પાટીદાર તાયફો ઉર્ફે આંદોલન : મેદાનને સાચી ઓળખ મળી, અનામતનું અચોક્કસ હતું – છે અને રહેશે

પાટીદાર અનામત તાયફો : ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ

ગુજરાતના પાટીદારોના એકવીસમી સદીના બ્રાન્ડ ન્યૂ આગેવાનોએ અનામતના નામે શરૂ કરેલા તાયફાને એક વર્ષ પૂરું થયું. અનામતની ગેરબંધારણીય માગણી સાથે મહેસાણાથી શરૂ થયેલા તાયફાને આંદોલન ગણવું મારા માટે અને કદાચ તમારા માટે પણ મુશ્કેલ છે તેમ હું માની લઉં છું. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં જીએમડીસી ગ્રાઉન્ડ / GMDC Ground, Ahmedabad તરીકે વ્યાપક ઓળખ ધરાવતી જગ્યાએ 25 ઑગસ્ટ 2015ના દિવસ દરમિયાન યોજાયેલા ધરણાને બહોળો પ્રતિસાદ મળ્યો તે પછી આ તાયફો રાજ્યભરમાં ફેલાઈ ગયો અને ગુજરાત બહાર પણ પોતાના માટે થોડી જગ્યા કરી.
ધરણાંને પગલે એક પછી એક આવી પડતી ગેરવાજબી માગણીઓ, તેની સામે ઘૂંટણિયા નહીં ટેકવવાની આનંદીબહેન પટેલ સરકારની મક્કમતા, તાયફાના આગેવાન હાર્દિક ભરતભાઈ પટેલની ધરપકડ, તેને પગલે ફાટી નીકળેલા તોફાનો, અસંતોષ અને છેલ્લે રાજદ્રોહના આરોપસર હાર્દિક પટેલને પડેલી મહિનાઓ લાંબી ચાલેલી જેલ અને કારાવાસમાંથી મુક્તિ. આ ઘટનાક્રમ બહુ જાણીતો છે અને વાંચવા – જાણવા માટે વેબદુનિયામાં ઠેકઠેકાણે ઉપલબ્ધ છે એટલે અહીં હું તે ઉતારતો નથી. અહીં જે ઉતારવા માગું છું તે એ જે અંગતપણે અનુભવ્યું છે.
આલ્ફા વન મોલ બંધ…
25 ઑગસ્ટ 2015ના દિવસે ધરણાં – આંદોલન સંબંધી સમાચારો ટીવીની ચોવીસ કલાક ચાલતી ન્યૂઝ ચેનલો પર ચાલુ જ હતા. એ જોતાં આખો દિવસ ઘરમાં પૂરાઈ રહ્યા પછી ચાર-પાંચ વાગ્યાની આસપાસ થયું કે અનામત આંદોલનના તાયફા સ્થળે જઇને પણ માહોલને રૂબરૂમાં અને નજીકથી જોવો જોઇએ. અમદાવાદમાં વસ્ત્રાપુરમાં જ્યાં રહું છું એ ઘરથી જીએમડીસી ગ્રાઉન્ડ નામથી અત્યાર સુધી ઓળખાતી આવતી જગ્યા નજીક છે. ત્યાં જતાં પહેલા મેં મારા મિત્ર અશ્વિન ચૌહાણને / Ashwin Chauhan ફોન કર્યો. તેમણે પણ મારી સાથે આવવાની ઇચ્છા વ્યક્ત કરી. જો કે એ પહેલા એમણે મને પોતાને ઘરે આવીને પાણીપુરીને ન્યાય આપવાનું આમંત્રણ આપ્યું. ‘પાટીદારોને ન્યાય મળે ત્યારે ખરો’ એમ વિચારતો હું મિત્ર દંપતી સોનલ – અશ્વિનના ઘરે પહોંચી ગયો. ગુજરાત વિદ્યાપીઠમાં / Gujarat Vidyapith, Ahmedabad પત્રકારત્વ વિભાગના પ્રાધ્યાપક અશ્વિનના પત્ની સોનલ પંડ્યા / Sonal Pandya ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના નિયામક છે. એ રાહે ગુજરાત યુનિવર્સિટીના / Gujarat University ટીચર્સ ક્વાટર્સમાં રહેતા અશ્વિનને મારી જેમ જ ઘર નજીક સામે આવેલા જીએમડીસી મેદાનની મુલાકાત લેવાનું મન થાય તે સ્વાભાવિક છે.
…રસ્તા બંધ અને બંદોબસ્તમાં મહેસાણા પોલીસ…
અશ્વિનને ઘરે આવેલા સંબંધીઓ-મહેમાનો સાથે આંદોલનની સહજ વાતો થઈ અને પાણીપુરીને ન્યાય આપવામાં લગભગ સાંજ પડી ગઈ. એ પછી હું અને અશ્વિનકુમાર ચૌહાણ બીઆરટીએસનો ટ્રેક / BRTS, Ahmedabad ક્રોસ કરી અંધજન મંડળની / Blind People’s Association પાછળના રસ્તે મેદાન તરફ આગળ વધ્યા. સાથે ઘરે થયેલી વાતનું અનુસંધાન પણ ચાલુ હતું. અશ્વિનનું કહેવું હતું કે, આંદોલનનું આયોજન કરનારાથી લઇને વહીવટીતંત્ર, પોલીસ અને સરકાર સુદ્ધાં આ મેદાનને ‘જીએમડીસી ગ્રાઉન્ડ’ નામે ઓળખાવે છે. હકીકતે આ મેદાનની જગ્યાની માલિકી ગુજરાત યુનિવર્સિટીની છે તેવી માહિતી આપતા પ્રોફેસરે કહ્યું કે ગુજરાત યુનિવર્સિટીના વહીવટીતંત્રને પણ આ બદલાયેલી અને આપવામાં આવતી ખોટી ઓળખ સામે વાંધો પડતો નથી તેનું આશ્ચર્ય થાય છે. મને પણ આ વાત જાણીને નવાઈ લાગી. વાતવાતમાં મેં પણ યાદ કર્યું કે એક રૂપિયાના ટોકન ભાડાથી આ જગ્યા પાટીદાર અનામત આંદોલન સમિતિને / PASS વાપરવા આપનાર જગ્યાના લીઝ હોલ્ડર ગાંધી કૉર્પોરેશનએ એ દિવસના અખબારમાં છપાવેલી જાહેરાતમાં પણ તેનો ઉલ્લેખ ‘જીએમડીસી ગ્રાઉન્ડ’ તરીકે કર્યો હતો. મતલબ કે ભાડૂઆત પોતે જ જગ્યાને ખોટી રીતે ઓળખાવતો હતો.
…અને મેદાનમાં જગ્યા નથી…
મેદાન પર આ ખોટી ઓળખ બાબત તરફે કોઇનું ધ્યાન દોરી શકાય તો એમ કરીએ એવી વાતો કરતા અમે જીએમડીસી ગ્રાઉન્ડ નજીક પહોંચ્યા એ સાથે જ દૂરથી લાકડીઓ ઉછળતી દેખાઈ. થોડાક માણસોની નાસભાગ જોઇને અમે બન્નેએ એકમેકના હાથ પકડી લીધા. થોડા આગળ વધવાની હિંમત કરી પણ એ કશા કામની નહોતી એ અમને સમજાઈ ગયું હતું. ‘કઈ બાજુ ભાગવું?’ અથવા તો ‘કોના ઘર તરફ ભાગવું?’ એવી અનિશ્ચિતતા વચ્ચે અમે ‘ઘરે પહોંચીને ફોન કરજો’ એમ બોલતા એકબીજાના હાથ છોડીને વિરૂદ્ધ દિશામાં ભાગ્યા. એમ કરીને અમે બન્ને પોતપોતાના ઘરે સલામતીપૂર્વક પહોંચી જવાના હતા તેની ખાતરી હતી. ભાગીને મેદાન નજીકની ઝૂંપડપટ્ટીમાં સંતાયા પછી હું થોડીવારે બહાર આલ્ફા વન મોલ તરફના રસ્તા પર નીકળ્યો. ચારે તરફ નીરવ શાંતિ હતી. પોલીસ ધારે તો આંદોલન નામે ચાલતા તાયફાની ગણતરીની મિનિટોમાં શું વલે કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું હતું. મેદાનમાં પાર્ક થયેલા વાહનો જેમના તેમ રહી ગયા હતા. તેના માલિકો પોલીસને તે પરત મેળવવા માટે વિનવણી કરી રહ્યા હતાં. પોલીસ સત્તાવાળાઓએ ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ કરીને જ આ ઑપરેશન પાર પાડ્યું હતું એટલે વાહનો જે તે વ્યક્તિ માટે શોધવા કે પોલીસ માટે પણ શોધીને સોંપવાનું શક્ય નહોતું રહ્યું. પોલીસ તે સૌને સત્તાવાહી તો ક્યાંક વિનંતીના સૂરમાં એક જ વાત કહી રહી હતી કે, ‘આવતીકાલે સવારે આવીને વાહન લઈ જજો, તે સલામત જ છે’.
રસ્તે ચાલતા જતાં કોઈ ત્રાહિત વ્યક્તિની વાતો સાંભળવી એ સારું લક્ષણ તો નથી જ પણ અમદાવાદ જેવા ભીડ-ભાડથી ખદબદતા શહેરો વચ્ચે ચાલતા આ લક્ષણને જાળવી રાખવું હવે અઘરું છે. હું કોશિશ કરું છું પણ એમ થઈ શકતું નથી. મને પણ એક પોલીસવાળાની વાત સંભળાઈ ગઈ. તે ફરજ પરના તેના ઉપરી અમલદારને કહી રહ્યો હતો…‘સાહેબ, સારું થયું. જેણે પણ આ ઑર્ડર આપ્યો તેણે સારું કર્યું. બે દિવસથી અહીં ભૂખ્યા-તરસ્યા ખડે પગે ફરજ નિભાવતા કંટાળી ગયા હતા. બહુ દિવસે હાથ સાફ કરવાનો સારો મોકો મળ્યો.’
પાટીદારોની અનામતની માગણીઓનો તો આમેય કોઈ ઉકેલ આવવાનો નથી એ હવે મને, તમને, એમને સૌને રોજ-બ-રોજના સમાચારો, કૉર્ટ કાર્યવાહી અને તેના વિશ્લેષણ પરથી સમજાઈ ગયું છે. જે થોડાક લોકોને નથી સમજાયું તેને પણ વખત જતાં સમજાઈ જશે તેની ગૅરન્ટી.
…પછી જગ્યા જ જગ્યા…
મને કે અશ્વિનને અમે જે ઇચ્છતા હતા એવી રજૂઆત કરવાની કોઈ તક મળી નહોતી. પણ આ પાટીદાર આંદોલન નામે થયેલા તાયફા પછી એક સારું કામ એ થયું કે જીએમડીસી ગ્રાઉન્ડ હવે સત્તાવાર ધોરણે ‘ગુજરાત યુનિવર્સિટી મેદાન’ તરીકે ઓળખાતું થયું છે. પાછલા દાયકા એકથી ગુજરાત સરકાર આ સ્થળે નવરાત્રીનું સરકારી આયોજન કરતી આવી છે. તેની જાહેરાતોમાં સરકાર પોતે જ મેદાનને ‘જીએમડીસી’ના નામે ઓળખાવતી હતી. ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે 21મી જૂને યોજાયેલા સરકારી કાર્યક્રમમાં આ જગ્યાને સત્તાવાર રીતે ‘ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ’ નામથી ઓળખાવનાર સરકાર અને જગ્યાનો હવે પછી ઉપયોગ કરનારા એ પરંપરા ચાલુ રાખે તેવી મુજ બિન-આંદોલનકારી નાગરિકની અપેક્ષા.

(તસવીરો : બિનીત મોદી)