વડાપ્રધાનના સિંહાસન (PMO) સામે ‘કેટ’ (CAT)ની ત્રાડ

સંજીવ ચતુર્વેદી : બદલીઓનું રોલર કોસ્ટર અને નિમણૂકના ન્યાય – અન્યાય
સનદી અધિકારીઓની કનડગત અને વારંવાર બદલીઓ કરવાના મામલે હરિયાણા / Haryana બીજા રાજ્યો વચ્ચે મેદાન મારી ગયું છે. બાપ-દાદાના કલાઈ કરવાના ધંધાને કોરાણે મુકીને પારકી જમીનો ઓળવી જવાના મલાઈદાર ધંધામાં સામેલ રોબર્ટ વાડરાને / Robert Vadra એમ કરતા રોકનાર, માર્ગમાં રોડાં નાખનાર હરિયાણા કૅડરના સનદી અધિકારી અશોક ખેમકાની / Ashok Khemka દર બે-ચાર મહિને બદલી કરી દેવામાં આવતી. ખેમકા એ દરેક પોસ્ટિંગને હસતા મોંએ સ્વીકારી પોતાની જવાબદારી નિભાવતા રહ્યા. વારંવારની બદલીને Punishment Transfer ગણતા હરિયાણા કૅડરના જ અન્ય એક અધિકારી સંજીવ ચતુર્વેદીએ શું કર્યું અને અંતે શું મેળવ્યું એ જાણવા જેવું છે.
વડાપ્રધાન કાર્યાલય (PMO) સામે દંડૂકો ઉગામતી ટ્રિબ્યૂનલ (CAT)
ભણતરની રીતે ઇલેક્ટ્રિકલ એન્જિનિઅર થયેલા હરિયાણા કૅડરના 2002ની બેચના આઈએફએસ (ઇન્ડિઅન ફોરેસ્ટ સર્વિસ) અધિકારી 41 વર્ષીય સંજીવ ચતુર્વેદીને / Sanjiv Chaturvedi તેમની માગણી પ્રમાણે કૅડર નહીં બદલી આપવાના મામલે વડાપ્રધાન કાર્યાલયને / Prime Minister’s Office http://pmindia.gov.in/en/ શૉક ટ્રિટમેન્ટ મળી છે. શૉક ટ્રિટમેન્ટ આપનાર સંસ્થાનું નામ છે CAT – સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રિબ્યુનલ / Central Administrative Tribunal http://cgat.gov.in/. ભારતીય સનદી સેવામાં / Indian Administrative Service જોડાયેલા અધિકારીઓને તેમની નિમણૂક, બદલી કે સર્વિસ દરમિયાન થતા ન્યાય-અન્યાયના પ્રશ્નો સુલઝાવવાનું…તેમાં લવાદરૂપ ભૂમિકા ભજવવાનું કામ આ સંસ્થા કરે છે. સંસ્થા પોતે પણ સરકારી જ છે એ પણ આ મામલામાં ખાસ નોંધવું રહ્યું.
બબ્બે રાષ્ટ્રપતિઓના વિધેયાત્મક અભિપ્રાય પછી 2012થી કૅડર બદલવા માગતા ને આજે 2015માં પણ જેમની ધોરણસરની નોકરીનું ઠેકાણું નથી પડ્યું તેવા IFS સંજીવ ચતુર્વેદીને આગામી બે મહિનામાં યોગ્ય પોસ્ટીંગ આપવા બાબતે CAT – સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રિબ્યુનલએ સીધો વડાપ્રધાનને કેમ આદેશ કરવો પડ્યો તે મામલો વિગતે જ તપાસીએ.
ન્યાયના પક્ષે બે રાષ્ટ્રપતિ : પ્રતિભા પાટિલ અને પ્રણવ મુખરજી
સંજીવ ચતુર્વેદીએ હરિયાણા કૅડરના આઈએફએસ અધિકારીની રૂએ 2009માં શોધી કાઢ્યું કે પ્રદેશના ગામ ઝજ્જરમાં / Jhajjar વૃક્ષારોપણ જમીનને બદલે માત્ર કાગળ પર જ થયું હતું. તેમના એક અહેવાલ માત્રથી ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’ જેવા ચાલીસ અધિકારીઓ ચાર્જશીટ સાથે સસ્પેન્ડ થયા. શિરપાવરૂપે ચતુર્વેદીની બદલી કરી દેવામાં આવી જેની તેમને નવાઈ નહોતી. કેમ કે 2005થી 2010 વચ્ચે તેમની આવા જ કારણોસર બાર વખત બદલીઓ કરવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ (હવે ભૂતપૂર્વ) મુખ્યમંત્રી ભૂપિન્દર સિંઘ હુડાની / Bhupinder Singh Hooda આગેવાની હેઠળની હરિયાણા સરકારએ તેમની વિરૂધ્ધ એક ચાર્જશીટ દાખલ કરી કે તેમના સમયમાં જે વૃક્ષારોપણ થયું હતું એ વૃક્ષો બચી શક્યા નથી. ખોટા આરોપોથી તંગ આવી ગયેલા સંજીવે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને / Pratibha Devisingh Patil પત્ર લખી જાણ કરી કે હરિયાણા સરકાર તેમની કેવી અને કેટલી હેરાનગતિ કરી રહી છે. રાષ્ટ્રપતિના કાર્યાલયે કરેલી તપાસમાં હરિયાણા સરકારના આરોપો ખોટા ઠર્યા અને ચાર્જશીટ રદ કરવામાં આવી. હરિયાણાની હુડા સરકારે રાષ્ટ્રપતિના આ નિર્ણયને બહાલ કરવાના બદલે વૃક્ષારોપણ માટે નક્કી કરવામાં આવેલી રકમનો દુરૂપયોગ થયો છે અને તેને પરત કરવા બાબતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવી વધુ એક ચાર્જશીટ મુકી. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના બદલાઈ ચુકેલા ભાડુઆત પ્રણવ મુખરજીએ / Pranab Mukherjee આ ચાર્જશીટને પણ નકારી કાઢી. કેમ કે હરિયાણામાં રહેવાને જીવનું જોખમ બતાવી ચુકેલા સંજીવ એ સમયે હરિયાણા કૅડર છોડીને કેન્દ્ર સરકારની સેવાઓમાં હંગામી ધોરણે દાખલ થઈ ગયા હતા. તેમણે કરેલી ફરિયાદોમાં કેટલાકના મામલે તો સીબીઆઈ ઇન્કવાયરી પણ ચાલી રહી હતી. રાષ્ટ્રપતિને રૂબરૂ મળીને પોતાનો કેસ સમજાવી ચુકેલા ચતુર્વેદી પોતાની હરિયાણા કૅડર કાયમ માટે છોડીને ઉત્તરાખંડ / Uttarakhand સરકારની સેવાઓમાં જવા માગતા હતા જેના માટે પ્રારંભિક તબક્કે હરિયાણા સરકાર પણ રાજી નહોતી. એ માટે રાષ્ટ્રપતિ ભવને તેમને સનદી સેવાના નિયમાનુસાર આગળ વધવાની સલાહ આપી જેનો તેમણે સ્વીકાર કર્યો.
આ દરમિયાન તેમને દિલ્હીની AIIMS – ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીઝમાં (એઇમ્સ) ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિમણૂક આપી ચીફ વિજિલન્સ ઑફિસરના પદનો વધારાનો હવાલો આપવામાં આવ્યો. અહીં પણ ચતુર્વેદી ‘સીધા’ તો ન જ રહ્યા, ન તેમની કામગીરી સરળ રહી. પદ સંભાળ્યા પછી તેમણે AIIMSના કમ્પાઉન્ડમાં ચાલતી ફાર્મસીને દવાઓ સપ્લાય કરનારની ટ્રકમાંથી રૂપિયા છ કરોડની પ્રતિબંધિત દવાઓ પકડી પાડી. આ ફાર્મસી કૉંગ્રેસના ધારાસભ્ય દ્વારા ચાલતી હતી. AIIMSના ડૉક્ટરો એકૅડૅમિક દ્રષ્ટિએ જેમાંથી કશું નીપજવાનું ન હોય તેવી વણજોઈતી કૉન્ફરન્સમાં હાજરી આપવા સપત્ની-પરિવાર સાથે પરદેશની મુસાફરી કરતા હોય તેવા અમન-ચમન પ્રવાસો પર તેઓ તવાઈ લાવ્યા. અને છેલ્લે તો એમણે એ પણ શોધી કાઢ્યું કે કેન્સરથી પીડાતા એક ડૉક્ટરના કુતરાની રેડિયોથેરાપી સારવાર AIIMSમાં ચાલી રહી હતી – માણસોની હૉસ્પિટલમાં.
ચતુર્વેદીની આ પ્રકારની લોકભોગ્ય કામગીરીથી માહિતગાર અને ભારે બહુમતીથી બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદે આવેલા અરવિંદ કેજરીવાલે / Arvind Kejriwal તેમની સેવાઓ દિલ્હી સરકારમાં લેવા માટે મોદી સરકાર સમક્ષ માગણી મુકી. જેનો આઈએફએસ કૅડર જેમના તાબામાં આવે તેવા કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર / Prakash Javadekar કે સંજીવ જ્યાં ફરજ બજાવતા હતા કે આજે ૨૦૧૫માં પણ બજાવી રહ્યા છે તે AIIMS જેમના તાબામાં આવે તેવા તત્કાલીન કેન્દ્રિય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનએ / Harsh Vardhan (Dr.) કોઈ જવાબ ન આપ્યો. આરોગ્યમંત્રીના પદ પર આવતા અગાઉ જ સંજીવ ચતુર્વેદી સામે બાંયો ચઢાવીને બેઠેલા સંસદસભ્ય જગત પ્રકાશ નડ્ડાએ / Jagat Prakash Nadda ખુરશી સંભાળતા વેંત સંજીવ પાસેથી વિજિલન્સની કામગીરી છીનવીને માત્ર ડાયરેક્ટરના પદ પર ચાલુ રહેવા જણાવ્યું કે જે અંતર્ગત ભાગ્યે જ કોઈ કામગીરી કરવાની રહેતી હતી.
કૅબિનિટમાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ

અદબ, પલાંઠી અને મોં પર આંગળી

2012થી કૅડર બદલવા ઇચ્છતા સંજીવ ચતુર્વેદી નિયમ મુજબ જ્યાંથી બેદખલ થવા માગતા હતા તે હરિયાણા સરકારનું ‘નો ઑબ્જેક્શન’ સર્ટિફિકેટ્ માર્ચ 2014માં મેળવ્યું. તેમની સેવાઓ લેવા ઇચ્છુક ઉત્તરાખંડ સરકારે તેમની સેવાઓ લેવાના નિર્ણયને બીજે મહિને એપ્રિલમાં મંજુરી આપી. પર્યાવરણ મંત્રાલય અને તેના મંત્રી પ્રકાશ જાવડેકરે જુલાઈ 2014માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના આ અધિકારીને કૅડર બદલવાની મંજૂરી આપી. આ આખો મામલો જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી (રાજનાથ સિંહ / Rajnath Singh)ના સભ્યપદ તેમજ વડાપ્રધાન (નરેન્દ્ર મોદી / Narendra Modi)ના અધ્યક્ષતા વાળી ‘અપૉઇન્ટમેન્ટ્સ કમિટિ ઑફ ધ કૅબિનિટ’ પાસે પહોંચ્યો તો કૅબિનિટે ચતુર્વેદીને ઉપરોક્ત ત્રણેય મંજુરીઓ નવેસરથી લેવાનો હુકમ કર્યો. દલીલ એવી હતી કે હવે સંબંધિત સરકારોનું (હરિયાણામાં ભાજપના મનોહરલાલ ખટ્ટર / Manohar Lal Khattar મુખ્યમંત્રી અને કેન્દ્રમાં મોદી સરકાર) નેતૃત્વ બદલાઈ ચૂક્યું હોવાથી આમ કરવું જરૂરી છે. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રિબ્યુનલએ વડાપ્રધાનના આ નિર્ણયને રદબાતલ કરતા જણાવ્યું છે કે તમારું વલણ ન્યાય મેળવવાના પ્રાકૃતિક સિધ્ધાંતની વિરૂદ્ધ છે. સાથે જ સરકારને હુકમ કર્યો છે કે અગાઉ મેળવાયેલી મંજુરીઓને જ ધ્યાનમાં લઈ તેણે આગામી બે મહિનાના સમયગાળામાં સંજીવ ચતુર્વેદીને તેમને માંગ્યા પ્રમાણેની અને તેમની કૅડરને યોગ્ય હોય તેવી નિમણૂક આપવી.
કૅડરની મદદે કવિ, કાવ્યસંગ્રહ અને…
…રવિન્દ્રનાથ ટાગોરની કવિતા / Poem by Rabindranath Tagore
પોતાના હુકમમાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રિબ્યુનલએ કવિવર રવિન્દ્રનાથ ટાગોરના / Rabindranath Tagore કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ની / Gitanjali કવિતામાંથી પહેલી જ પંક્તિ “Where the mind is without fear and the head is held high,” ટાંકીને વડાપ્રધાન, તેમની કૅબિનિટ તેમજ કેન્દ્ર સરકારને ખાસ ટકોર કરી છે કે અમને એવી આશા અને વિશ્વાસ છે કે એવી સ્થિતિ ક્યારેય આવશે જ નહીં કે જેમાં પ્રમાણિકતા બતાવનારને દંડ-સજા મળશે અને ભ્રષ્ટાચાર આચરનારને ઇનામ. યાદ રહે આવી વ્યવસ્થાઓ લાંબા સમય સુધી નથી ચાલી શકતી.
નિમણૂક મળ્યે મહદ્અંશે જેનો અંત આવશે તેવી આ લડાઈમાં અંગત ધોરણે સંજીવ ચતુર્વેદીએ શું ગુમાવ્યું છે? જવાબ છે લગ્નજીવન. રાજકારણીઓ, તેમના મળતિયા કોન્ટ્રાક્ટર તેમજ સરકારી અધિકારીઓ જેમાં મુખ્યત્વે સંડોવાયેલા હોય તેવી ભ્રષ્ટાચારની એકથી વધુ ઘટનાઓને ઉજાગર કર્યા પછી ચતુર્વેદીનું નોકરી કરવું હરામ થઈ ગયું. ટૂંકા ગાળામાં થયેલી એક ડઝન બદલીઓ અને તપાસપંચોના નાટકથી નારાજ થયેલી પત્નીને (શ્રીમતી ચતુર્વેદીને) પીયરપક્ષનો એવો સાથ મળ્યો કે દહેજ માંગણીના ખોટેખોટા આક્ષેપો પછી સંજીવનું લગ્નજીવન વિચ્છેદમાં ફેરવાઈ ગયું.
આ જ સમયગાળામાં એક સાથી અધિકારી નામે સંજીવ તોમરએ કરેલી આત્મહત્યાના મામલે પણ સંજીવ ચતુર્વેદીને તેને આપઘાતની દુષ્પ્રેરણા આપનાર તરીકે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા. જો કે તોમરે પોતાની વિરૂદ્ધ થઈ રહેલી ભ્રષ્ટાચારની તપાસ તેમજ સાસરીપક્ષના દહેજના આક્ષેપોને કારણે જ આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળતા સંજીવ ચતુર્વેદીને પોતાની લડાઈ આગળ લઈ જવામાં મોટી રાહત મળી હતી.
હાલમાં દિલ્હી સ્થિત AIIMSની ભવ્ય ઇમારતની એક કૅબિનમાં કામગીરી વગરના કલાકો પસાર કરતા સંજીવ ચતુર્વેદીએ થોડા દિવસો અગાઉ કેન્દ્ર સરકારને વધુ એક પત્ર લખીને જાણવા માગ્યું છે કે, ‘કોઈ પણ પ્રકારની કામગીરી સોંપ્યા વગર દર મહિને મને મસમોટી રકમનો પગાર ચુકવવાનું તમને કેવી રીતે પોસાય છે? અને ક્યાં સુધી આમને આમ ચાલુ રાખવાના છો?’ ઇચ્છીએ કે તેમને બે મહિનાની મુદતમાં આ સવાલોનો જવાબ મળી જાય.
અશોક ખેમકા અને સંજીવ ચતુર્વેદી : हरियाणा सरकार के नाक में दम
વીસ વર્ષ પહેલા 1995ની આસપાસ જમીન મહેસૂલ વિભાગના અધિકારી તરીકે સનદી કારકિર્દીનું પહેલું પોસ્ટિંગ મેળવનાર અશોક ખેમકા આજે 2015માં હરિયાણા સરકારના પુરાતત્વ વિભાગના જોઇન્ટ સેક્રેટરી તરીકે મ્યુઝિયમોની જાળવણી કરવા જેવી ‘મહત્વ’ની કામગીરી બજાવી રહ્યા છે. આશા રાખીએ કે પોસ્ટિંગની બાબતમાં સંજીવ ચતુર્વેદીની છેક જ આવી હાલત નહીં થાય.
(નોંધ: કર્મશીલ પત્રકાર-લેખક પ્રકાશ ન. શાહના તંત્રીપદે તેમજ વિપુલ કલ્યાણી અને કેતન રૂપેરાના સંપાદન સહાય હેઠળ પ્રકાશિત થતા વિચારપત્ર પાક્ષિક ‘નિરીક્ષક’ના 16 જૂન 2015 ના અંકમાં ‘ખબર જે અખબારમાં નથી’ વિભાગ તળે ઉપરોક્ત લેખ પ્રકટ થયો હતો.)
(તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)