વાર્તા રે વાર્તા : મગર જી નહીં સકતે તુમ્હારે બિના

સ્થળ : ડૉક્ટરનો કન્સલ્ટિંગ રૂમ, મુકામ પોસ્ટ : વડોદરા / Vadodara
સમય : ચોમાસાના ચાર મહિનાના કોઈ પણ દિવસનો કોઈ પણ સમય
દરદી:ઓ બાપા રે…આ કેડો ભાંગી નાખી આજે તો…
ડૉક્ટર:કેમ શું થયું આજે પાછું? તમારા લોકોનો આ જ પ્રોબ્લેમ છે. પહેલાં વરસાદ ન આવે ત્યારે દુઃકાળની બૂમો પાડો અને વરસાદ આવે ત્યારે પૂરની. તમે લોકો વિકાસને લાયક જ નથી. વરસાદી પાણીમાં બહુ નાચમનાચી કરી લાગે છે. ટટકાવીને ગણેશ વિસર્જનમાં ગયેલા?”
:સાહેબ, તમે મને ઉંદર સમજો છો? અહીં મારો જીવ જાય છે ને…
ડૉ.:અચ્છા, કહો. શું થયું?”
:અરે જવા દો ને વાત જ…
ડૉ.:જવા દીધી, બસ? ચાલ, હવે બહાર નીકળ અને બીજા પેશન્ટને આવવા દે. ટાઇમ ખોટી ના કર…
:ઓ બાપા રે, મરી ગયો માડી…આ મારી કેડ…
ડૉ.:શું થયું કેડને? કમરદર્દ છે? તો મૂવ લગાડી દે.
:ભાંગી નાખી…
ડૉ.:કોણે? આ સંસ્કારી નગરીમાં એવી હિંમત કોણે કરી? નામ દો એનું…હમણાં જ પકડી મંગાવીએ એને…
:એ જ મોકાણ છે ને…એ નાસી ગયો…મને એનું નામ પણ ખબર નથી.
ડૉ.:હં..તો તો એ આ સંસ્કારી નગરીનો નાગરિક જ હશે. હશે, ચાલો, દવા તો કરવી છે ને? કેમ કરતાં આ થયું?”
:આજે વરસાદ / Rain સારો એવો પડ્યો તે મેકુ જરા લટાર મારવા બહાર નીકળીએ. એમાં ને એમાં હું આગળ વધી ગયો. શહેરમાં પાણી વધતા જતા હતા એમ હું પણ આગળ વધતો હતો.
ડૉ.:શહેરમાં ઘૂસ્યા એમ જ કહો ને.
:સાહેબ, ધોળે દાડે, મેઇન રોડ પરથી જ આવ્યોતો. એમ ગમે એમ ન બોલો. હા, હું ક્યાં હતો?”
ડૉ.:શહેરમાં…
:ત્યાં સામેથી એક સ્કૂટરસવાર પણ ગોઠણભર પાણીમાં ઘૂસ્યો.
ડૉ.:પાડી ના દઇએ એને…? સ્કૂટરોવાળાને રોડ પર આવવાનો અધિકાર જ નથી. ગમે ત્યારે નીકળી પડે, ગમે ત્યાં ઊભું કરી દે…
:હું એમ જ કરવા ગયો…અને એમાં જ મારી આ દશા થઈ. મને જોઈને એ ગભરાયો. એવો ગભરાયો કે એનું સ્કૂટર પડી ગયું બંધ…અને મારી કમબખ્તી થઈ શરૂ.
ડૉ.:યે બાત કુછ હજમ નહીં હુઈ.
:તો હાજમોલા લિજીયે, મગર મુઝપે યકીન કિજીયે. એના બંધ પડેલા સ્કૂટર તળે હું ઘૂસવા ગયો એ જ મારી મોટી ભૂલ. એ ને એનો દોસ્તાર નીચે ઉતરીને સ્કૂટર ચાલુ કરવા જે કિક મારે…જે કિક મારે…સ્ટેન્ડ પર ચઢાવે ને…આડું-અવળું હલાવે જાય…મારો તો જીવ જાય…એની કિક ને મારી કેડ…સલમાન ખાનની કિકતો લમણામાં વાગેલી. આ તો સીધી કેડ પર જ આવતી હતી. સ્કૂટર તો ચાલુ ના જ થયું…પણ મને અધમૂઓ કરી નાખ્યો.
ડૉ.:વાઉ! પછી? શું થયું?”
:સાહેબ, તમને આમાં વાર્તા દેખાય છે? હું તો ખો ભૂલી ગયો હવે. આવતા ચોમાસાથી / Monsoon નહીં, આવતીકાલથી ગામમાં પગ મુકું તો કહેજો ને.
ડૉ.:અરે, આ ગામ નથી, શહેર છે. અચ્છા, પણ એ હતો કોણ? કંઈક વર્ણન આપો તો આપણે તપાસ કરાવીએ.
:જવા દો ને, સાહેબ…કોઈક બજાજ ચેતક સ્કૂટરવાળો હતો. એને કશુંય ના કરતા. રાજાના ગામમાં રેવુંને ક્યાં રાણા પ્રતાપ જોડે વર્ષો જૂની રાજવટ બગાડવી?”
(એ પછી ડૉક્ટર દરદીને ટેબલ પર લે છે. અને ઇલાજ શરૂ કરે છે. એ દરદી મગર / Crocodile હતો એ જણાવવાની જરૂર ખરી?)
(તસવીરો : પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધી છે.)