાલીથી શરૂ થયેલી વાત ગાળાગાળી અને છેવટે જાતિ-વિષયક ઉચ્ચારણો સુધી પહોંચી. એમ સમજીને કે અહીં કામ કરનાર તે થોડા કંઈ વાણિયા, બ્રાહ્મણ, પટેલ, રાજપૂત હોવાના હતા? એટલે આને તો કંઈ પણ કહી શકાય? તેની સાથે કોઈ પણ કક્ષાની તોછડાઈ કરી શકાય?
બસ અહીં પેલા ભાઈ ગોથું ખાઈ ગયા. એવડું મોટું ગોથું કે રેલવે પોલીસ આવીને એને બાવડેથી પકડીને લઈ ગઈ. પણ આ બધું કોના પ્રતાપે? તો એનો જવાબ છે ચીમનભાઈ શીવાભાઈ ચૌહાણના પ્રતાપે.
ચીમનભાઈ ચૌહાણ : ‘આ ચાવી મારા કહ્યામાં ન હોય’
ચીમનભાઈ ચૌહાણ / Chimanbhai Chauhan અમદાવાદ શહેર વચ્ચેથી પસાર થતી મીટરગેજ રેલવે લાઇન પરના ગાંધીગ્રામ રેલવે સ્ટેશન / Gandhigram Railway Station નજીક આવેલા મીઠાખળી / Mithakhali ગામ સ્થિત પંદર નંબરના લેવલ ક્રૉસિંગના ગેટમેન છે. 2 માર્ચ 2014ની સવારે ઉપર વર્ણવેલી ઘટના ઘટી ત્યારે એમણે ગાળો સહી લીધી. સાથે-સાથે ગાળો આપનાર ભાઈને એ સમજાવવાની કોશિશ કરી કે આ ક્રૉસિંગ હવે ખુલી ના શકે. એ સિવાયની કોઈ જ પ્રતિક્રિયા આપી નહીં. હા, ક્રૉસિંગ ખુલવાની રાહ જોતા અન્ય વાહનચાલકોને તેમણે વિનંતી કરી કે, ‘બીજો રસ્તો પકડી લો. આ ક્રૉસિંગ તો હવે પોલીસ આવશે પછી જ ખૂલશે.’ એક પણ વાહનચાલકે તેમના આ નિર્ણયને પડકાર્યો નહીં બલકે તેમની પડખે ઊભા રહ્યા.
ચીમનભાઈએ લેવલ ક્રૉસિંગ પરની તેમની કૅબિનમાંના સત્તાવાર ફોનથી પોતાના ઉપરી સાહેબોને ઘટનાની જાણ કરી એટલે ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની ફરજ પરની પોલીસ તરત હરકતમાં આવી. પ્લૅટફૉર્મનો બીજો છેડો પસાર કરે ત્યાં તો આ રેલવે ક્રૉસિંગ આવી જાય. ગણીને પાંચ મિનિટમાં તો આખી વાતનો ફેંસલો આવે તેવા ઘટનાક્રમની પહેલી ઈંટ મુકાઈ ગઈ. ફરજ પરના સરકારી કર્મચારીને તેના કામમાં અંતરાયરૂપ બનવાનો તેમજ કાયદાથી પ્રતિબંધિત છે તેવા જાતિ વિષયક ઉચ્ચારણો કહેવા બદલની ફરિયાદ નોંધવામાં આવી.
ચીમનભાઈ ચૌહાણ : ‘આમ આદમી’નું સ્વમાન
કોરટ-કચેરી તો થતાં થશે અને ફરિયાદની કાર્યવાહી નિયમ મુજબ આગળ ચાલશે જ. પણ સ્વમાન પામવાની, ત્વરિત ન્યાય માંગવાની ચીમનભાઈની આ પદ્ધતિ મને ગમી ગઈ. એથી ય વધુ તો પ્રતિક્રિયારૂપે એક પણ શબ્દનો જવાબ આપ્યા વિના આખી ય બાજીને જે રીતે તેમણે પોતાની તરફેણમાં કરી લીધી એ તો કાબિલેદાદ હતું. મારા માટે તો આ જ ‘સત્યમેવ જયતે’ હતું. ટી.વી. શૉ ન જોઈ શક્યાના અફસોસને ભૂલાવી દે તેવું.
ચીમનભાઈ ચૌહાણને બિરદાવવા આનાથી વધુ સારા શબ્દો મને જડતા નથી. મળી આવશે તો કહેવા માટે રૂબરૂ મળવા જ પહોંચી જઇશ. ન્યાય માટે માત્ર મિનિટો પૂરતું જ લડ્યા પણ અમીટ છાપ છોડી ગયા.
ખુદનું સ્વમાન જાળવવાની આમ આદમીની લડાઈ તો આવી જ હોયને!

(તસવીરો : બિનીત મોદી)