કૂતરાનું કમોત અને અગિયારસનો ઉપવાસ

વાહનોની નાત-જાત અને સંખ્યામાં એવો ઉછાળો આવ્યો છે કે થોડા વર્ષો વીતવા સાથે કોઈના મૃત્યુના સમાચાર મળશે તો સામે પૂછવું પડશે કે ‘માંદગીથી થયું કે મોટરકારથી થયું?’ અમદાવાદના વસ્ત્રાપુર / Vastrapur, Ahmedabad વિસ્તારમાં જ્યાં રહું છું ત્યાં મારી નજર સામે જ મૃત્યુની એક ઘટના ઘટી. અરેરાટી વ્યાપી ગઈ. કોઈ માણસનું નહીં પણ કુતરાનું મોત થયું હતું. તોય અરેરાટી વ્યાપી તેના કારણો સહેજ જુદા હતા.
વાત જાણે એમ બની કે રોજ પડે છે એવી જ સવાર તે દિવસે પડી હતી. પણ અગિયારસની સવાર હતી એટલે સ્વાભાવિક જ ઘર સામે ઊભી રહેતી ફરાળી નાસ્તા-ખીચડીની લારી પર સામાન્ય દિવસો કરતા વધુ લોકોની ભીડ હતી. વસ્ત્રાપુર રહેણાકની સાથે-સાથે વેપારથી પણ ધમધમતો વિસ્તાર છે. રોજિંદા ગ્રાહકો સાથે અહીંથી પસાર થતા લોકો માટે પણ ફોટામાં દેખાય છે તે આશાપુરા ખીચડીની લારી સવારના નાસ્તાનું સ્વાદિષ્ટ સરનામું બની રહ્યું છે. ગ્રાહકોની ભેગાં તેમના વાહનો પણ ઉમેરાય. એવામાં એક ગાડી લારીની બાજુમાં આવીને ઊભી રહી. બસ એ સાથે અગિયારસની બારસ થવાની શરૂઆત થઈ. રોજિંદા ખાન-પાન ભેગું શોખથી ફરાળ ખાતા હંગામી ધોરણના ભક્તોને ‘સવારે અગિયારસ, બપોર પછી બારસ’ એવી ઉપમા મજાકમાં અપાતી હોય છે. અહીં પણ કંઈક એવું જ થવા જઈ રહ્યું હતું.
ગાડીમાં બેઠા-બેઠા જ ચીજ-વસ્તુનો ઑર્ડર આપીને ઓડકાર બોલાવનાર ગ્રાહકોએ પેટપૂજા પુરી થતા જ ગાડીને આગળ હંકારવાની ભૂમિકા નિભાવી. એ સાથે જ ગાડી નીચેથી ચીસ-ચિત્કાર ઉઠ્યાં. શેરી કૂતરાંના ભસવાના અવાજ પણ જોડાજોડ ચાલુ થયા. ગાડી રોકાઈ ગઈ. ચલાવનારે પાછું વળીને જોયું તો એક કૂતરું / Dog લોહીલુહાણ હાલતમાં ઊંધે માથે થઈ ચાર પગે તરફડિયાં મારી રહ્યું હતું. કૂતરાંના ભસવાના અવાજ સાંભળીને સવારનું છાપું વાંચવાનું પડતું મુકી ઊભા થયેલા મને પણ ઘરની બારી બહાર આ જ દ્રશ્ય દેખાયું.
ઘર બહાર નીકળી સામે રસ્તે ઊભી રહેલી લારી પાસે ગયો ત્યાં સુધીમાં તરફડિયાં મારવાનું શાંત થઈ ગયું હતું. ગાડી બહાર નીકળેલા વાહન ચાલકને અને લારીના માલિક-સંચાલકને એટલું તો સમજાયું કે ફરાળી નાસ્તાને ન્યાય અપાઈ રહ્યો હતો એ દરમિયાન જ કૂતરું ગાડી નીચે લપાયું હશે અને પોતાની જાત પ્રત્યે બેધ્યાન થયું હશે. હવે? હવે તો એના રામ રમી ગયા હતા. તરત જ મૃતદેહના નિકાલનો પ્રશ્ન ઊભો થયો. હાલતો-ચાલતો માણસ મરી ગયો હોત તો આ પ્રશ્ન આટલો જલદીથી સામે ન આવ્યો હોત. હાલતું-ચાલતું ખરું પણ આ તો કૂતરું હતું. એની લાશનો તો ઝડપથી જ નિકાલ કરવો પડે ને? નહીં તો ભક્તોની અગિયારસ અભડાઈ જાય.
ફરાળી વાનગીઓથી મધમધતી લારીના માલિકે લાશ દુર્ગંધ મારવાનું શરૂ કરે તે પહેલા તેના નિકાલની વ્યવસ્થાના ભાગરૂપે પહેલા તો ગાડીવાળા પાસે રૂપિયાની માગણી કરી. થોડી મિનિટો અગાઉ જ રાજી થઇને તેને નાસ્તાના રૂપિયા આપી ચુકેલા તેઓ આ પ્રકારની ‘ચુકવણી’ માટે ધરાર તૈયાર નહોતા. ‘અમારો કોઈ વાંક નથી’ એવી એમની દલીલ હતી. સાચી અને માની લેવી પડે તેવી દલીલ હતી. પણ એથી કંઈ આ નિકાલના પ્રશ્નનો નિવેડો આવવાનો નહોતો. બાકી રહેલા ગ્રાહકો એક પછી એક વિદાય લઇને નજીકની સેન્ડવીચ-ખમણ-ભજિયા-ગોટાની લારીઓ તરફ વળી રહ્યા છે તે બાબતનો ખ્યાલ આવતા લારીવાળાએ રકઝક પડતી મુકી અને ગલ્લા સામે જોયું. રસ્તેથી પસાર થતા એક સફાઈ કામદારને બૂમ પાડી લાશ સામે આંગળી ચીંધી અને બીજા હાથે પાંચસોની કડકડતી નોટ બતાવી. આટલું પૂરતું હતું.
સફાઈ કામદાર / Street Sweeper ભાઈ ક્યાંકથી જૂનું બારદાન – શણનો કોથળો શોધી લાવ્યો. સાથીદારને મદદે બાલાવ્યો. રસ્તે જતી રિક્ષાને / Rickshaw રોકી નિકાલના કામમાં સામેલ કરી. રિક્ષા બહાર કોથળો લટકતો રાખી પૂરપાટ ઝડપે તેને અમદાવાદની ભાગોળે આવેલી ડમ્પિંગ સાઇટ / Dumping Site તરફ મારી મુકી. રોડ-રસ્તા કે ધોરી માર્ગ વચ્ચે મોતને ભેટતા પશુઓના મૃતદેહની બદતર હાલત જોઈ ચૂકેલા આપણામાંના કોઈકને આટલું વાંચીને ‘લાશનો આટલો જલદી નિકાલ?’ એવો સવાલ થતો હોય તો તેમને જણાવવાનું કે આ કામ ‘દલાલી’ / Commission જેવું છે જેમાં બન્ને પાર્ટી તરફથી રૂપિયા મળે. રહેણાંકથી ધમધમતા અવર-જવરવાળા વિસ્તારમાં પડતી આવી લાશોને ઝડપથી નિકાલ કરવાના તો રૂપિયા મળે જ મળે. તેને ચોપડે નોંધ કરાવવા જતા જે-તે શહેરની મ્યુનિસિપલ કૉર્પોરેશન પણ સફાઈ કામદારને આ કામના રોકડા રૂપિયા ગણી આપે છે. લાશમાંથી મળતો આવો લાભનો અને લોભનો ધંધો કોણ છોડે? અહીં તો પાછો અગિયારસના ફરાળી ધંધાને દિવસભર ચલાવવાનો પણ સવાલ હતો.

કૂતરાના જીવનકવન અને પરાક્રમ વિશે જાણવા આ જ બ્લોગ પર અન્ય બે પોસ્ટની મુલાકાત લેવા આ રહી લિન્ક…
કૂતરાની પૂંછડી….. : કહેવતને ખોટી પાડતો કૂતરો http://binitmodi.blogspot.in/2012/08/blog-post_25.html

અમદાવાદની આજકાલ : પાળેલા કૂતરા અને પોદળાએ આપેલી પીડા http://binitmodi.blogspot.in/2015/03/blog-post.html

(ઉપરોક્ત બ્લોગપોસ્ટની તસવીરો : બિનીત મોદી)