ખુશવંત સિંહ : સાંજ વિતાવવી ગમે એવા લેખક સાથે સવારની મુલાકાત

ખુશવંત સિંહ / Khushwant Singh

02-02-1915થી 20-03-2014

જન્મ : હદાલી, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખુશાબ જિલ્લાનું ગામ

અવસાન : નવી દિલ્હી – ભારત

એકવીસમી સદીનો પહેલો દાયકો પણ તેના અંતિમ દિવસો ગણી રહ્યો હોય તેવે વખતે કોઈ વ્યક્તિ ટાઇપિસ્ટના / Typist આવવાની રાહ જોતી હોય તો તેના વ્યવસાય, હોદ્દો કે કામના પ્રકારની ધારણા બાંધવાનું સહેલું છે. કાં તો તે વ્યક્તિ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલી હોય અથવા કૉર્ટમાં ન્યાયાધીશ હોય. આ બન્ને ન હોય તો પછી ટાઇપિંગ કામ કરી આપવાના વ્યવસાયી કામ સાથે તે સંકળાયેલી હશે એવું અનુમાન લગાવવાનું સહેલું પડે.
ચોમાસાની એક સવારે રાજધાની દિલ્હીમાં / New Delhi જેમના ઘરના મહેમાન બન્યા હતા તે યજમાને અમારા આગમનની નોંધ લેવા સાથે બીજી એક વ્યક્તિની રાહ જોવાનું શરૂ કર્યું, તેમના ટાઇપિસ્ટની. યજમાનનું નામ ખુશવંત સિંહ / Khushwant Singh. પહેલી ઓળખ પત્રકારની અને છેલ્લી ઓળખ લેખકની.
વૃંદાવન સોલંકી, ખુશવંત સિંહ અને ચિત્રા વૃંદાવન સોલંકી
‘આપનું આગમન પહેલેથી નિશ્ચિત ન હોય તો ડોર બેલ પણ ન દબાવશો’ એવી પ્રવેશદ્વાર પરની સૂચના વાંચ્યા પછી તેમના ઘરમાં પ્રવેશ તો મળ્યો જ. કેમ કે અમારી મુલાકાત પહેલેથી ગોઠવાયેલી હતી. ફૅસલેસ અને બ્લૅક એન્ડ વાઇટ ચિત્રોથી ખ્યાત ચિત્રકાર વૃંદાવન સોલંકી / Vrundavan Solanki અને ખુશવંત સિંહના પુત્ર રાહુલ સિંહ / Rahul Singh એકબીજાના દાયકાઓ જૂના દોસ્ત છે. વૃંદાવનભાઈ અને તેમના પત્ની ચિત્રાબહેન / Chitra Vrundavan Solanki દિલ્હીની મુલાકાતે હોય, રાહુલ સિંહ રાજધાનીમાં હોય એટલે ‘પાપાજી’ ઉર્ફે ખુશવંત સિંહજીને મળવાનું હોય જ. મોટે ભાગે એ મુલાકાતનો સમય સાંજનો હોય. પરંતુ આ વખતે કથળેલી તબિયતના કારણસર જ સવારનો સમય આપ્યો. દિવસ હતો શનિવાર 5 સપ્ટેમ્બર 2009ની સવાર. રાહુલ સિંહએ કહ્યું કે હમણાંથી તો માલાને (તેમના દીકરી) પણ બપોરના સમયે જ મળવા બોલાવી લે છે. સાથે-સાથે ઉમેર્યું કે, પાપાજી અત્યાર સુધી તમારી રાહ જોતા હતા, હવે ટાઇપિસ્ટની રાહ જોશે. છેલ્લા થોડા વર્ષોથી તેમનો સવારનો સમય મોટેભાગે આ રીતે જ પસાર થતો આવ્યો છે.
એક ખુશનુમા સવારે…ખુશવંત સિંહ…
ઉંમર વધવા સાથે ઊંઘ ઓછી થઈ છે એટલે ખુશવંત સિંહની સવાર વહેલી ઉગે છે. હળવી કસરત કરવાનો પણ સાથ આપવાને ઇનકાર કરતા શરીરને પહેલો સાથ બ્લૅક ટીનો / Black Tea મળે છે. સાથે એકાદ બિસ્કિટ કે કુકીઝ. પછી વારો આવે છાપાંનો. દૈનિક અખબારોનું વાચન કેટલા ઓતપ્રોત થઈને કરતા હશે એ જાણવા માટે કોઈ સવાલ કરવાની જરૂર ન પડે. સોફા ચેરની બાજુમાં ગોઠવેલી સ્પોટલાઇટ, ચશ્માંની બીજી જોડ અને નાનકડા લેમ્પની સુવિધાવાળા મૅગ્નિફાયિંગ ગ્લાસની હાજરી જ બધું બયાન કરી આપે.
સવારનો સમય તેમની સાથે ડાયલૉગ કરવાનો કે ઝાઝી વાતોએ વળગવાનો યોગ્ય સમય નહોતો. એ માટે તો સાંજનો સમય જ જોઈએ. બપોરનો સમય તેઓ વાચનમાં અને લેખનમાં વિતાવે. હા, જેમની સવારથી રાહ જોતા હોય એ ટાઇપિસ્ટની મદદથી લેખનકાર્ય ચાલુ રહે. કૉલમનું મેટર પણ એ ભાઈ જ પ્રેસમાં આપવા માટે સાથે લઈને જાય.
અખંડ હિન્દુસ્તાનના ભારત – પાકિસ્તાન એવા બે દેશોમાં ભાગલાનું વર્ણન કરતી તેમની નવલકથા ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ / Train to Pakistan કૉલેજમાં ભણતા વાંચી હતી. અંગ્રેજી અખબારોમાંના તેમનાં લખાણો ખૂબ ઓછા અને હિન્દીમાં અનુવાદિત થયેલું થોડુંક સાહિત્ય, મોટેભાગે તો કૉલમ સાહિત્ય જ વાંચ્યું હતું તેવા લેખકના ઘરમાં હતો પરંતુ તેમની સાથે વાતચીત થઈ શકે તેમ નહોતી. શારીરિક મર્યાદાઓ સિવાય કોઈ કારણ નહોતું. છતાંય થોડી શક્યતાઓ તો હતી જ હતી. વૃંદાવનભાઈ દિલ્હીમાં આયોજિત તેમના ચિત્રોના વન-મેન-શૉનું કૅટલૉગ બતાવવા સાથે પાપાજીને કેટલીક વિગતો આપી રહ્યા હતા.
પિતા-પુત્રની દોસ્તી : ખુશવંત સિંહ અને રાહુલ સિંહ
વાંચવા – લખવામાં તેમને પડતી અગવડો જોઈને જ તેમને અહીં છું એ કલાક દરમિયાન કોઈ રીતે ઉપયોગી થઈ શકું કે કેમ એવી મારી પૂછપરછનો વાયા રાહુલ સિંહ જ જવાબ આવ્યો…‘No Gentleman, Reading is my Hobby.’ લખવા માટે જમાના પ્રમાણે કમ્પ્યૂટરની મદદ લેવાનું ગમે? લઈ શકો? એવા સવાલનો જવાબ તેમણે એમની સ્ટાઇલમાં જ વાળ્યો…‘Sounds of Typewriter Strokes Inspires Me’…‘उसकी टक-टक अच्छी लगती है.
સર્જકની સાથે : શિલ્પા અને બિનીત મોદી
રાજકીય ગતિવિધિઓથી કેવી રીતે વાકેફ રહો છો તેવા સવાલના જવાબમાં ‘રાહુલ (ગાંધી) મીલને આયા થા…બહુત દિનોં સે મીલના ચાહ રહા થા’ સાંભળ્યા પછી તેમના રાજકીય – રાજદ્વારી સંબંધો જાણતા મારે આથી આગળ જાણવાનું કંઈ બાકી નહોતું રહેતું. રૂબરૂ મુલાકાતમાં રાહુલ ગાંધીની / Rahul Gandhi તુલના તેમણે તેના પિતા રાજીવ ગાંધી / Rajiv Gandhi કે દાદી ઇન્દિરા ગાંધીને / Indira Gandhi બદલે દાદા ફિરોઝ ગાંધી / Feroze Gandhi સાથે કરી હતી. એ ઠરેલ સ્વભાવનો છે એવું તેમનું નિરીક્ષણ હતું.
મને પણ એમના ઘરનું નિરીક્ષણ કરવાની ઇચ્છા હતી. લેખકની લાઇબ્રેરી જોવી હતી. જોઈ. અંગ્રેજી પુસ્તકો અને સંદર્ભ ગ્રંથોથી સમૃદ્ધ. તેમને ભેટમાં મળેલા બે પુસ્તકો મને ભેટમાં આપ્યા. ‘યે કૈસા ખાલિસ્તાન’ લેખક બી.એસ. બીરનો વાર્તાસંગ્રહ અને ભારતની સંસદ વિશેનો એક સંદર્ભ ગ્રંથ. પુસ્તકો આપતી વખતે સાથે રહેલી પત્ની શિલ્પાને એમ પણ કહ્યું કે, ‘આ લાઇબ્રેરી તમારા માટે પણ ખુલ્લી છે. ઇચ્છો એ પુસ્તક લઈ જઈ શકો છો.’ એમ સમજો કે આ ભેટ નહીં પણ બૅરર ચેક હતો. ગમે ત્યારે વટાવી શકાય. અમૃતસરના / Amritsar, Punjab સુવર્ણ મંદિરમાં / Golden Temple ભારતીય સેનાના પ્રવેશથી નારાજ થયેલા ખુશવંત સિંહએ પદ્મ ભૂષણ સન્માન (1974) / Padma Bhushan મળ્યાના દસ વર્ષે 1984માં તેને પરત કરી દીધું હતું. એ પછી ભારત સરકારે તેમને 2007માં પદ્મ વિભૂષણ / Padma Vibhushan સન્માનથી નવાજ્યા.
પદ્મ વિભૂષણ સન્માન…અને…
…દિવાલ શોભાવતું ચિત્ર
પિતાજી શોભા સિંહએ બાંધેલા અને દાદાનું નામ જેને અપાયું તે નવી દિલ્હીના સુજાન સિંઘ પાર્ક સ્થિત ખુશવંત સિંહના ઘરના ડ્રોઇંગ રૂમમાં કે તેમના અંગત રૂમમાં આ સન્માન મને જોવા મળ્યું નહીં. પદ્મ સન્માન મેળવનાર કેટલાક મહાનુભાવોને અમદાવાદ – ગુજરાતમાં મળ્યો છું પણ સન્માનપત્ર કદી જોયું નહોતું. અહીં એ જોવાની, તેમાંનું લખાણ વાંચવાની તક હતી. એ તક જતી નહીં કરવા માગતા મેં એ બાબતે પૂછ્યું એટલે રાહુલ સિંહ એક રૂમમાં લઈ ગયા. ત્યાં બે વસ્તુ બતાવી. એક – 1970ની આસપાસ ખરીદેલું વૃંદાવન સોલંકીનું ‘ઇન્ક ઑન પેપર’ માધ્યમનું ચિત્ર દિવાલ પર શોભતું હતું. અને બીજું જે મારે જોવું હતું તે…પદ્મવિભૂષણ સન્માનપત્ર. ના, તેને કોઈ દિવાલ પર સ્થાન નહોતું મળ્યું, કાસ્કિટ્માં / Casket બંધ હતું. એવું…જેવું રાષ્ટ્રપતિ ભવનમાંથી મળ્યું હોય.
ખુશવંત સિંહ by વૃંદાવન સોલંકી
પદ્મ સન્માનને ગળે લટકાવી ફરતા સંખ્યાબંધ લોકો સામે કોઈ એકલ-દોકલ ખુમારી હોય તે આવી જ હોય…જેવી ખુશવંત સિંહએ બતાવી. આવી ખુમારી બતાવીને 20 માર્ચ 2014ના રોજ આ જગતમાંથી વિદાય લીધી તેના ઘણાં વખત પહેલાં તેઓ ‘મૃત્યુ’ વિશે ઊંડું ચિંતન કરતા હતા. જો કે એ બધાની વચ્ચે પણ 2 ફેબ્રુઆરી 2014ના દિવસે સોમો જન્મદિન નજીકના સગાં-સંબંધી-મિત્રો વચ્ચે રહી રંગેચંગે ઉજવ્યો. વૃંદાવન સોલંકી એમાંના એક હતા. એ પ્રસંગે કરેલું તેમનું પૉર્ટ્રિટ / Portrait અને હસ્તાક્ષર એ જ હવે તેમની આખરી સ્મૃતિ બની રહેશે.

(તસવીરો : બિનીત મોદી)