ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (મે – 2014)

(મે – 2014)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?…પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 43મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012 અને 2013ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે મે – 2014. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Thursday, 1 May 2014 at 01:40pm)
ધર્મગુરૂની હોદ્દાગત ઓળખને ખાદ્ય પદાર્થની નામજોગ ઓળખ સાથે જોડી આપતી એક જ વાનગી આખા વિશ્વમાં ઉપલબ્ધ છે…પોપકોર્ન…
* * * * * * *

દિગ્વિજયસિંહ કી લવ સ્ટોરી : અમૃતા રાય
(Saturday, 3 May 2014 at 09:25am)
દિગ્વિજયસિંહજીપાકટ વયે પુનઃ પ્રેમમાં પડીને અમૃતા રાય સાથે લગ્નસંબંધ સુધી આગળ વધવાની પ્રેરણા ક્યાંથી અને કેવી રીતે મળી?”
મારા વતન મધ્યપ્રદેશમાં આવેલા ખજૂરાહોના શિલ્પો જોઈ-જોઈને.
* * * * * * *

(Monday, 5 May 2014 at 09:45am)
જાડિયા-પાડિયા લોકો બેકપેક લટકાવીને ફરતા હોય ત્યારે ખબર નથી પડતી કે બોડી ક્યાં પૂરું થાય છે અને ખરેખરો થેલો ક્યાંથી શરૂ થાય છે. ખરેખર હોં!
* * * * * * *

(Thursday, 8 May 2014 at 05:00pm)
ગુજરાતમાં જામજોધપુર એક એવું ગામ છે કે જેના નામમાં ‘જામ’ શબ્દ હોવા છતાં ત્યાં ‘જામ’ લઈ શકાતો નથી. એ માટે તેના નામમાં જ જેનો સમાવેશ છે તેવા રાજસ્થાનના ‘જોધપુર’ શહેર સુધી લાંબા થવું પડે છે.
* * * * * * *

(Saturday, 10 May 2014 at 06:20pm)
અમારે ત્યાં ડાયબીટિઝ માટે લોહી પેશાબની તપાસ કરાવ્યા પછી જાડી-પાડી વ્યક્તિને કાર્ડ પેપર પર અને પાતળી વ્યક્તિને પાતળા કાગળ પર રિપોર્ટ પ્રિન્ટ કરી આપવામાં આવે છે.
લિ. નિયામક ડમડમબાબા ડાયબીટિઝ માપક કેન્દ્ર
* * * * * * *

(Wednesday, 14 May 2014 at 01:20pm)
ભારતમાં બેંકના બ્રાન્ચ મેનેજરની કેબીન કરતાં ATMની કેબીન મોટી થઈ ગઈ છે.
* * * * * * *

(Thursday, 15 May 2014 at 07:55pm)
આવતીકાલે રિઝલ્ટ છે…
દસમા બારમા ધોરણનું નહીં હવે…સોળમી લોકસભા ચૂંટણીનું…
* * * * * * *

(Saturday, 17 May 2014 at 03:10pm)
સોળમી લોકસભાના ચૂંટણીના પરિણામો ટેલિવિઝનના માધ્યમથી જોવા જાણવા બહુમતી નાગરિકોએ જે સ્વીચ પાડી તેની પાછળ ગઈકાલે બહુમતી મેળવનાર ભારતીય જનતા પક્ષનો એક નાનકડો ઇતિહાસ સમાયેલો છે.
મેં તમે પાડેલી એ સ્વીચ મોટેભાગે ઍન્કર (ANCHOR) કંપનીએ બનાવેલી હોવાની. એ સ્વીચના બનાવનારા મુંબઈવાસી કચ્છી ઉદ્યોગસાહસિક દામજીભાઈ શાહ ઍન્કરવાળા 1980 – 1981ના ગાળામાં ભારતીય જનતા પક્ષને એક લાખ રૂપિયાનું ચૂંટણીફંડ આપ્યું હતું. રાષ્ટ્રીય પક્ષ તરીકે નોંધણી પામેલા પરંતુ લોકસ્વીકૃતિ પામવા માટે એક તકની રાહ જોતા ભાજપને માટે તે એટલી મોટી રકમનું દાન હતું કે ગુજરાતના દૈનિકોએ તેને પહેલા પાનાના સમાચાર બનાવ્યા હતા.
એટલા માટે કે રોકડ રકમ સ્વરૂપે મળેલા આ દાનનો સ્વીકાર કરનારા ગુજરાત ભાજપના નેતા શંકરસિંહ વાઘેલા હતા. દાન લાવી આપવાના દમ પર સમય જતાં તેમણે પક્ષ પાસેથી રાજ્યસભાનું સભ્યપદ પણ જીદ કરીને મેળવી લીધું હતું. ચાર વાર લોકસભાના સભ્ય રહી ચૂકેલા એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાલ 2014માં ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા છે. પંદરમી લોકસભા (2009) પછી સોળમી લોકસભા ચૂંટણી પણ 85000 મતના તફાવતથી હારી જનાર શંકરસિંહ વાઘેલા ગાંધીનગરમાં વસંત વગડોનામના 85000 ચોરસ ફીટના બંગલામાં રહે છે.
(સોળમી લોકસભાની ચૂંટણી અને મતગણતરી : એપ્રિલ – 16 મે 2014)
* * * * * * *

કવિ  પ્રાધ્યાપક નિરંજન ભગત : આજે થયા ઇઠ્યાશી (*)
(Sunday, 18 May 2014 at 04:55pm)
અમદાવાદમાં જન્મેલા કવિ નિરંજન ભગત આજે થયા ઇઠ્યાશી વર્ષના…જન્મ : 18 મે 1926
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના અંગ્રેજીના નિવૃત્ત અધ્યાપક ભગત સાહેબનો આ ફોટો અમદાવાદની એચ.કે. કૉલેજના વર્ગખંડમાં પાડ્યો હતો. કવિ ઉમાશંકર જોશીના શતાબ્દી વર્ષની ઉજવણી માટે મળેલી સભા (રવિવાર10 એપ્રિલ 2011) પછી મેં તેમને વિનંતી કરતાં કહ્યું કે…મારે અધ્યાપકને બેન્ચ પર બેસાડીને ફોટો પાડવો છે.તેમનો જવાબ હતો…અરે, તમે કહો તો ઊભા રહીને પણ પડાવું. મારા ક્લાસમાં સરખું ના ભણતા વિદ્યાર્થી માટે બે જ સજા રહેતી…વર્ગની બહાર ઊભા રહો અથવા બેન્ચ પર.
* * * * * * *

(Tuesday, 20 May 2014 at 01:33pm)
અમદાવાદની ચુંમાળીસ ડિગ્રી ગરમીમાં શેકાયેલું સંશોધન…
તડબૂચ એક માત્ર એવું ફ્રૂટ છે જેના નામમાં ગુજરાતી અટક બૂચને સ્થાન મળ્યું છે. કેરીઅટક અંગ્રેજોના ફાળે ગઈ છે.
* * * * * * *

આનંદીબહેન પટેલ
(Thursday, 22 May 2014 at 06:00pm)
વૅકેશનમાં આમ તો કોઈ શિક્ષક કે પ્રાધ્યાપકની નિમણૂક સ્કૂલ કૉલેજમાં થતી નથી…પરંતુ નિવૃત્ત શિક્ષિકા આચાર્ય શ્રીમતી આનંદીબહેન પટેલની ચાલુ વૅકેશનમાં આજે ગુજરાતના પંદરમા અને રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રીપદે સોગંદવિધિ થઈ છે.
(નોંધ : સ્કૂલેથી છૂટીને ઘરે ગયા પછી મૂકેલું પ્રોફાઇલ સ્ટેટસ)
* * * * * * *

(Saturday, 24 May 2014 at 12:00Noon)
સમાજસુધારણાની દિશામાં આગળ વધતાં માથે ઓઢવાના કે પરદાપ્રથામાં રહેવા જેવા કેટલાક રિવાજો દૂર થયા. જો કે અમદાવાદના ઉનાળામાં એ રિવાજો પાછા આવે છે, એટલું જ નહીં મહિલાઓની સાથે પુરુષો પણ તે રિવાજોનું પાલન કરે છે.
* * * * * * *

નરેન્દ્ર મોદી : પંદરમા વડાપ્રધાન
(Monday, 26 May 2014 at 11:05pm)
વહાલા દેશવાસીઓ,
જત જણાવવાનું કે…આજથી મારું ઑફિસનું સરનામું બદલાયું છે...
જૂનું સરનામું : મુખ્યમંત્રીનું કાર્યાલય ગુજરાત સરકાર, સ્વર્ણિમ સંકુલ – 1, વિધાનસભા સચિવાલય, ગાંધીનગર.
નવું સરનામું : વડાપ્રધાનનું કાર્યાલય ભારત સરકાર, સાઉથ બ્લોક, રાયસીના હિલ્સ, નવી દિલ્હી.
(તા.ક. અત્યાર સુધી ગુજરાતીમાં લખતા આપને હવેથી સરનામું હિન્દી અથવા અંગ્રેજીમાં કરવા વિનંતી. આપનો આભાર.)
લિ. આપનો સેવક – નરેન્દ્ર મોદી
* * * * * * *

નરેન્દ્ર મોદી : 7 રેસકોર્સ રોડના નવમા રહેવાસી
(Tuesday, 27 May 2014 at 04:26pm)
વહાલા દેશવાસીઓ,
જત જણાવવાનું કે…આજથી મારું ઘરનું સરનામું બદલાયું છે…
જૂનું સરનામું : બંગલા નંબર – 26મંત્રીશ્રીઓના નિવાસસ્થાન, રાજભવન લેન, સરકીટ હાઉસ પાસે, સેક્ટર – 20, ગાંધીનગર.
નવું સરનામું : ભારતના વડાપ્રધાનનું નિવાસસ્થાન7 રેસકોર્સ રોડ, નવી દિલ્હી.
(તા.ક. અત્યાર સુધી ગુજરાતીમાં લખતા આપને હવેથી સરનામું હિન્દી અથવા અંગ્રેજીમાં કરવા વિનંતી. આપનો આભાર.)
લિ. આપનો સેવક – નરેન્દ્ર મોદી
* * * * * * *

(Wednesday, 28 May 2014 at 04:25pm)
પાસપોર્ટની અરજી સાથે સેલ્ફીએટેચ કરેલો હશે તો માન્ય ગણાશે.
હુકમથી રેગિસ્તાની રિયાસત ઑફ રાજસ્થાનના પરદેશ પ્રધાન
ગયા મહિને અહીં મુકેલી એપ્રિલ – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
…..તેમજ ગયા વર્ષે જૂન મહિનામાં અહીં મુકેલી મે – 2011, મે – 2012 તેમજ મે 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/06/2011.html

(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)